શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 15 એપ્રિલ 2015 (14:50 IST)

ઠંડાં પીણાં પાછળ રુપિયા ખર્ચીને હોલસેલમાં બીમારીઓ ખરીદતા આપણે...

ઉનાળાના દિવસો શરૂ થઇ ગયા છે અને એ સાથે જ આઇસક્રીમ, શરબત અને ઠંડાં પીણાંનો વપરાશ પણ વધ્યો છે. ઘણા લોકો તો આ દિવસોમાં પાણીની જેમ ઠંડાં પીણાં પીતા જોવા મળે છે. બહાર ગયા નથી ને ઠંડા પીણાની બોટલ ખરીદી નથી.

ઠંડા પીણા એટલે પછી એ કોક હોય, પેપ્સી હોય કે થમ્સ અપ હોય, આ બધાંના સ્વાદમાં થોડોઘણો ફરક જરૂર છે, પણ એની રેસિપીમાં ઇન્ગ્રેડિયન્ટ લગભગ સરખાં જ હોય છે.

જે લોકો સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા હોય છે એમને આ બાબતની જાણ હોય છે કે બજારમાંથી લાવેલા ઠંડા પીણા સ્વાસ્થ્ય માટે કેટલાં હાનિકારક હોય છે. આ વાતની ખાતરી તમે તમારા ડૉક્ટર પાસેથી પણ કરી શકો છો.

કેમિકલ અને ખાંડનું મિશ્રણ જે આ પીણાઓમાં વપરાય છે એ જ તમારા સ્વાસ્થ્યને બગાડવા માટે પર્યાપ્ત સામગ્રી છે. આ પીણાની લત લાગે એટલે પછી અન્ય નશાની જેમ જલદી છૂટતી નથી. જો તમારે સ્વસ્થ રહેવું હોય તો બને ત્યાં સુધી આવા પીણાઓથી દૂર રહેજો અને એને બદલે વરિયાળીનું શરબત અને ઠંડાઇ જેવાં દેશી પીણાં વાપરવાની આદત કેળવો.

હવે ઘણા વાચકોના મનમાં એવો પ્રશ્ર્ન થયો હશે કે આવા પીણા પીવાથી વળી શું નુકસાન થવાનું હતું? આ પ્રશ્ર્નનો જવાબ નીચે પ્રમાણે છે.

દાંત બગાડે

જયારે આપણે ખાંડવાળા તથા એસિડિક પદાર્થો અને પીણા વધુ પ્રમાણમાં ખાઇએ કે પીએ ત્યારે આપણાં દાંત પર છારી બાઝે છે. ઠંડા પીણામાં આ બંને તત્ત્વો મબલક પ્રમાણમાં હોય છે. એ તમારા ઇનેમલને ખરાબ કરે છે. તમે તો જાણો જ છો કે આજકાલ દાંતની સારવાર કેટલી મોંઘી થઇ ગઇ છે. હા, તમે દરેક વખત આવા પીણા પીધા બાદ દાંતને બ્રશથી સાફ કરી શકો પણ વિચારી જુઓ કે શું દરેક વખતે એ શક્ય છે? સૌથી સારી બાબત એ છે કે તમારું સ્વાસ્થ્ય બગાડે એવાં પીણા પીવાનું જ છોડી દો.

ડાયાબિટીસ થવાની શક્યતા

કાર્બોહાઇડ્રેટ એ ખાંડનું બીજું નામ છે. દરેક પદાર્થમાં મોટા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ હોય છે અને એ સાથે ઠંડાં પીણાં પીવાથી પરિસ્થિતિ વધુ વણસે છે. એ તમારા બ્લડસુગરને વધારવા માટે માત્ર વીસ મિનિટનો સમય લે છે. ડાયાબિટીસ એવો રોગ છે કે જેમાં તમારે જીવનભર દવા લેતા રહેવું પડે. એક જમાનામાં એને રાજરોગ પણ કહેતા હતા. તમારે બધા જ બ્રાન્ડેડ પીણાઓ લેવાનું બંધ કરવું જોઇએ.

વજન વધારે

જાહેરાતોમાં સ્પોર્ટ્સ પર્સન કે અક્ષય કુમાર જેવા હીરોને કસરત કર્યા બાદ કે સ્ટંટ કર્યા બાદ ઠંડાં પીણાં પીતા બતાવાય છે. આવી જાહેરાતો જોઇને ભરમાશો નહીં. કસરત કર્યા બાદ ક્યારેય આવા પીણાં ન પીવાની સલાહ ડૉક્ટરો આપે છે. હકીકત તો એ છે કે ખાંડથી ભરપૂર આવા કોઇપણ જાતના પીણાં પીવાથી શરીરની ચયાપચયની ક્રિયા ધીમી પડવાથી શરીર ચરબીને ઝડપથી ઓગાળી શકતી નથી અને પરિણામે તમારું વજન વધે છે.

પ્રજોત્પતિમાં સમસ્યા

આવા પીણાના કાયમ સેવન બાદ પ્રજોત્પતિમાં સમસ્યા ઊભી થવાની શક્યતા રહેલી છે. આવા પીણામાં રેહલાં રસાયણો પ્રજોત્પતિ માટે જરૂરી અવયવોને નુકસાન પહોંચાડી શકે છે. સો વાતની એક વાત એ છે કે બધા જ પ્રકારના તૈયાર પીણાઓમાં ખાંડ અને રસાયણનો છૂટથી ઉપયોગ કરાયો હોવાથી એ તમારા શરીરને માટે હાનિકારક છે અને માટે તમારે એનો વપરાશ બંધ કરવો જોઇએ. હવે આ લેખ વાંચ્યા બાદ તમારે શું કરવું એ તમારે નક્કી કરવાનું છે. શક્ય હોય તો આ લેખ કેવો લાગ્યો અને તમે કયા વિષય પર જાણકારી મેળવવા માગો છો એ  અમને ઇમેઇલ કરીને જણાવશો તો અમને ગમશે.