શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 15 એપ્રિલ 2015 (13:09 IST)

વા-ઝડી અને માવઠાંનાં કારણે ખાખડીઓ ખરી જતા કેસર કેરીનું ઉત્પાદન માંડ ૨૦ ટકા થવાની સંભાવના

સૌરાષ્ટ્રમાં છેલ્લા બે મહિના દરમિયાન વાતાવરણમાં વારંવાર આવેલા પલટા અને માવઠાને કારણે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે જેમાં તલાલા ગીર અને ઉના પંથકમાં પ્રથમ માવઠાં અને વા-ઝડીથી આંબા પરના મોર ખરી પડ્યા હતા અને જે મોર બચ્યા હતા તે આંબાઓ પર ખેડૂતો થોડું ઉત્પાદન મેળવી શકશે એવી આશા બંધાય હતી પણ છેલ્લા અઠવાડિયાથી પલટાયેલા વાતાવરણ વા-ઝડી અને માવઠું પડતા આંબાઓ પરથી મોટાપાયે ખાખડીઓ ખરી જતા હવે કેસર કેરીનું ઉત્પાદન માંડ ૨૦થી ૨૫ ટકા થવાની સંભાવના છે.

આ વર્ષે કેસર કેરીની સિઝન ટૂંકી અને ભાવમાં સૌથી મોંઘી સાબિત થશે. તાલાલા ગીર અને ઉના પંથકમાં કેસર કેરીના બગીચાઓ આવેલા છે પણ કેસર કેરીના પાકને થયેલા વ્યાપક નુકસાનને લીધે ખેડૂતો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કૃષિ વિભાગના સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે, આંબાવાડીઓની રૂબરૂ મુલાકાત અને અભ્યાસ કર્યા બાદ જ નુકસાનીનો સાચો અંદાજ મેળવી શકાશે. જોકે મોટા ભાગે કેસર કેરીનો પાક નષ્ટ થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે.

તાલાલા ગીર પંથકમાં ભારે પવન સાથે માવઠાથી આંબાઓ પરથી નાની-નાની કાચી કેરીઓ ખરી પડી હતી. જોકે વંથલી અને અમરેલી પંથકમાં કેસર કેરીના પાકમાં નુકસાની ઓછી છે. એટલે સરેરાશ ૨૦થી ૨૫ ટકા ઉત્પાદનની ગણતરી માંડવામાં આવી રહી છે.

તાલાલા માર્કેટ યાર્ડના સૂત્રોએ ઉમેર્યું હતું કે તા. ૧૫મી મેથી હરાજી શરૂ કરવા અમે તૈયાર છીએ સિઝન મોડી શરૂ થતાં સમયગાળો પણ ટૂંકો રહેશે.