શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 10 સપ્ટેમ્બર 2014 (12:41 IST)

પ્રતિ વ્‍યક્‍તિ દૂધની ઉપલબ્‍ધતા મામલે ગુજરાત દેશમાં પાંચમા ક્રમે

પ્રતિ વ્‍યક્‍તિ દૂધની ઉપલબ્‍ધતા અને દૂધના ઉત્‍પાદનને લઇને તાજેતરમાં થયેલા એક સર્વેમાં એવું સામે આવ્‍યું છે કે ગુજરાતમાં પ્રતિ વ્‍યક્‍તિ દૂધનો વપરાશ પંજાબ કરતાં અડધો છે...! પંજાબમાં પ્રતિ વ્‍યક્‍તિ દૂધની ઉપલબ્‍ધતા ૯૩૭ ગ્રામ છે. જેની સામે ગુજરાતમાં ૪૩૫ ગ્રામ છે. અલબત્ત, એસોચેમ દ્વારા કરાયેલા આ સર્વેના તારણો પ્રમાણે પ્રતિ વ્‍યક્‍તિ ૪૩૫ ગ્રામ દૂધની ઉપલબ્‍ધતા હોવા છતાંય ગુજરાત દેશમાં પાંચમા ક્રમે છે. જયારે કે દેશમાં દૂધના કુલ ઉત્‍પાદનમાંથી ૮ ટકા જેટલા દૂધનું ઉત્‍પાદન ગુજરાતમાં થાય છે અને આ ક્ષેત્રે પણ એ દેશમાં પાંચમા ક્રમે આવ્‍યું છે....!

Drink milk everyday

   એક સર્વે કરવામાં આવ્‍યો છે. જેમાં જણાવાયું છે કે, ‘સમગ્ર દેશમાં દૂધના ઉત્‍પાદનના વિકાસનો દર ૧૯ ટકા જેટલો નોંધપાત્ર રહ્યો છે. દુનિયામાં દૂધના ઉત્‍પાદન ક્ષેત્રે સૌથી અગત્‍યના દેશ તરીકેની ભૂમિકા છતાંય દેશમાં પ્રતિ વ્‍યક્‍તિ દૂધની ઉપલબ્‍ધતા માત્ર ૨૫૨ ગ્રામ જેટલી જ છે. જે પ્રતિ વ્‍યક્‍તિ ૨૭૯ ગ્રામ પ્રતિ વ્‍યક્‍તિની વૈશ્વિક એવરેજ કરતાં ઓછી છે.' ૨૦ જેટલા રાજયોના ડેટા પરથી એવું જાણવા મળ્‍યું હતું કે, ‘પ્રતિ વ્‍યક્‍તિ ૪૩૫ ગ્રામ દૂધની ઉપલબ્‍ધતા સાથે ગુજરાત પાંચમા ક્રમે છે. જયારે કે ૯૩૭ ગ્રામ સાથે પંજાબ પહેલા ક્રમે છે. ૬૭૯ ગ્રામ સાથે હરિયાણા બીજા, ૫૩૮ ગ્રામ સાથે રાજસ્‍થાન ત્રીજા અને ૪૪૬ ગ્રામ સાથે હિમાચલ પ્રદેશ ચોથા ક્રમે છે. દેશના દૂધના કુલ ઉત્‍પાદનમાં ૧૭ ટકા જેટલો ફાળો ઉત્તરપ્રદેશનો છે. રાજસ્‍થાનનો ૧૧ ટકા, આંધ્રપ્રદેશનો ૯ ટકા અને પંજાબ અને ગુજરાતનો ફાળો ૮ ટકા હોવાનું સર્વેમાં સામે આવ્‍યું છે. દૂધના ઉત્‍પાદનમાં ગુજરાતની સ્‍થિતિ નોંધપાત્ર રીતે સુધરી રહી હોવાનું આ સર્વેમાં સામે આવ્‍યું છે. દૂધના ઉત્‍પાદનના વિકાસદરમાં દેશના ટોપના પાંચ રાજયોમાં ગુજરાતે સ્‍થાન મેળવ્‍યું છે. રાજયમાં દૂધના ઉત્‍પાદનમાં ૨૩.૭ ટકાના દરે વિકાસ થઇ રહ્યો છે. ૪૧ ટકાના વિકાસદર સાથે આંધ્રપ્રદેશ દેશમાં ટોપ પર છે. જયારે ત્‍યારબાદ અનુક્રમે રાજસ્‍થાન ૨૮ ટકા, કેરેલા ૨૪.૮ ટકા, કર્ણાટક ૨૪ ટકાનો સમાવેશ થાય છે.

    ૨૦૧૦-૧૧ના ડેટા પ્રમાણે દેશમાં ૧૨૧ મિલિયન ટન (MT) દૂધનું ઉત્‍પાદન થાય છે. જે સરેરાશ ચાર ટકાની વૃદ્ધિ સાથે ૨૦૧૬-૧૭માં ૧૫૦ MT અને ૨૦૧૯-૨૦ સુધીમાં ૧૭૭ MT થવાનો અંદાજ દર્શાવવામાં આવ્‍યો છે. દૂધ અને દૂધની બનાવટની ચીજવસ્‍તુઓના વપરાશમાં શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ૯૨ ટકા જેટલો વધારો થયો હોવાનું આ સર્વેમાં નોંધવામાં આવ્‍યું છે. એવું તારણ રજૂ કરાયું છે કે શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોની આવકમાં નોંધપાત્ર વધારો થતાં દૂધ અને તેની બનાવટની વસ્‍તુઓનો ઉપયોગ પણ વધ્‍યો છે.