શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગાંધીનગર: , શનિવાર, 25 એપ્રિલ 2015 (16:42 IST)

રાજ્ય સરકારના કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં છ ટકાનો વધારો

રાજ્ય સરકારના પાંચ લાખથી વધારે કર્મચારીઓ માટે આ આનંદના સમાચાર છે. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે સરકારી કર્મચારીઓના કલ્યાણ લક્ષી નિર્ણયોમાં વધુ એક નિર્ણય ઝડપભેર લઈને કર્મચારી આલમને ખુશખુશાલ કરી દીધી છે. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ગઇકાલે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં છ ટકાનો વધારો જાહેર કર્યો છે.
મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે રાજ્ય સરકારની કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં છ ટકાનો વધારો તા. ૧ જાન્યુઆરી-૨૦૧૫થી આપવાનો નિર્ણય કર્યો છે. કર્મચારીઓને તા. ૧ જાન્યુઆરી-૨૦૧૫થી ૩૦ એપ્રિલ-૨૦૧૫ સુધીના સમયનો મોંઘવારી ભથ્થાનો આ વધારો રોકડમાં ચૂકવવામાં આવશે.

રાજ્ય સરકારના કર્મચારીઓ તથા પંચાયત કર્મચારી તેમજ રાજ્ય સરકારના પેન્શનરોને હાલ મળતા ૧૦૭ ટકાના મોંઘવારી ભથ્થામાં હવે ૬ ટકાનો આ વધારો થતાં ૧૧૩ ટકા મોંઘવારી ભથ્થું મળતું થશે. મોંઘવારી ભથ્થાના આ ૬ ટકાના વધારાને પરિણામે રાજ્ય સરકાર વાર્ષિક રૂ. ૮૧૧.૪૧ કરોડનો બોજ વહન કરશે. મોંઘવારી ભથ્થામાં ૬ ટકા વધારાનો આ લાભ અંદાજે પાંચ લાખ જેટલા કર્મચારીઓ અને  નિવૃત્ત કર્મચારીઓને મળવાપાત્ર થશે.

રાજ્ય સરકારના પાંચ લાખથી વધારે કર્મચારીઓને છેલ્લે જૂન-૨૦૧૪માં મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો હતો. તે અગાઉ સરકારી કર્મચારીઓને  ૧૦૦ ટકા મોંઘવારી ભથ્થું મળતું હતું પરંતુ સરકારે ૭ ટકાનો મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરતાં કર્મચારીઓનો મોંઘવારી ભથ્થું ૧૦૭ ટકા થયું હતું, જ્યારે હવે વધુ ૬ ટકાનો વધારો જાહેર થતાં સરકારી કર્મચારીઓને કુલ ૧૧૩ ટકા મોંઘવારી ભથ્થું મળતું થશે. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના કર્મચારી લક્ષી નિર્ણયને પગલે વર્ગ-૪ના કર્મચારીઓને રૂ. ૫૦૦ અને વર્ગ-૧ના કર્મચારીઓને રૂ. ૨૫૦૦નો વધારો મળશે. જ્યારે પેન્શનરોને પેન્શનની રકમમાં રૂ. ૨૫૦થી રૂ. ૧૫૦૦ સુધીનો લાભ મળશે.

દરમિયાન ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રવકતા આર.એ. પટેલે જનસત્તાની વાતચીતમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના મોંઘવારી ભથ્થામાં વધારાના નિર્ણયને ઉમળકાભેર આવકારતાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે કર્મચારીઓની અપેક્ષા કરતા પણ વધારે ઝડપથી મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કર્યો છે. અમને એમ હતું કે એકાદ મહિના પછી વધારો જાહેર થશે, પરંતુ ગતિશિલ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે કર્મચારીલક્ષી નિર્ણયમાં પણ ગતિ દાખવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં છ ટકાનો વધારો હજુ ૧૫ દિવસ પહેલા જાહેર કર્યો હતો.