ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 11 જુલાઈ 2014 (15:13 IST)

સટોડિયાઓ ડુંગળી-બટાકા બાદ ટામેટા પર ત્રાટક્યા, રાતોરાત થયા મોંઘા

ડુંગળી-બટાકા બાદ હવે ટામેટાના ભાવમાં એકાએક ઉછાળો આવ્‍યો છે. રૂપિયા ૨૫ના ભાવે કિલો મળતાં ટામેટાંનો ભાવ રૂ. ૬૦ થઈ જતા ગૃહિણીઓ બૂમો પાડી ઉઠી છે. શાકભાજીના વેચાણ સાથે સંકળાયેલા વેપારીએ પંદર દિવસ પહેલા જ ભવિષ્‍ય ભાખ્‍યું હતું કે, ડુંગળી-બટાકા બાદ ટામેટાના ભાવમાં ઉછાળો આવશે. આમ છતાં ભાજપ-કોગ્રેસના નેતાઓનું સૂચક મૌન દ્યણું બધું કહી જાય છે. એક માસ અગાઉ શાકભાજીનો સંગ્રહ કરી રાખવામાં આવતાં ડુંગળીના ભાવ આસમાને પહોચી ગયા હતા. આ પછી બટાકાના ભાવમાં કૃત્રિમ ઉછાળો લાવવામાં આવ્‍યો હતો. આ કમરતોડ ભાવ વધારાથી પ્રજાને કળ વળી નથી ત્‍યાં અચાનક ટામેટાના ભાવમાં કૃત્રિમ ઉછાળો લાવીને સીધા કિલોએ રૂપિયા ૬૦ થઇ જતાં ગૃહિણીઓ ચોંકી ઉઠી છે. આમ ટામેટાંના ભાવમાં એકાએક રૂ. ૩૫નો વધારો થતા ગૃહિણીઓએ આક્રોશ સાથે જણાવ્‍યું કે, દર પંદર દિવસે એક પછી એક ખાવાની ચીજવસ્‍તુઓ ઉપર સગ્રાહખોરો કૃત્રિમ ઉછાળા લાવીને લોકોને ભૂખ્‍યાં મારવાની સ્‍થિતિ સર્જી રહ્યાં છે. સગ્રહખોરોની સાન ઠેકાણે લાવવાની સરકારની ફરજ છે પરંતુ સરકાર મૂકપ્રેક્ષક બનીને તમાશો જોઇ રહી છે તો વિરોધપક્ષ પોતાની ભૂમિકા અદા કરવામાં સંદતર નિષ્‍ફળ ગયો છે. પંદર દિવસ પછી કઈ વસ્‍તુના ભાવ વધશે તેમ કહેનારા સટ્ટોડિયાઓ શાકભાજીના ભાવોમાં કૃત્રિમ ઉછાળો લાવવામાં સફળ રહ્યા છે. અમદાવાદ શહેરમાં પુરવઠા વિભાગની ઓફિસ હોવા છતા સટ્ટોડિયાઓ દ્વારા કરાતાં સટ્ટાને રોકવામાં સરેઆમ નિષ્‍ફળ ગઇ હોવાથી તેમની કામગીરી ઉપર શંકા ઉભી થાય છે. બજારમાં ટામેટાની આવક પૂરતી હોવા છતાં સટ્ટોડીયાઓ ટામેટાનો જથ્‍થો બજારમાંથી ઉપાડી તેની અછત બતાવીને ભાવો ઉછાળ્‍યા છે.