ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 1 નવેમ્બર 2014 (16:40 IST)

સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાએ સર્વિસ ચાર્જ અધધ વધાર્યા

પહેલી નવેમ્બરથી રિવાઈઝ થનારા સર્વિસ ચાર્જમાં સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાએ EMI ફેઈલ માટેના ચાર્જ ૨૫થી વધારીને અધધ ૫૬૨ કરી નાંખ્યા છે. આ વધી ગયેલા ચાર્જ સ્ટેટ બેન્કમાં ચાલતી લોનનો હપ્તો ભરવામાં નિષ્ફળ ગયેલા ગ્રાહકો માટે કમરતોડ પુરવાર થશે. સ્ટેટ બેન્કમાં હોમ લોન, કાર લોન, પર્સનલ લોન કે અન્ય કોઈ લોન લેનારા તમામ ગ્રાહકો જો સમયસર હપ્તો નહિં ભરે તો તેમને દર મહિને ૫૬૨નો ચાર્જ ચૂકવવો પડશે. સ્ટેટ બેન્કે પહેલી નવેમ્બરથી ખાતામાં ૨૫,૦૦૦ કરતા ઓછું બેલેન્સ ધરાવાનારા ગ્રાહકો માટે મહિને પોતાની બેન્કના એટીએમમાં પણ પાંચ કરતા વધુ એટીએમ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ થોપી દીધા બાદ સ્ટેટ બેન્કે પોતાના ગ્રાહકોને આપેલો આ બીજો મોટો ઝટકો છે.

ગ્રાહક બેન્કમાં લોન લે ત્યાર બાદ લોન એકાઉન્ટમાંથી દર મહિનાની નિયત તારીખે ગ્રાહકે અને બેન્કે નિશ્ચિત કરેલી માસિક હપ્તાની રકમ કપાઈ જાય છે. આથી ગ્રાહકે દર મહિને હપ્તો કપાવાની તારીખ પહેલા લોન એકાઉન્ટમાં હપ્તાની રકમ જમા કરાવી દેવાની રહે છે. જો ગ્રાહક હપ્તાની રકમ સમયસર ખાતામાં જમા ન કરાવી શકે તો દરેક ફેઈલ EMI (ઇક્વેટેડ મન્થલી ઇન્સ્ટોલમેન્ટ) દીઠ એસબીઆઈ હાલ સુધી ૨૫ નો ચાર્જ વસૂલ કરતી હતી. પરંતુ પહેલી નવેમ્બરથી રિવાઈઝ થનારા ચાર્જીસમાં એસબીઆઈએ ફેઈલ EMIના ચાર્જ ૨૫થી વધારીને સીધા ૫૬૨ કરી નાંખ્યા છે. બેન્કિંગ ક્ષેત્રના જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ, "જે ડિફોલ્ટરો છે અને જેને લોન લઈને ચૂકવવી નથી તેને EMI ફેઈલના ચાર્જીસ વધવાથી કોઈ ફરક પડતો નથી.

પરંતુ જે ગ્રાહકો શહેરની બહાર હોવાથી અથવા તો કોઈ કારણોસર સમયસર હપ્તો જમા નથી કરાવી શકતા તેમના પર નવા ચાર્જીસને કારણે ભારણ ઘણું વધી જશે."

પહેલી નવેમ્બરથી અમલી બનનારા સર્વિસ ચાર્જ

સર્વિસનો પ્રકાર હાલના ચાર્જ(રૂ.) વધી ગયેલા ચાર્જ(રૂ.)

EMI ફેઈલ થાય તો ૨૫..........૫૬૨

સેફ ડિપોઝિટ નાનું લોકર ૧૦૯૧..........૧૧૦૦

મિડિયમ લોકર ૨૫૪૭..........૨૮૦૦

લાર્જ લોકર: ૩૦૫૬..........૫૦૦૦

એક્સ્ટ્રા લાર્જ લોકર ૫૦૯૩..........૭૫૦૦

ડુપ્લિકેટ પાસબુક ૧૦૨..........૧૧૨

૬ મહિના સુધીમાં એકાઉન્ટ બંધ ૨૫૫..........૩૩૭

૬ મહિનાથી વર્ષ સુધીમાં ખાતુ બંધ ૧૫૩..........૨૨૫

કરન્ટ, સેવિંગ એકાઉન્ટ ટ્રાન્સફર ૧૦૨..........૧૧૨

બેલેન્સ સર્ટિફિકેટ ૧૦૨..........૧૬૯

સિગ્નેચર વેરિફિકેશન ૧૦૨..........૬૯

એટીએમ કિટ ૫૧..........૧૧૨