શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 11 જૂન 2015 (16:08 IST)

બે કલાકમાં પાસપોર્ટ!

સુરત શહેરની પાસપોર્ટ ઓફિસમાં એક નવ માસની બાળકીનો ફકત બે કલાકના સમયમાં પાસપોર્ટ તૈયાર કરીને તેના માતા પિતાને આપી દેવાની સુદખ ઘટના બની હતી. સામાન્ય રીતે પાસપોર્ટ તૈયાર કરવામાં બે સપ્તાહનો સમય તો નીકળી જ જાય છે.

સુરત ઓફિસ ખાતે પરિવારની મેડિકલ સમસ્યા અંગે ધ્યાન દોરાતા શરણ્યા નામની નવ માસની બાળકીનો ફકત બે કલાકમાં પાસપોર્ટ તૈયાર કરી તેના માતા પિતાને સોંપી દેવાયો હતો.

આ અંગે રિજિયોનલ પાસપોર્ટ ઓફિસર કુમાર નિત્યાનંદે જણાવ્યું હતું કે, સગીર પાસપોર્ટમાં તેના માતા પિતાની હાજરી અનિવાર્ય હોય છે. આ કેસમાં પરિવાર દ્વારા એપોઈન્ટમેન્ટ મેળવાઈ હતી અને તેઓ બંને પણ હાજર હતા અને સૌથી મહત્ત્વની બાબત પાસપોર્ટ માતા પિતાના પાસપોર્ટમાં દર્શાવાયેલા રહેણાંક ખાતે જ મોકલવાનો હતો. પરંતુ માતા પિતાને મેડિકલ પ્રાબ્લેમને કારણે પરત જવું પડે એમ હતું અને આ સંજોગોમાં તેમની એપોઈન્ટમેન્ટ રદ થાય એમ હતી.

આ અંગે રજૂઆત બાદ ખુદ નિત્યાનંદે દસ્તાવેજોની ચકાસણી કરી તેમને પાસપોર્ટ તુરંત મળી શકે એમ હોવાનું જણાવ્યું હતું અને આ દરમિયાન ઓફિસે જ પાસપોર્ટ તૈયાર કરીને રવાના થતાં માતા પિતાને આપી દેતા તેમના માટે એક સુખદ આશ્ર્ચર્ય સર્જાયું હતું.

બીજી તરફ સુરત પાસપોર્ટ ઓફિસ ખાતે આગામી તા. ૧૩મી અને ૨૦મીના રોજ વધુ એક એક પાસપોર્ટ મેળાનું આયોજન કરાયું છે. જેમાં તા. ૧૩મીના મેળામાં વધારાની ૮૫૦ એપોઈન્ટમેન્ટ ખુલશે જ્યારે તા. ૨૦મી માટે ફકત રિ ઈશ્યુ માટેની અરજીઓ સ્વીકારવામાં આવશે. વિવિધ જરૂરિયાત વાળી એક હજાર પાસપોર્ટ માટેની અરજીઓને ધ્યાનમાં લેવાશે. તા. ૨૦મીના મેળામાં મુદત પુરી થઇ ગયેલા પાસપોર્ટ રિ ઈશ્યુ કરવાની અરજીઓ જ ધ્યાનમાં લેવાશે.