શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 16 એપ્રિલ 2015 (15:31 IST)

પગની ઘૂંટી પર કાળા ડાઘ પડ્યા છે?...ચૅકઅપ કરાવી લેવું હિતાવહ છે

એક એક વહેલી સવારે શીના અચાનક ઊંઘમાંથી ઝબકીને જાગી ગઈ. તેને પગમાં થોડું દુખતું હતું. તેને લાગ્યું કે આગલા દિવસનો થાક હોવાથી આમ થયું હશે. ફરી પાછી તે સૂઈ ગઈ. બે ચાર દિવસ પછી તેના પગની ઘૂંટીની થોડી ઉપર કાળાં ડાઘ દેખાયાં. થોડો સોજો પણ હતો. તેને લાગ્યું કે ત્વચાને લગતી કોઈ તકલીફ હશે એટલે તેણે પહેલાં ક્રીમ વગેરે ઉપાય અજમાવ્યા પણ જરાય ફેર ન પડ્યો. આખરે તેને ડૉક્ટરની સલાહ લેવી પડી. પગ પર કાળાં ડાઘ શેના લીધે પડે છે ? જાણો છો ? શરીરમાં આવેલી વેઈન્સને લગતી તકલીફને લીધે આમ થતું હોય છે. તબીબી ભાષામાં આને ક્રોનિક વેઈન્સ ઈન્સફિસિયન્સી અથવા સીવીઆઈ તરીકે ઓળખવામાં આવે છે. ક્રોનિક વેઈન્સ ડિસિઝને વેરીકોઝ વેઈન્સ અને સુપરફિશિયલ વિનસ રિફલકસ તરીકે ઓળખવામાં આવે છે.

પહેલાંના જમાનામાં પણ મહિલાઓને આવી તકલીફ થતી હતી. તે વખતે તેઓ પગે પાટો બાંધી રાખતી હતી. તેમને રાતે સૂતી વખતે તકિયા પર પગ રાખીને સૂવાની સલાહ આપવામાં આવતી હતી. મહિલાઓ અને પુરુષો બંનેને આવી તકલીફ થવાનો સંભવ હોવાનું એક સંશોધનમાં જણાયું હતું.

રોગનાં લક્ષણ: પગની નસો ભૂરી થઈ ગયાનું લાગે. ઘણીવાર ચાલવામાં તકલીફ પડે. (૨) ખજવાળ (૩) પગની ત્વચા પર કાળાં રંગના ધાબાં પડે. (૪)ફ્લેબેટીક લિમ્ફીડીમા (૫)પગ અને ઘૂંટીની આસપાસ વારંવાર સોજો રહે. (૬) વિનસ અલ્સરેશન.

કારણો: ઊંડે આવેલી શિરામાં લોહી જામી ગયું હોય. આને ડીપ વેઈન થ્રોમ્બોસીસ અથવા ડીવીટી તરીકે ઓળખવામાં આવે છે. શિરા અને ધમની વચ્ચે એબનોર્મલ કનેકશન હોય. ફ્લેબિટાઈટીસ, થ્રોમ્બોફિલા. સ્થૂળતા કે જાડિયાપણું.

મે- થર્નર સિન્ડ્રોમ: આ એક એવી રૅર બાબત છે જેમાં ઈલિનોફિમોરલ વેઈનમાં લોહી જામી જાય છે. આ ઉપરાંત રક્તવાહિનીમાં લોહી પસાર થતું હોય ત્યારે વાલ્વની કામગીરી બરાબર થતી ન હોય તો પણ આવી સમસ્યા ઉદ્ભવે છે.

આમ તો આ બીમારી કોઈને પણ થઈ શકે છે, પણ ૩૦ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓમાં ઘણું કરીને સી.વી.આઈ. તકલીફ જોવા મળે છે. મોટા ભાગની મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન અથવા ડિલિવરી પછી આ સમસ્યાના લક્ષણ જોવા મળે છે. તેઓ માલિશ અને અન્ય ઘરગથ્થુ ઈલાજ કરે છે. આમ કરવાથી તેમને થોડો સમય રાહત થાય છે પણ કોઈ કાયમી ઉકેલ નથી મળતો.

જીવનશૈલી જવાબદાર છે: અત્યાધુનિક જીવનશૈલીના કારણે સીવીઆઈની સમસ્યા ઝડપથી વધી રહી છે. ટૅકનોલોજીના વિકાસને કારણે શારીરિક શ્રમ દિવસે દિવસે ઘટતો જાય છે. ડૅસ્ક જૉબ કરતી માનુનીઓને આ રોગ થવાની શક્યતા વધી જાય છે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસ, શેફ, બ્યુટી સલૂનમાં કાર્યરત લોકોને આવી તકલીફ થઈ શકે છે કારણ કે તેમને સતત ઊભા રહીને કામ કરવું પડતું હોય છે. આને લીધે અશુદ્ધ લોહી ફેફસાં સુધી પહોંચવાને બદલે પગની લોહીની નળીઓમાં એકઠું થાય છે. આને કારણે કાળાં ધાબાં કે નિશાન જણાય છે. પગ સખત દુખે છે.

આવું કેમ થાય છે: શરીરના બીજા અંગની જેમ પગને પણ ઑક્સિજનની જરૂર પડે છે. આ ઑકિસજન હૃદયની ધોરી નસમાં વહેતું શુદ્ધ લોહી રક્તનલિકાઓ દ્વારા બધાં અંગો સુધી પહોંચતું હોય છે. પગને ઑક્સિજન મોકલવામાં આવ્યા પછી ઑક્સિજન રહિત અશુદ્ધ લોહી વેઈન્સ દ્વારા ફરી પગની ઉપરની નળીઓમાંથી ફેફસામાં શુદ્ધ કરવા માટે પહોંચાડવામાં આવે છે. આનો અર્થ એવો ઘટાવી શકાય કે આ નસ ડ્રેનેજ સિસ્ટમ બનાવે છે. કોઈક કારણે નસની કામગીરીમાં શિથિલતા આવી જાય તો ડ્રેનેજ સિસ્ટમ ડગમગી જતાં ઑકિસજન રહિત અશુદ્ધ લોહી ફેફસાં તરફ વહેવાને બદલે પગના નીચેના ભાગમાં એકત્રિત થવા માંડે છે. આને કારણે પગમાં સોજો અને કાળાં ધાબાંની તકલીફ થાય છે.

સમયસર સારવાર લેવામાં નહીં આવે તો કાળાં નિશાન ધીરે-ધીરે જખમમાં પરિવર્તિત થઈ જાય છે. જેમને ડિપ વેઈન થ્રોમ્બોસિસ એટલે કે ડીવીટીની તકલીફ થતી હોય તેમના પગની નસોમાં લોહીના ગઠ્ઠા બાઝી જતાં વેઈન્સની અંદરની દીવાલ ઘસાઈ જાય છે અથવા નષ્ટ થઈ જાય છે. પરિણામે અશુદ્ધલોહી રક્તવાહિનીઓ મારફતે ફેફસાં સુધી લોહી જવાની પ્રક્રિયામાં અવરોધ આવતો રહે તો છેવટે સીવીઆઈની તકલીફ થાય છે.

કસરતના અભાવને આ બીમારીના મુખ્ય કારણ તરીકે માનવામાં આવે છે. બેઠાડુ જીવનશૈલી અને કસરતના અભાવને કારણે પગની માંસપેશી દ્વારા નિર્મિત પમ્પ જે અશુદ્ધ લોહીને ફેફસાં સુધી ઉપર લઈ જવામાં સહાયભૂત થાય છે તે નબળો પડી જાય છે. કેટલાંકના શરીરની નસોમાં વાલ્વ જન્મજાત વિકસિત થયેલા ન હોય તો એવી સ્થિતિમાં સી.વી.આઈ.ના લક્ષણ નાની ઉંમરમાં નજરે પડે છે.

સારવાર: પગમાં કાળાં ચકામાના નિશાન દેખાય તો ત્વચા રોગ સમજી લેવાની ભૂલ નહીં કરવી. આવી પરિસ્થિતિમાં જરાય સમય વેડફ્યા વગર વાસ્કયુલર સર્જનની સલાહ લેવી. સારવાર દરમિયાન સૌથી પહેલાં નિશાન પડવાનાં કારણો શોધવાની કોશિશ કરવામાં આવે છે. એને માટે વેન ડૉપલર સ્ટડી, એમ.આર,વેનોગ્રામ ટેસ્ટ કરવામાં આવે છે. ક્યારેક એન્જિયોગ્રાફી કરવામાં આવે છે. લોહીનું વિશેષ પરીક્ષણ કરીને શોધવામાં આવે છે કે લોહી જામવાની પ્રક્રિયામાં કોઈ અવરોધ છે કે કેમ. મોટા ભાગના કેસમાં દવા અને વિશેષ કસરતની જરૂર હોય છે. પરિસ્થિતિ ખરાબ હોય તો વેન વાસ્કયુલોપ્લાસ્ટી, એગ્ઝલરી વેન ટ્રાન્સફર અથવા વેન બાયપાસ સર્જરી કરાવવી પડે છે. આજકાલ વેનબાયપાસ સર્જરી જેવી અત્યાધુનિક ટેક્નિકની મદદથી આ બીમારીનો ઈલાજ કરવામાં આવે છે. આ માટે ક્યારેક વિદેશથી આયાત કરવામાં આવેલી કૃત્રિમ વેનનો ઉપયોગ કરવામાં આવે છે. ક્યારેક એન્ડોસ્કોપિક વેન સર્જરી અથવા લેઝર સર્જરી કરવામાં આવે છે.

આવી બમારીમાં સજાગ રહેવાનું સારું છે. આ બીમારીની સારવાર એકવાર શરૂ કર્યા પછી તે પૂરી કરવી જોઈએ. અધવચ્ચે સારવાર છોડી દેવાનું ભારે પડી શકે છે. એકવાર આવી સમસ્યા ઊભી થઈ હોય અને સારું થઈ ગયું હોય તો પણ વર્ષમાં એકવાર ચૅકઅપ કરાવી લેવાનું હિતાવહ છે.