શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 14 એપ્રિલ 2015 (17:05 IST)

ભારતે બટાકાને સૂકવીને લાંબો સમય સુધી રાખવાની ટેકનિક શોધી

નેશનલપોટેટો રિસર્ચ સેન્‍ટર જલંધરે બટાકાને સૂકવીને લાંબો સમય સુધી રાખવાની ટેકનિક શોધી કાઢી છે. રિસર્ચના પ્રમુખ ડો. જોગિન્‍દર સિંહાસે જણાવ્‍યું હતું કે જેવી રીતે દાળોને ડબામાં ભરીને લાંબો સમય સુધી રાખવામાં આવે છે તેવી રીતે બટાકાને સૂકવીને તેના ટુકડાઓ પણ રાખી શકાશે. તેમણે તેની પેટન્‍ટ મેળવી લીધી છે.

   ડો. સિંહાસે જણાવ્‍યું હતું કે અત્‍યારે વીજળીનો ખર્ચ કરીને બટાકાને કોલ્‍ડ સ્‍ટોરેજમાં રાખવામાં આવે છે. તેથી બટાકાને સૂકવવાની ટેકનિક વિશે અમે વિચાર્યું. દેશી રીતે બટાકાને સૂકવવાથી તેનો અંદરનો ભાગ સખત બની જાય છે. તેમજ વધારે સમય રાખવાથી બટાકા સડી જાય છે. રાંધવાથી તે કાંકરાની જેમ ખૂંચે છે. અમે તેને બે ભાગમાં ખાસ રીતે સૂકવ્‍યા હતા. તેને પલાળવાથી ફરીથી તેનો ઉપયોગ મૂળ બટાકાની જેમ કરી શકાશે અને તેનો સ્‍વાદ પણ નહીં બદલાય. તરકીબ માટે ડો. સિંહાસ, પ્રિન્‍સિપલ સાયન્‍ટિસ્‍ટ ડો. આશિવ મહેતા અને ટેકનિશિયન યોગેશ ગુપ્તાના નામે પેટન્‍ટ રજિસ્‍ટર્ડ કરવામાં આવી છે. હવે તેનું વ્‍યાવસાયિક લાઇસન્‍સ આપવામાં આવી રહ્યું છે.

   માટી વિનાનો પાક ઉગાડવા માટે થર્મોકોલની પાતળી ચાદરોમાં છોડ વાવો. મૂળિયા નીચે હવામાં વધશે. ૧૬ જરૂરી તત્‍વો ધરાવતા પ્રવાહીથી સિંચાઈ થશે. માટી કરતાં આઠ ગણો વધારે પાક મળશે. પાક પણ બીમારીમુક્‍ત હશે. એરોપેનિક ટેકનીકના ઇન્‍ચાર્જ ડો. સુખવિન્‍દર ચાહલ કહે છે કે અમારી સંસ્‍થા ઘણી કંપનીઓને ટેકનિક આપી ચૂકી છે. પાંચ વર્ષમાં તે બટાકાની ખેતીમાં નવી ક્રાંતિ લાવી દેશે.