શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 22 જુલાઈ 2014 (15:31 IST)

બહાર જમવાનાં ચટાકા મોંઘા પડશે

શાકભાજી તેમજ અનાજ સહિતની ખાદ્યસામગ્રીના બેકાબૂ ભાવોથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. સાથે સામાન્ય રેસ્ટોરન્ટો અને ભોજનાલયોમાં મળતું ભોજન મોંઘુ બન્યું છે. જોકે, થ્રી સ્ટાર કે તેથી વધુ ઊંચા દરજ્જાની હોટલોએ ભોજનના ભાવોમાં હાલપૂરતો કોઈ વધારો કર્યો નથી.

યુપીએના રાજમાં મોંઘવારીએ માઝા મૂકી છે અને ભાવવધારો કાબૂ બહાર છે ત્યારે અચ્છે દિન માટે ભાજપને મત આપો તેવી અપીલ કરી સત્તા પર આવેલી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારના શાસનમાં પણ મોંઘવારી ઘટવાને બદલે વધી રહી છે. રીંગણ અને ગવાર જેવી સામાન્ય શાકભાજીના પ્રતિકિલોના ભાવ રૂ. ૬૦ થઈ ગયા છે અને અનાજ પણ દિનપ્રતિદિન મોંઘુ થઈ રહ્યું છે ત્યારે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આવેલા ભોજનાલયો અને રેસ્ટોરન્ટોમાં જમવાનું મોંઘુ બન્યું છે. ગુજરાતી થાળીના ભાવમાં રૂ. ૧૦થી ૨૦નો વધારો થયો છે. કેટલાક સંચાલકોએ સપ્તાહ પૂર્વેથી ડીશના ભાવમાં વધારો કરી દીધો છે. જ્યારે અમુક વેપારી તહેવારો પૂરા થવાની રાહ જોઈ રહ્યા છે. તેમણે ૧લી ઓગસ્ટથી થાળીના ભાવોમાં વધારો કરવાનું નક્કી કર્યું છે.

ડાઇનીંગ હોલ એસો.ના સૂત્રોના જણાવ્યા મુજબ શાકભાજી, દૂધ તથા અનાજ સહિતના ખાદ્યસામગ્રીના ભાવો વધ્યા હોવાથી તેમને ભોજનના ભાવોમાં વધારો કરવાની ફરજ પડી છે. ગુજરાતીની સાથે ચાઇનીઝ, ઈટાલીયન, પંજાબી, મેક્સીકન સહિતન વિવિધ પ્રકારની વાનગીઓ પણ મોંઘી બની છે.

જોકે, કારમી મંદીમાં ઘરાકી માટે ભારે જહેમત ઉઠાવી રહેલી સ્ટાર હોટલ ઇન્ડસ્ટ્રીઝે હજુ ફૂડના ભાવ યથાવત્ રાખ્યા છે. તેમના એસોસિએશનના પ્રતિનિધિઓનું માનવું છે કે, ખાદ્યસામગ્રીમાં મોંઘવારી અમને પણ નડી રહી છે પરંતુ હાલ ઇન્ડસ્ટ્રીઝ મંદીના સમય સામે ઝઝૂમી રહી છે ત્યારે ભાવવધારો કરી વધુ જોખમ લેવા માગતા નથી. એટલે જ હાલ પૂરતો ભાવ યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.