બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 15 મે 2015 (16:55 IST)

રાજ્યનાં વિવિધ યાર્ડમાં કેસર કેરીનો વટ સાથે પ્રવેશ, ભાવ ઊંચા રહેશે

સૌરાષ્ટ્રમાં ઉનાળાના પ્રારંભથી બેથી ત્રણ વાર વાતાવરણમાં આવેલો પલટો તથા માવઠાને કારણે કેસર કેરીના પાકને નુકસાન થયું હતું પણ ઘણાબધા ખેડૂતોએ આંબાવાડીને માવજત કરીને કેરીનો વધુ પાક લેવા માટે જહેમત ઉઠાવી હતી. હવે જૂનાગઢના માર્કેટયાર્ડમાં કેસર કેરીની ધૂમ આવક શરૂ થઈ છે. બુધવારે યાર્ડમાં ૨૦ હજાર કરતા વધુ બોક્સની આવક થઈ હતી. આવક વધતા ભાવોમાં ઘટાડાની શક્યતા છે પણ ગત વર્ષ કરતાં કેસર કેરીના ભાવ ઊંચા રહેશે.

સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, તલાલાગીર, અમરેલી, સાવરકુંડલા ધારી, ખાંભા તથા ભાવનગર જિલ્લામાં કેસર કેરીની આંબાવાડીઓ આવેલી છે. ફાગણ મહિના પહેલા વાવાઝોડા સાથે પડેલા માવઠાને કારણે આંબા પરના મોર ખરી પડ્યા હતા પણ ખેડૂતોએ આંબાવાડીને ખાતર અને પાણી આપીને માવજત કરતા થોડા-ઘણા આંબાઓ પર ફરી મોર બેઠા હતા એટલે આ વર્ષે કેસર કેરીનો પાક બજારમાં મોડો આવ્યો છે. સોરઠ પંથકમાં છેલ્લા અઠવાડિયાથી કેસર કેરીની આવક શરૂ થઈ છે પણ બે-ત્રણ દિવસથી આવકમાં વધારો થયો છે અને તલાલા, ઊના, ગીર ગઢડા વિસ્તારની કેરી આવવા લાગી છે. સવારે ૬ વાગે યાર્ડમાં કેસર કેરીની હરાજી શરૂ થાય છે અને હરાજી સવારે ૧૦ વાગ્યા સુધી ચાલે છે. બુધવારે ૨૦૧૭૮ બોક્સની આવક થઈ હતી અને પ્રતિબોક્સ રૂ. ૨૦૦થી લઈને રૂ. ૧૨૦૦ના ભાવે વેચાયા હતા.

સોરઠ પંથકનાં ખેડૂતોના જણાવ્યા પ્રમાણે પખવાડિયા પૂર્વે સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમી પડતા કેરીના પાકને ફાયદો થયો હતો. તાલાલા યાર્ડમાં આવતા અઠવાડિયે હરાજી શરૂ થશે. એટલે તાલાલાગીરની કેરી જૂનાગઢ હરાજી માટે આવી રહી છે. આવક વધતા હજુ પણ ભાવો નીચા જવાની શક્યતા છે. દરમયિાન કેસર કેરીની જન્મ ભૂમિ ગણાતા તાલાલા ગીરમાં માર્કેટ યાર્ડમાં હરાજી છેક ૧૯ મેથી શરૂ થવાની છે પરંતુ ખેડૂતોએ કેસર કેરીનાં બોક્ષ સૌરાષ્ટ્ર-ગુજરાતનાં માર્કેટીંગ યાર્ડોમાં મોકલવાનું શરૂ કરી દીધું છે. રોજનાં આશરે સવા લાખથી વધુ બોક્ષ બહાર જાય છે. સુપર ક્વોલિટીની કેસર કેરીનાં બોક્સનાં રૂ. ૪૦૦ થી ૫૦૦ છે. જ્યારે નબળા માલનાં રૂ. ૨૦૦ છે. હાલ ગીરમાંથી રોજ ગોંડલમાં ૨૦,૦૦૦, જૂનાગઢમાં ૩૫,૦૦૦, રાજકોટમાં ૨૦,૦૦૦, જામનગરમાં ૧૦,૦૦૦, અમદાવાદમાં ૩૫,૦૦૦, મહેસાણામાં ૭,૦૦૦ બોક્ષ જાય છે.