ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 11 માર્ચ 2015 (12:45 IST)

ભારત દુનિયાનો સૌથી વધુ ચા ઉત્પાદન કરતો દેશ, 70 ટકા ચા આપણે જ પી જઇએ છીએ

સવારની ચા ન મળે તો દિવસ બગડી જાય છે. સવારની ચા ભારતના ઘર ઘરમાં અને ખાસ કરીને ગુજરાતીઓના ઘરમાં એવું બંધાણ છે જેને છોડવાનું ‘પાપ’ કરી શકાતું નથી. સારી ચા નહીં બનાવી શકતી પત્નીથી પતિ અને સારી ચાને બિરદાવી નહીં શકતા પતિથી પત્ની છૂટા થઈ જવાનો વિચાર કરતા હોઈ શકે, એમ કહીશુંને તો ય અનેકોને એનો અતિરેક નહીં લાગે.

ઈંગ્લૅન્ડમાં એક તબક્કે ચાને એક ટંકના ભોજન પેટે લેવામાં આવતી હતી. ૧૮૪૦ના દશકમાં બ્રિટનનાં સમૃદ્ધ ઘરોમાં આફ્ટરનૂન ટી લગભગ સાંજના ચાર વાગ્યાથી છ વાગ્યા વચ્ચે લેવાતી તેને ટી વિથ લાઈટ મીલ કહેતા. આયર્લૅન્ડના કામદાર વર્ગમાં સાંજના પાંચ વાગ્યાથી સાત વાગ્યા સુધીમાં હાઈ ટી લેવાતી જેને મીટ ટી તરીકે ઓળખ્ાવામાં આવતી અને એને ઈવનિંગ મીલ અથવા ઈવનિંગ ડિનર પણ ગણતા. એ ઉપરાંત ખાસ કરીને ઉત્તર ઈંગ્લૅન્ડ, ઈંગ્લીશ મિડલૅન્ડ અને સ્કૉટલૅન્ડના નિમ્ન મધ્યમ અને નિમ્ન કામદાર વર્ગમાં ઈવનિંગ મીલ ટી પ્રચલિત હતી, સાંજના સાત વાગ્યા બાદ લેવાતી અને એને ડિનર જ ગણવામાં આવતું. (ભારતમાં તો આપણે મધરાતે અને વહેલી પરોઢિયે પણ ચા પીવા ખડે પગે હોઈએ છીએ એની કદાચ અંગ્રેજોને ખબર નહીં હોય...)

ચાનો તે કોઈ સમય હોય? તેમાં ય જ્યારે વિશ્ર્વમાં ચીન પછી ભારત તેની ફેમસ આસામ ટી અને દાર્જીલિંગ ટી સહિતનો બીજા નંબરનો ચા-ઉત્પાદક દેશ હોય! આજે તો હવે દેશમાં આયોજન પંચ-પ્લાનિંગ કમિશન રહ્યું નથી, પણ હતું ત્યારે એના એક વખતના ડેપ્યૂટી ચેરમેન મોન્ટેકસિંહ અહલૂવાલિયાના જણાવ્યા અનુસાર ૨૦૧૩માં એક તબક્કે ચાને દેશનું રાષ્ટ્રીય પીણું જાહેર કરવાની યોજના હતી. તમને ખબર છે ચા આસામનું ‘સ્ટેટ ડ્રિન્ક’ છે? લગભગ ચારેક વર્ષ અગાઉ ભારતીય એસોચેમ (એસોસિયેટેડ ચૅમ્બર્સ ઑફ કૉમર્સ ઍન્ડ ઈન્ડસ્ટ્રિ ઑફ ઈન્ડિયા)ના એક અહેવાલમાં જણાવાયું હતું કે વિશ્ર્વના સૌથી વધુ ચાના વપરાશકર્તા તરીકે વૈશ્ર્વિક ચા ઉત્પાદનના લગભગ ૩૦ ટકા ચાનો વપરાશ કરી નાખે છે. ઉત્પાદનની સાથોસાથ ભારત ચીન પછી ચામાં વિશ્ર્વનો સૌથી મોટો નિકાસકાર દેશ છે.

કેમેલિયા સિનેન્સીસ નામના કડવા પાંદડાંના ચીની છોડના ભારતમાં પાક વાવવા અને તેને ચા-પત્તીમાં ફેરવવાનો ઈતિહાસ બહુ જૂનો અને બહુ લાંબો છે. ભારતમાં ચાનો દવા પેટે વપરાશ પરંપરાગત છે. આયુર્વેદમાં પણ તેનું મહત્ત્વ છે. હર્બલ ટી એ આયુર્વેદની પરંપરાથી પીવાય છે. ભારતીય રસોડામાં તુલસી, ઈલાયચી, કાળા મરી, જેઠીમધ, ફૂદીનો, હળદર, મધ, તજ, મેથી, હિંગ, આદુ, લસણ, લિંબુ, તેલ વગેરે સામગ્રીનો રસોઈમાં અને એ સિવાય ઔષધિ તરીકે જે સ્થાન અને માન છે એ જ સ્થાન અને માન ચાને પણ છે. ચા આ બધા પરંપરાગત વનસ્પતિ સાથે ભેળવીને પીવાય પણ છે અને આરોગ્યને મળતા લાભ લેવાય છે. એમ પણ દૂધ અને સાકર નાખેલી મીઠી ચા સ્ફૂર્તિ તો આપે જ છે.

ભારતમાં ચાના વપરાશની પહેલી દસ્તાવેજી નોંધ રામાયણ (ઈ.સ. પૂર્વે ૭૫૦થી ૫૦૦ વર્ષ)માંથી મળે છે.ત્યાર બાદના હજાર વર્ષ દરમિયાન ચાનું દસ્તાવેજીકરણ ઈતિહાસમાં લુપ્ત થયું છે. ત્યાર બાદ દસ્તાવેજી નોંધો ફરી ઈ. સ. પહેલી સદીમાં બૌદ્ધ સાધુઓ બોધિધર્મ અને વુ લિ ઝેનની કથાઓમાં મળે છે. કહેવાય છે કે ચીની બૌદ્ધ સાધુ વુ લિ ઝેને સૌ પ્રથમ ચીનની મેન્ગ પવર્તમાળામાં ચાનો છોડ જોયો હતો અને એનું સેવન શરૂ કર્યું હતું. પછીથી આ છોડને લાડનું નામ મેન્ગ ડિન્ગ ગેન લુ મળ્યું હતું. આજે પણ ચીનમાં ગેન લુ બ્રેન્ડની ચા વેચાય છે, જેને અસલી ચા કહેવામાં આવે છે. ઉપરાંત સંશોધન દર્શાવે છે કે મૂળ ચીની ચા ભારતના ઉત્તર અને પૂર્વના વિસ્તારોમાં દેશી વનસ્પતિ તરીકે ઓળખાય છે અને ત્યાં હજારો વર્ષોથી તેનો પાક લેવાય છે અને તેનો વપરાશ કરવામાં આવે છે. જોકે ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું આગમન થયું નહોતું ત્યાં સુધી ચાનું વેપારલક્ષી ઉત્પાદન શરૂ થયું નહોતું. આ અંગ્રેજ કંપનીના આગમન બાદ ચાનાં માસ-પ્રોડક્શન માટે વિશાળ પ્રમાણની જમીનોને ચાના બગીચામાં ફેરવાઈ હતી.

આજે વિશ્ર્વમાં ભારત સૌથી મોટો ચા-ઉત્પાદક દેશ છે, પણ ૭૦ ટકા જેટલી ચા પણ જાતે જ વાપરે છે. ભારતીય ચા ઉદ્યોગ વિશ્ર્વમાં ‘વન ઑફ ધ મોસ્ટ ટેકનોલોજિકલી ઈક્વિપ્ડ ઈન્ડસ્ટ્રિઝ’ કહેવાય છે. આજે ચાનું પ્રોડક્શન, સર્ટિફિકેશન અને નિકાસ સંબંધી બાબતો અને ચાના વેપારની અન્ય અનેક બાબતોનું નિયંત્રણ અને નિયમન ટી બૉર્ડ ઑફ ઈન્ડિયા કરે છે.

પ્રાચીન ભારતમાં ચાની ખેતીનાં મૂળ ક્યાંથી અને ક્યારે થયા એ બાબતો સંદિગ્ધ કે અનિશ્ર્ચિત છે. તેથી જ પ્રાચીન ભારતમાં ચાની લોકપ્રિયતા સંબંધે પણ એટલું જ અંધારું છે, શૂન્યવકાશ છે. કહેવાય છે કે ત્યારે ચાના છોડને જંગલી વનસ્પતિનો છોડ માનવામાં આવતો અને દેશના જુદા જુદા ભાગોમાં સ્થાનિક લોકો દ્વારા પોતાના ઉપયોગ માટે તેની ખેતી કરાતી હતી. ચાના પ્રખર હિમાયતી લેખક ફ્રેડરિક આર. ડેનાવેએ ચાના છોડને મિરેક્યુલસ-અલૌકિક ગણવતા ‘ટી એઝ સોમ’ નામના નિબંધમાં દલીલો સાથે લખ્યું છે કે ‘ભારતીય પુરાણ કથાઓમાં ચાને જ સોમ રસ તરીકે ઓળખવામાં આવતી હશે.’ પૂર્વ અને દક્ષિણ એશિયામાં ચા નામનો પ્લાન્ટ નેટિવ-સ્વદેશી ગણાય છે છતાં ત્યાં પણ ચાનો ઈતિહાસ ચોક્કસાઈપૂર્વકનો નથી. ચાના ઉદ્ગમ સ્થાન સંબંધી અનેક પ્રાચીન દંતકથા-પુરાણકથા ચીની પુરાણશાસ્ત્રમાં મળી આવે છે. જોકે રેન હુયગેન વાન લિન્શોટેન નામના ડચ પ્રવાસીએ ૧૨મી બાદ એટલે કે ૧૫૫૮માં નોંધ્યું હતું કે ભારતીયો દ્વારા આસામ ટી પ્લાન્ટનાં પાંદડાંનો શાકભાજી તરીકે ઉપયોગ કરવામાં આવે છે, જેને તેઓ લસણ સાથે તેલમાં રાંધીને ખાય છે અને પીણાં તરીકે પણ લે છે. ઉપરાંત ત્યારનાં અનેક બ્રિટિશ સર્વેક્ષણોમાં પણ ભારતીય ચાનો, ચાની ખેતીનો, ચાના વપરાશનો દસ્તાવેજી ઉલ્લેખ-નોંધ જોવા મળે છે.