શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

ચાલવા-દોડવાની કસરત જીવનની ઘણી બધી મુશ્કેલીઓને દૂર કરે છે

ઝડપથી ચાલવાનો કે દોડવાનો મહાવરો કંઈ એકાએક હાંસલ નથી કરી શકાતો. એના માટે સખત મહેનત કરવી પડે છે. ખાસ કરીને બ્લડપ્રેશર કે ડાયાબિટીસ જેવી તકલીફ હોય, તેમને તેમના ફૅમિલી ડૉક્ટરો શૂઝ પહેરીને ચાલવાની કસરત કરવાની સલાહ આપે છે. આમ જોઈએ તો ચાલવું કે દોડવું એ વ્યકિતગત પસંદગી છે. એક વાત ચોક્કસ કહી શકાય કે રોજ વીસ મિનિટ ચાલતા હો તો દસ મિનિટ વધુ ચાલો. રાતે મીઠી ઊંઘ આવશે. લટકામાં બીજા દિવસે સવારે તરોતાજા બની જશો. ઑફિસમાં બોસ અને ઘરમાં પતિની વાત પર વધુ ધ્યાન આપી શકશો.

અડધી રાતે પગમાં સખત ક્રૅમ્પ્સની તકલીફ સતાવતી હોય તો ઊંઘમાં ખલેલ પડ્યા વિના રહેતી નથી. એટલા માટે રોજ ડિનર લીધા પછી એટ્લિસ્ટ ચાલવાનું અથવા રાઉન્ડ મારવાની ટેવ કેળવવી જોઈએ. આવી ટેવ કેળવી હોય તો ક્રૅમ્પ્સને ગૂડબાય કરી શકશો. વીસ મિનિટના વૉકિંગથી લાભ થાય તો સમય વધારીને રોજ અડધો કલાક ચાલો. એનાથી તમને ફાયદો થશે.



પૂરતી ઊંઘ લો: યસ, એક ઉક્તિ છે કે સૌંદર્ય જાળવવું હોય તો પૂરતી ઊંઘ લેવાનું અનિવાર્ય છે. ઊંઘ પૂરી ન થાય તો બીજા દિવસે સવારે આળસ આવે છે. ચહેરો મ્લાન લાગે છે. રોજ છ કલાકની ઊંઘ લો નહીંતર પગના સોજા, હૃદયની તકલીફ નીવારી શકો. તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા સમતોલ આહાર સાથે વ્યાયામનો સમન્વય કરો.

વૉકિંગ અથવા રનિંગની કસરતનું સમયપત્રક બનાવીને તેને ચુસ્ત રીતે વળગી રહો. આર્ટિરિઓક્લેરોસિસ, થ્રોમ્બોસિસ અને વાસ્કયુલર બાયોલોજી જર્નલમાં પ્રગટ થયેલા એક અભ્યાસમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે વૉકિંગ અને રનિંગની કસરત કરવાથી કોલેસ્ટ્રૉલ અને ડાયાબિટીસનું જોખમ ઘટે છે. એક વાતનું ધ્યાન રાખવાનું રહે છે કે દરરોજ ચાલતી વખતે તમે જે અંતર સુધી ચાલવાનું નક્કી કર્યું હોય તે અંતર સુધી ચાલવાને વળગી રહેવું. ઘણીવાર ચાલવાની કસરત કરતી વખતે ઘણાં ઘડિયાળ પર નજર રાખતા હોય છે. એનો સીધો અર્થ એવો કરી શકાય કે તેઓ નક્કી કરેલા અંતર સુધી ચાલતા નથી. લૉરેન્સ બર્કલે નેશનલ લેબોરેટરીના વિજ્ઞાની પૉલ વિલિયમ્સ કહે છે કે ‘વૉકિંગ અને રનિંગની પ્રવૃત્તિને લીધે રોગ થવાનું જોખમ ઘટે છે. આ વ્યાયામને કારણે ઊર્જાનું પ્રમાણ વધતાં ચુસ્તી-સ્ફૂર્તિ વધે છે. તેમણે ૧૮ વર્ષના તરવરિયાથી માંડીને એંસી વર્ષના વયોવૃદ્ધ પૈકી આશરે ૩૩,૦૬૦ રનર અને ૧૫,૦૪૫ વૉકર્સને આવરીને છ વર્ષ સુધી હાથ ધરેલા અભ્યાસ પરથી નિષ્કર્ષ તારવ્યો હતો.

- રનિંગ હાઈ બ્લડપ્રેશર થવાનું જોખમ ૪.૨ ટકા ઘટાડે છે. વૉકિંગથી તે ૭.૨ ટકા ઘટે છે.

- રનિંગની કસરતથી કોલેસ્ટ્રોલનું જોખમ ૪.૩ ટકા અને વૉકિંગથી સાત ટકા ઘટે છે.

-રનિંગની કસરત કરનારને ડાયાબિટીસનું જોખમ ૧૨.૧ ટકા અને વૉકિંગ કરવાથી ૧૨.૩ ટકા જોખમ ઘટે છે.

- હૃદયને લગતી તકલીફનું જોખમ રનિંગથી ૪.૫ ટકા અને વૉકિંગથી ૯.૩ ટકા ઘટે છે.

વિજ્ઞાનીના નિરીક્ષણ પ્રમાણે રનિંગ અને વૉકિંગની સરખામણીમાં વૉકિંગની પ્રવૃત્તિનું સાતત્ય જાળવી રાખવું જોઈએ.

લોકો હરહંમેશ કસરત નહીં કરવા માટે એક અથવા બીજા બહાના શોધતા હોય છે. પણ કસરત કરવા માટે હવે તેમને રનિંગ અથવા વૉકિંગ બેમાંથી એક જ વિકલ્પની પસંદગી કરીને તેને વળગી રહેવું જોઈએ.

ઉક્ત માહિતી પરથી એવું કહી શકાય ખરું કે ઝડપથી દોડવા કરતાં ચાલવાની પ્રૅક્ટિસ કરનાર સ્પર્ધાનો ઈડરિયો ગઢ જીતી જાય તેવી શક્યતા વધારે છે. આ વાત માન્યામાં ન આવતી હોય તો બચપણમાં સાંભળેલી કે વાંચેલી સસલા અને કાચબાની વાર્તા ફરી વાંચી જજો.