શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 30 નવેમ્બર 2015 (16:30 IST)

ભારતમાં પ્રદૂષિત હવાને કારણે લોકો સૌથી વધુ બીમાર પડે છે

ભારતના લોકો શા કારણે માંદા પડે છે? આ સવાલનો જવાબ આપવામાં નિષ્ણાતો પણ નિષ્ફળ નિવડયા છે. જોકે, આમ જોવા જઇએ તો આ બાબતે ચોક્કસ સંશોધન પણ નથી થયું. આ દિશામાં થયેલા પહેલવહેલા સંશોધન બાદ એવું જાણવા મળ્યું હતું કે દેશની પ્રદૂષિત હવાને કારણે અનેક લોકો માંદા પડતા હોય છે.

તાજેતરમાં થયેલા સંશોધન બાદ કેટલીક આંચકાજનક વાતો જાણવા મળી હતી. ભારતમાં રોજ અંદાજે સાડા ત્રણ કરોડ લોકો અથવા તો એમ કહીએ તો ચાલશે કે કેનેડાની આખી વસતિ જેટલા લોકો અથવા તો ભારતના ચાર મહાનગર મુંબઇ, દિલ્હી, બેંગલુરુ અને ચેન્નઇની સઘળી વસતિ જેટલા લોકો ડૉક્ટરની મુલાકાત લે છે એટલે કે માંદા પડે છે. આ સર્વેક્ષણમાં જણાવ્યા અનુસાર ૨૦૧૫માં વિશ્ર્વની સાડાસાત અબજ લોકોની વસતિમાંથી ૧.૨ અબજ લોકો ભારતમાં રહે છે. વિશ્ર્વમાં થતા કુલ મોતના અંદાજે ૧૮% અને અપંગ થતા લોકોના વૈશ્ર્વિક આંકડાના વીસ ટકા લોકો ભારતના હોય છે. આ આંકડા પરથી ભારત વિશ્ર્વમાં સૌથી વધુ માંદા લોકોનો દેશ હોવાની વાત બહાર આવી છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર જે લોકો ડૉકટરની મુલાકાત લે છે એમાંના અડધાઅડધ લોકો શ્ર્વાસને લગતા રોગોના ઇલાજ માટે આવ્યા હોય છે. એક રીતે જોઇએ તો ભારતની વસતિના અડધા લોકો શ્ર્વાસ અને ફેફસાંને લગતા રોગોનો સામનો કરી રહ્યા છે. ભારતમાં ઘરની અંદર અને બહારની હવામાં રહેલા પ્રદૂષકોને ધ્યાનમાં લઇએ તો આ ટકાવારી ખરી હોવાનું જણાય છે. આટલી મોટી સંખ્યામાં લોકોને રોગના ભોગ બનાવવા માટે મુખ્ય કારણ વાયુ પ્રદૂષણ જવાબદાર છે. અસ્થમા, ક્રોનિક બ્રોન્કાઇટીસ વગેરે જેવી ફેફસાંને લગતી બિમારીઓ પ્રદૂષિત વાયુને કારણે થતી હોય છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે આવતા રોજના બે લાખ રોગીઓની જ્યારે નિષ્ણાતોએ તપાસ કરી ત્યારે એમને જણાયું કે આમાંના અડધાઅડધ રોગીઓને ફેફસાં અને શ્ર્વાસને લગતી સમસ્યા હતી.

નિષ્ણાતોએ નોંધ્યું હતું કે અન્ય રોગોમાં પાચનને લગતી સમસ્યાઓ (પચીસ ટકા), રુધિરાભિસરણની સમસ્યા (૧૨.૫%), ચામડીના દર્દો (૯%), હાઇપરટેન્શન (૧૪.૫૨%), શ્ર્વાસોચ્છ્વાસમાં તકલીફની સમસ્યા (૧૪.૫૧%), શ્ર્વાસનળીને લગતી સમસ્યા (૧૨.૯%) અને અંત:સ્ત્રાવના દર્દો (૬.૬%)નો સમાવેશ થતો હતો.

નિષ્ણાતોએ ૧લી ફેબ્રુઆરી, ૨૦૧૧થી આ સંશોધનની શરૂઆત કરી હતી જેમાં ૮૮૦ શહેરોમાં ૧૨૦૦૦થી વધુ ડૉક્ટરોએ મળીને સંશોધન કર્યું હતું. આ રિપોર્ટમાં જણાવાયેલ આંચકાજનક બાબત એ છે કે હાઇ બ્લડ પ્રેશર અથવા તો હાઇપરટેન્શનના દર્દીઓમાંના ૨૧% લોકો ચાલીસ વર્ષથી નીચેની વયના હોય છે.