શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 8 જૂન 2016 (15:37 IST)

સંગ્રહાખોરો સામે કડક પગલા

રાજ્યમાં સિંગતેલના ભાવમાં દિવસેને દિવસે ભડકો જોવા મળી રહ્યો છે અને સિંગતેલના ડબ્બાના
ભાવ અત્યારે ૨૦૦૦ રુપિયાની સપાટી વટાવી ચુક્યા છે. ત્યારે સિંગતેલના વધતા જતા ભાવને
નિયંત્રણમાં લેવા માટે આજે અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં
એક બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યમાં દરોડા સહિતની તમામ કાર્યવાહી કરીને સિંગતેલના
વધતા જતા ભાવને અંકુશમાં લેવાનો નિર્ધાર કરાયો હતો. આ બેઠકમાં લેવામાં આવેલ નિર્ણય મુજબ,
સિંગતેલના પુરવઠાની સતત સમીક્ષા કરીને જ્યાં પણ સંગ્રહખોરી થતી હોય ત્યાં કડક હાથે કામ
લેવા જિલ્લા વહિવટી તંત્રને સુચના આપવાનો નિર્ણય લેવાયો છે.  આ બેઠકમાં મગફળી અને
સિંગતેલના ઉપલા પુરવઠા તેમજ સિંગતેલના વધતા જતા ભાવની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

સિંગતેલના વધતા જતા ભાવના કારણે ખાસ કરીને ગરીબ વર્ગને મુશ્કેલીઓ ન પડે તેને ધ્યાનમાં લઈને
ધાર્મિક તહેવારોમાં ગરીબ અને અતિ ગરીબ પરિવારોને  વ્યાજબી ભાવે સિંગતેલના વેચાણની
વ્યવસ્થા અંગે પણ વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ માટે અન્ન અને નાગરીક પુરવઠા દ્વારા
આગોતરી વ્યવસ્થા કરવાનો નિર્ણય પણ આજની બેઠકમાં કરાયો હતો.  આ બેઠકમાં અન્ન અને
નાગરીક પુરવઠા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપરાંત અન્ન નાગરીક રાજ્ય મંત્રી છત્રસિંહ
મોરી, રાજ્યના અન્ન નાગરીક પુરવઠા અગ્રસચિવ એચકે દાસ સહિત  નાગરીક પુરવઠા તથા કૃષિ
વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી સિંગતેલના
ભાવમાં તીવ્ર વધારો થઈ રહ્યો છે, જેના કારણે  મોંઘવારીના સમયમાં લોકો માટે સિંગતેલ
ખાવુ પણ હવે મુશ્કેલ બનતુ જાય છે. આ માટે સંગ્રહખોરીને જવાબદાર માનવામાં આવે છે.