બુધવાર, 17 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 12 જાન્યુઆરી 2015 (13:10 IST)

‘માલદાર બનવું હોય તો આવક વધારો, તેવા ને તેવા જ રહેવું હોય તો બચત વધારો’

તાજેતરમાં જ એક સુવાક્ય વાંચ્યું હતું. ‘માલદાર બનવું હોય તો આવક વધારો, તેવા ને તેવા જ રહેવું હોય તો બચત વધારો.’ ૨૦૧૫માં વધારે બચત કરવા માટે એક ટકાનો પડકાર ઉઠાવવો આવશ્યક છે.

જોકે બજેટની સાદી ટ્રિકથી તમારા ખિસ્સા પર વધુ કાપ મૂક્યા વગર વધુ બચતની ટેવ પડી શકે છે. અમે તેને વન પર્સન્ટ ચેલેન્જ કહીએ છીએ.

વર્ષના પ્રથમ મહિને તમારી ચોખ્ખી આવકમાંથી માત્ર એક ટકાની બચત કરીને તેની શરૂઆત કરો. આ રકમ મોટી રકમ નથી અને તેમાં મુશ્કેલી પણ નહીં પડે, પણ મોટો ચમત્કાર કરશે.

જો કોઇની તો રૂ. એક લાખ જેટલી મોટી રકમની માસિક ચોખ્ખી આવક હોય તો પણ તે લોકો માટે એક ટકાની બચત માત્ર રૂ. ૧,૦૦૦ જેટલી જ થાય છે. આમ આ વાત તમારા લાભની હોવાથી વધુ વિચારવાની આવશ્યકતા નથી.

અલબત્ત, એ વાત અવશ્ય ધ્યાનમાં રાખો કે આ બચત તમારી નિયમિત બચત નથી, પરંતુ વધારાની બચત છે. વધુ સ્પષ્ટતા કરીએ તો જો તમે દર મહિને ૧૫ ટકા બચત કરતા હોય તો તમારે ૧૬ ટકા બચત કરવી જોઇએ.

આ રીતે તમારે માત્ર એક ટકા વધારે બચત કરવાની છે. બીજા મહિને આ બચતને વધારીને તમારી આવકના બે ટકા કરો. તમારે દર મહિને આવી બચતમાં એક ટકાનો વધારો કરવાનો છે.

આ બાબત સહેજ મુશ્કેલ જણાય છે, પરંતુ આ પ્રકારની ગોઠવણથી બચતમાં વ્યુહાત્મક ધોરણે વધારો થશે અને બિનઆવશ્યક કરકસર પણ નહીં કરવી પડે.

તમે બીજી રીતે વિચારો તો બચતમાં એકસાથે ૧૨ ટકાનો વધારો મુશ્કેલ છે. પરંતુ દર મહિને એક ટકા સાથે નાની શરૂઆતથી આ બાબત અત્યંત સરળ બને છે. આ માટે ખોટા કે બિનજરૂરી ખર્ચમાં કાપ મૂકો તો પણ ખોટું નથી.

આ રીતે વ્યક્તિને ધીમે ધીમે વધારાની બચત કરવાની ટેવ પડે છે અને જીવનશૈલી પણ તે મુજબની બને છે. તેનાથી માસિક બજેટમાંથી બિનજરૂરી ખર્ચ પણ દૂર કરવામાં પ્રોત્સાહન મળશે.

વધારાની ૧૨ ટકા બચત કોઇ નાની સિદ્ધિ નથી. માની લો કે તમે હાલમાં આવકમાંથી ૧૦થી ૧૫ ટકા રકમની બચત કરતા હોય તો તમારો બચતનો દર વધીને ૨૨થી ૨૭ ટકા થશે.

આ પછી તેમાં વધારો કરવાની જરૂર નથી. તમારે દર વર્ષે તમારી આવકમાં વધારા મુજબ તેમાં વધારો કરવો પડશે. અમારા પર વિશ્ર્વાસ રાખો જો તમે વર્ષ ૨૦૧૫માં આ એક ટકાની ચેલેન્જમાં સફળ થશો તો તેનાથી તમારું નાણાકીય ભવિષ્ય બદલાઈ જશે.

આમ ફક્ત દર મહિને એક ટકાની બચત તમારા નાણાકીય ભવિષ્યને નોંધપાત્ર હદ સુધી બદલી શકે છે. તેથી તમે તમારા આ આયોજનને ચુસ્તતાપૂર્વક અનુસરતા રહો તો તેના કારણે તમારી નાણાકીય પરિસ્થિતિમાં આવનારા બદલાવની તમે કલ્પના પણ કરી નહી શકો.

નવા વર્ષનો પ્રારંભ તો થઈ જ ગયો છે ત્યારે આ જ પ્રકારના અભિગમથી ફક્ત દર મહિને એક ટકા બચતની વૃદ્ધિને લક્ષ્યમાં રાખીને બચત કરવાનો પ્રારંભ પણ કરી દો.

આ પ્રકારની બચત તમારી લાંબા ગાળાની નાણાકીય પરિસ્થિતિ પર નોંધપાત્ર પ્રમાણમાં અસર પાડી શકે છે. સીધા-સાદા શબ્દોમાં કહીએ તો ટીપે-ટીપે સરોવર ભરાય. હજુ તો નવા વર્ષનો પ્રથમ મહિનો શરૂ થયો છે, અત્યારથી જ બચતનું આયોજન કરવા માંડો!