શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 28 ફેબ્રુઆરી 2015 (16:38 IST)

ચોખ્ખાઇ પ્રત્યે પણ પશ્ર્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવું જોઇએ

ભારતમાં આપણે ટ્રેનમાં વાંદા અને ઊંદરોએ બેગ કોતરી લીધી તેવી વાતો વારંવાર સાંભળતા હોઈએ છીએ. તેને માટે મોટે ભાગે ચોખ્ખાઈ પ્રત્યે સેવાતું દુર્લક્ષ્ય જવાબદાર માનવામાં આવે છે. હજી આજે પણ ટ્રેનમાં બેઠા હોઈએ તો ચોકલેટ ખાઈને તેનો કાગળ ટ્રેનમાં ફેંકી દેવો, માથું ઓળીને વાળ પણ ટ્રેનમાં જ ફેંકવા. મુસાફરી દરમિયાન નાસ્તો પાણી કરતી વખતે ભોજન નીચે પડે તો તે પ્રત્યે દુર્લક્ષ સેવવું જેવી બાબતો બનતી રહે છે. પાન-તમાકુ ખાઈને ટ્રેનનો એક ખૂણો ખરાબ કરવો. લાંબી સફર વખતે કુદરતી કર્મ બાદ પાણી નાંખ્યા વગર જ બહાર આવવું તેવા દૃશ્ય નિહાળવાં મળે છે.

આધુનિક પશ્ર્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવામાં ભારતીયો પ્રથમ ક્રમાંકે આવે છે.  યુવાનો પણ ફિલ્મો અને ટી.વી સિરિયલોનું અનુકરણ કરતા ઘરમાં આવે તેવા સીધા પગમાં બૂટ પહેરીને બેડરૂમમાં જઈ પલંગમાં લંબાવી દે. આખો દિવસ બહાર રહ્યા હોય, અનેક જાહેર જગ્યાઓએ ફર્યા હોય, જેને કારણે કપડાં પસીનાવાળા હોય, ગંદા હોય તેમ છતાં પલંગ ઉપર લંબાવે. આમ સ્વચ્છતા સાથે તેમને કાંઈ લાગેવળગે નહીં તેવો વ્યવહાર જોવા મળે. સ્વચ્છતાને અપનાવવાની વાત આવે ત્યારે આદિજાતિના બની જવું પસંદ કરવામાં આવે છે. ઘરમાં માંકડ, લાલા કીડી, મંકોડા અને મચ્છરનો ઉપદ્રવ વધતો જાય. તેઓ રાત્રે ચટકા ભરે અને રાતની ઊંધ હરામ થાય ત્યારે આંખ ઉઘડે ! ઘરમાં માતા કે પત્ની ઉપર ગુસ્સો કરીને માથે ઓઢીને સૂવા સિવાય બીજો કોઈ રસ્તો ના હોય. જ્યારે ટ્રેન કે બસમાં સરકાર ઉપર આંગળી ઉઠાવીને બેસી રહેવાને બદલે સ્વચ્છતા અભિયાનમાં જોડાવવું જોઈએ.
પાન તમાકુ કાઈને ગમે ત્યાં થૂંકતા ભારતના નાગરિકોને સ્વચ્છતા શિખવવી એટલે સડસડાટ એવરેસ્ટ પર્વત ચડવા જેવું કઠિન છે.

આસામ સ્ટેટ ટ્રાન્સપોર્ટ ખાતા દ્વારા પણ જાહેર વાહનો અને બસ સ્ટોપ, રેલવે સ્ટેશનને સ્વચ્છ રાખવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવાં પગલાં ભરવાની શરૂઆત કરી છે. જેમાં બસમાં કચરો આમતેમ ન ફેંકતા, બસમાં રાખવામાં આવેલ કચરા ટોપલીમાં નાખવો, બસની સીટો પણ સાફ કરવી, નિરીક્ષકોની ટુકડી દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવે તેવી ગોઠવણ પણ કરી છે.

સિડનીમાં ટ્રેનની રોજે રોજ સફાઈ કરવામાં આવે છે. જેમાં સીટને વારંવાર સાફ કરવાની જોગવાઈ પણ રાખવામાં આવે છે. વધુ પડતા વપરાશને કારણે સીટની ગાદી ફાટી જાય તો તેની મરામત કરવી, સીટને હવાના પ્રેશરથી સાફ કર્યા બાદ ભીના કપડાંથી લૂછવામાં પણ આવે છે.

ન્યૂયોર્કમાં વરાળથી સીટો બારણાં, બારી, ટ્રેનનાં હેન્ડલ, દીવાલો તથા ટ્રેનની ફરસ સાફ કરવામાં આવે છે. લૉસએન્જલસમાં ચાલતી ‘ગોલ્ડલાઈન મેટ્રો’માં જવાનું સ્થાનિક લોકો ખાસ પસંદ કરે છે. જેનું મૂળ કારણ છે ટ્રેનની સ્વચ્છતા.

ટ્રેનમાં જરૂરી સૂચના લખેલી જોવા મળે છે જેમાં ટ્રેનના દરવાજા, બારી કે હેન્ડલને હાથ લગાવો ત્યારે મોજા પહેરો અથવા ટીસ્યૂ પેપરનો ઉપયોગ કરો.  પ્રવાસ વખતે હેન્ડ સેનિટાઈઝર સાથે રાખવાનું પણ જણાવ્યું હોય છે. મુસાફરી બાદ સાબુથી હાથ ધોવા, મુસાફરી વખતે કે ત્યારબાદ ચહેરાને અડવું કે મોંઢામાં હાથ જાય નહી તે માટે સર્તક રહેવાનું જણાવવામાં આવે છે. જાહેર વાહનોની સ્વચ્છતાનો સવાલ આવે ત્યારે જાપાનની જાહેર વાહનવ્યવહાર સેવા સ્વચ્છતાનો આગ્રહ રાખતી જોવા મળે છે. જાપાનીઝ લોકોની શિસ્ત અને આદર વખાણવા લાયક છે. ટ્રેનનું સફાઈ કામ ચાલું હોય ત્યારે તેઓ શાંતિથી હરોળમાં ઊભા રહે છે.

વિદેશમાં જાહેર સ્થળો ઉપર જણાવ્યા તેવા બનાવ બને નહીં તે માટે ખાસ પગલાં લેવામાં આવે છે. જેમાં બૅંગકોકમાં વેસ્ટ મેનેજમેન્ટ માટે ખાનગી સંસ્થા અને નાગરિકોનો સહકાર લેવામાં આવે છે. લંડનમાં ટ્રાફિક સિગ્નલ વખતે દોરવામાં આવેલ લાઈનનું બરાબર પાલન કરવામાં આવે નહીં તો તેમની પાસેથી વધુ ટેક્ષ વસૂલવામાં આવે છે. જેનો ઉપયોગ વાહનવ્યવહાર ખાતામાં સુધારણા માટે કરવામાં આવે છે. સ્પેનમાં આવેલ મેડ્રિડ અને બારસેલોનામાં ખાસ એવો વિસ્તાર બનાવવામાં આવ્યો છે, જેમાં આપને એકપણ વાહન જોવા મળે નહી. બધાએ ચાલીને જ જવાનું. આમ દુનિયાભરના દેશો સ્થાનિક રહેવાશીઓની સગવડ સચવાય, તેમનું જીવન વધુ સમૃદ્ધ બને તે માટે નવા નવા પગલાં ભરતા હોય છે.

પ્રજાએ જાહેર વાહનોમાં થતી ગંદકીને અટકાવી સ્વયં શિસ્ત પાળે તો જીવજતું કે માંકડથી પરેશાન થવું પડે નહીં. ટ્રેનની સાંકળ ખેંચાય એટલે ટ્રેન મોડી પડે જેને કારણે ઘણી વ્યક્તિઓનાં અંગત કામકાજ રખડી પડે. વળી સત્તાવાળાના વાંકે પણ સામાન્ય નાગરિકને દંડ ભરવો પડે તેવું પણ બનવા પામેે ! ૧૯૯૪માં સુરતમાં પ્લેગના ભરડામાં લાખો લોકોએ જાન ગુમાવ્યા, ત્યારબાદ હવે સુરત ખરા અર્થમાં સોનાની મૂરત બની ગયેલ જોવા મળે છે. માંકડ કે ‘બેડબગ’ને નામે ઓળખાતા આ જીવડાની થોડી વાતો પણ જાણી લઈએ.

વ્યક્તિ જ્યારે આરામથી નિદ્રામાં પોઢી રહી હોય ત્યારે આ જીવડું ધીમે ધીમે પથારીમાં આવીને જોરદાર ચટકો ભરી લે છે. ઈજિપ્તથી અમેરિકા ફરીને વિશ્ર્વમાં ફેલાયેલ આ માંકડનો એક ચટકો પણ વ્યક્તિને સર્તક કરવા પૂરતો છે.
૧૯૫૦થી વિકસીત દેશોમાં માંકડની નાબૂદી થઈ હતી. જેમાં કીટનાશક દવા અને સફાઈ માટેનું ઈલેક્ટ્રિક મશીન જવાબદાર ગણાય છે. માંકડથી છૂટકારો મેળવવો હોય તોે નીચેની વાતો ધ્યાનમાં રાખવા જેવી છે.

મુસાફરી વખતે વિવિધ હોટલ, લગ્ન સમારંભો, ટ્રેન પ્લેનમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે.

જ્યારે પણ લાંબી મુસાફરી માટે ટ્રેનમાં બેસો ત્યારે ટ્રેનની સીટને તપાસી લેવી. હોટલમાં જ્યાં ઉતરવાના હો તે જગ્યાએ ગાદલાં, ચાદર, ઓશીકાના ખૂણા વગેરે તપાસી લેવા જોઈએ. જો માંકડ દેખાય તો રૂમ બદલવાની ભલામણ કરવી. તેમાં પણ તેની બાજુનો રૂમ ન લેતાં ઉપરનો માળ કે નીચેના માળનો રૂમ પસંદ કરવો.

તમારો સામાન એક પ્લાસ્ટિકની કોથળીમાં રાખો. હોટલના રૂમમાં કપડાં જમીન ઉપર આમતેમ ફેંકવાં નહીં. બહારગામથી ઘરે આવ્યા બાદ મુસાફરીમાં લઈ ગયેલ બધાં જ કપડાં ગરમ પાણીમાં ધોયા બાદ જ ઉપયોગમાં લેવા. કપડાંનો ઉપયોગ મુસાફરીમાં થયો નથી, તેથી પાછા કબાટમાં ગોઠવી દઈએ. તેમ કરવું નહીં. કપડાંમાં ભરાઈ ગયેલ માંકડ કે તેના ઈંડા ગરમ પાણીમાં ધોવાથી નાશ પામે છે.

વધુ પડતી ઠંડી માંકડને માફક આવતી નથી. તેથી માંકડ હોય ત્યાં બરફ મૂકી દો. કપડાંમાં માંકડ ભરાયા હોય તો ઠંડીની મોસમમાં કપડાં બહાર રાખવા જેથી માંકડ નીકળી જશે.

કપડાં ઉપર ઈસ્ત્રી ફેરવવી, ઘરમાં વેક્યૂમ ક્લિનરથી સફાઈ કરવાથી માંકડ મરી જશે. વોશિંગ મશીનમાં કપડાં ધોવાથી પણ માંકડને ભગાવી શકાય છે.

ઘરમાં રોજબરોજ વપરાતી ચાદર, ચોરસા અને કામળા ધોવામાં આળસ કરવી જોઈએ નહી. ઘરને સ્વચ્છ રાખવામાં દરેક વ્યક્તિનો સહકાર જરૂરી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘સ્વચ્છતા અભિયાન’માં જાહેર સ્થળોની સફાઈ, જાહેર વાહનોની સફાઈ, આપણા પરિસરની સફાઈ બાદ પોતાના ઘરની સફાઈ માટે શિસ્તબદ્ધ રીતે કામ કરવામાં આવે તો કામ કરવામાં સરળતા રહે. સ્વચ્છ ભારતનું સ્વપ્ન સાકાર થતું જોઈ શકાય છે.