ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 30 જુલાઈ 2014 (12:35 IST)

વિદેશનાં રીટર્ન ભાડા જેટલું અમદાવાદ-ગોવાનું એરલાઇન્‍સ ભાડું! બોલો!

બે-ત્રણ દિવસની સળંગ રજાઓ કે વેકેશનમાં દર વખતે કહેવાતી સસ્‍તી એરલાઇન્‍સના મોંઘેરા સ્‍વરૂપના ‘દર્શન' થતાં હોય છે...! આ વખતે પણ ૧૫મી ઓગસ્‍ટથી જન્‍માષ્ટમીના ત્રણ દિવસના મિનિ વેકેશનના સાઇડ ઇફેક્‍ટના ભાગરૂપે અમદાવાદથી ગોવાની સસ્‍તી એરલાઇન્‍સના હવાઇ ભાડાં રૂ. ૧૮ હજાર સુધી પહોંચી ગયા છે. તારીખ ૧૪થી ૧૬ ઓગસ્‍ટ દરમિયાનની સસ્‍તી એરલાઇન્‍સના ગોવા માટેના એક તરફી ભાડાં ૧૨૩૦૦થી ૧૯૭૦૦ સુધીના થયાં છે. જયારે કે રજાઓના આ દિવસોને બાદ કરતાં અન્‍ય દિવસોમાં આ જ એરલાઇન્‍સના ગોવાના હવાઇ ભાડાં રૂ. ૫થી રૂ. ૬ હજાર સુધી હોય છે...!

   હરવા-ફરવાના શોખીન ગુજરાતીઓ માટે ગોવા સૌથી પ્રિય હેન્‍ગ આઉટ ડેસ્‍ટિનેશન ગણાય છે. છેલ્લાં કેટલાક વર્ષોથી યુવાનોમાં ગોવાનું આકર્ષણ ખૂબ વધ્‍યું છે અને તેઓ નાની-મોટી રજાઓ ગોવામાં દોસ્‍તો સાથે ગાળવાનું પસંદ કરે છે. ઓગસ્‍ટમાં પણ ૧૫થી ૧૭ ઓગસ્‍ટ સુધીના ત્રણ દિવસના મિનિવેકેશનને માણવા અનેક લોકો ગોવા જઇ રહ્યાં છે. ત્‍યારે ગોવાની એર ટિકિટની ડિમાન્‍ડ પણ વધી છે અને એના ભાવ પણ ઊંચકાયા છે.

   ટૂર ઓપરેટર્સના જણાવ્‍યા પ્રમાણે, ‘દર વર્ષે જન્‍માષ્ટમીના દિવસોમાં ગોવા જવાનો ટ્રેન્‍ડ જોવા મળે છે અને તેના કારણે હવાઇભાડાંમાં થોડો વધારો પણ જોવા મળતો હોય છે. પરંતુ વન-વે ફેર ૧૮ હજાર સુધી પહોંચ્‍યો હોય તેવી ઘટના ભાગ્‍યે જ જોવા મળે છે.'

   ટૂર અને ટ્રાવેલ ઓપરેટર્સ માટે પણ ગોવા માટેના સસ્‍તી એરલાઇન્‍સના વધેલાં ભાડાં એક ‘કોયડા' સમાન બન્‍યાં છે. તેઓ જણાવે છે કે, ‘સળંગ આવતી રજાઓ કે મિનિ વેકેશનની તારીખોમાં એર ટિકિટ માટે ભારે ખેંચાખેંચ હોય છે અને કેટલાક લોકો અગાઉથી જ ટિકિટ બુક કરાવી લે છે. આવા સંજોગોમાં છેલ્લાં દિવસોમાં ફલાઇટમાં સીટ ફુલ થઇ જાય અને છેલ્લી-છેલ્લી સીટ માટે વધુ ભાડું ચુકવવું પડતું હોય છે. દિવાળી અને ઉનાળાના વેકેશનમાં પણ છેલ્લી ઘડીએ એર ટિકિટ બુક કરનારાને બેથી ત્રણ ગણા ભાડા ચૂકવવવા પડતાં હોય છે.'

   માત્ર અમદાવાદથી ગોવા જવાનું જ નહીં પરંતુ આ દિવસો દરમિયાન ગોવાથી અમદાવાદ પરત આવવાનું ભાડું પણ રૂ. ૧૩ હજાર સુધી થઈ ગયું છે. અલબત્ત, વિમાનની શાહી સવારી માણીને ગોવા જવાનું ભલે મોંઘેરું બન્‍યું છે, પરંતુ અનેક શોખિનોના જન્‍માષ્ટમીમાં ગોવામાં જ ધામા નાંખશે.

  છેલ્લાં કેટલાક વર્ષોથી જન્‍માષ્ટમી પર ગોવા જવાનો ક્રેઝ વધી રહ્યો હોવાનું ટૂર એન્‍ડ ટ્રાવેલ ઇન્‍ડસ્‍ટ્રીના જાણકારો જણાવે છે. ખાસ કરીને જન્‍માષ્ટમીના દિવસે જુગાર રમવાના અનેક શોખિનો સંપૂર્ણપણે સ્‍વતંત્રતા મળે એ માટે ગોવા જતાં હોય છે. કેટલાક લોકો ઉદેપુર અને માઉન્‍ટ આબૂ જવાનું પણ પસંદ કરે છે. પરંતુ ગોવા જનારા વધુ હોય છે.

   ગોવા માટે હવાઈ ભાડા ભલે વધ્‍યા હોય પરંતુ હોટલના પેકેજીસમાં કોઈ વધારો નહીં થયો હોવાનું ટૂર ઓપરેટર્સ જણાવે છે. થ્રી સ્‍ટાર હોટલના રૂ. ૧૦ હજાર પ્‍લસ, ફોર સ્‍ટારના ૧૫ હજાર પ્‍લસ અને ફાઇવ સ્‍ટારના ૨૦ હજાર પ્‍લસ ભાવ ચાલી રહ્યા છે.

   ટ્રાવેલ એજન્‍ટ્‍સના જણાવ્‍યા પ્રમાણે દુબઈ અને બેંગકોક જેવા ઇન્‍ટરનેશન ટ્રાવેલ ડેસ્‍ટિનેશનનું સસ્‍તી એરલાઇન્‍સનું પ્રારંભિક રિટર્ન ફેર ૧૮ થી ૧૯ હજારની વચ્‍ચે હોય છે. ત્‍યારે હાલ કેટલીક એરલાઇન્‍સનું વન-વે ફેર ૧૮ સુધી થઈ ગયું છે અને રિટર્ન ફેર ૨૬ હજા સુધી બતાવી રહ્યું છે.