મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 5 નવેમ્બર 2014 (14:01 IST)

હવે આવી ઓસ્ટ્રેલિયન શેરડી, 30 ફૂટ લાંબી!

માંડવી તાલુકાના તડકેશ્વર ગામના તથા કડોદરા તાલુકાના એક ખેડૂતે ઓસ્ટ્રેલિયન વેરાયટીની શેરડીનું રોપાણ કરી દક્ષીણ ગુજરાતના ખેડૂતો માટે ખેતીમાંથી અઢળક કમાણી કરી લેવાની એક નવી આશા ઉભી કરી છે. તો ચલથાણ સુગરના એસ્ટેટ મેનેજરની સલાહ માનીએ તો ખેડૂતોએ ઓસ્ટ્રેલિયન જાતની શેરડી બનાવી આજે સારું ઉત્પાદન મેળવ્યું છે. 

દક્ષીણ ગુજરાતના તડકેશ્વર અને કડોદરાના ખેડૂતે ઓસ્ટ્રેલીયન વેરાયટીની રોપણી કરી ખેડૂતો માટે વધુ સમૃદ્ધ થવાના દ્વાર ખુલ્લા કર્યા છે. કડોદરાના ચલથાણ ખાતે સુગરના એસ્ટેટ મેનેજરે પોતાના હરીયાણાના પ્રવાસ દરમિયાન એક ખેડુતના ખેતરમાં ઓસ્ટ્રેલીયાથી લવાયેલી શેરડીની વેરાયટી જોઈ. જે બાદ તેઓએ તેના બિયારણ લાવીને વાવતા આજે 8 મહિનાના સમયગાળામાં જ શેરડી  20 ફૂટથી વધુની વૃદ્ધી થઇ અને કટિંગ આવતા સુધીમાં તે 30 ફૂટ જેટલી થવાની આશા સેવી રહ્યા છે. તો હાલમાં આ શેરડી તડકેશ્વરના ખેડૂત ગોરધનભાઈના ખેતરમાં વાવેલ છે. જેથી તેઓ પણ ખુબ ખુશ છે. જેનું કારણ છે કે તેમના એક વીઘામાં ઓછામાં ઓછી 70 ટન જેટલી શેરડીના ઉતારો આવવાની આશા છે. 

જો કે કૃષિવિભાગના અધિકારીઓ દ્વારા આ શેરડીની ગુણવત્તા ચકાસ્યા બાદ જ તેના ઉપયોગ કરી શકાશે તેમ જણાવાયું હતું. ત્યારે ઓસ્ટ્રેલિયન વેરાયટીની શેરડી વાવી હાલ તો ખેડૂતો ખુશખુશાલ છે. પરંતુ દક્ષીણ ગુજરાતના અન્ય ખેડૂતો પણ જો આ વેરાયટીની શેરડીનું વાવેતર કરે અને અધ્યતન ખેતી તરફ વળે તો તેઓ પણ મબલખ પાક મેળવી સમૃદ્ધ થઇ શકે છે.