ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

આરોગ્ય : શુ આપ પ્રેગનેંસી ડિટેક્શન કિટ વિશે જાણો છો ?

P.R
પ્રેગ્નન્સી ડિટેક્શન કિટ દ્વારા મહિલાઓ ઘરમાં જ પ્રેગ્નન્સીનો ટેસ્ટ કરી શકે છે. પ્રેગ્નન્સી ડિટેક્શન કિટનો ઉપયોગ બહુ સરળ છે અને આ કિટ તમને મેડિકલ સ્ટોર પર મળી રહે છે. આ કિટ મહિલાઓના યુરિન અને લોહીમાં એચસીજી નામના હોર્મોનની ઓળખ કરે છે જેનાથી મહિલાઓની ગર્ભાવસ્થા વિષે જાણ થશે.

એચસીજી હોર્મોન શું છે -

એચસીજી નામના હોર્મોન શરીરમાં ત્યારે જ વિકસિત થાય છે જ્યારે ગર્ભમાં ભ્રૂણનું પ્રત્યારોપણ થાય છે. આ ક્રિયા સામાન્યપણે ફર્ટિલાઇઝેશનના એક કે બે અઠવાડિયા બાદ થાય છે. જલ્દી ગર્ભાવધિના વિકાસ દરમિયાન એચસીજી સ્તરમાં સતત વૃદ્ધિ થવી પ્રેગ્નન્સીનું લક્ષણ છે. મહિલા ગર્ભવતી થતાં તેના યુરિન અને લોહીમાં એચસીજીની માત્રા જોવા મળે છે જેના દ્વારા માલુમ પડે છે કે તે ગર્ભવતી છે.

ડૉક્ટર પાસે અચૂક જાઓ -

પ્રેગ્નન્સી ડિટેક્શન કિટ દ્વારા ઘરે મહિલાઓ પોતે ગર્ભવતી છે કે નહીં તે અંગેની તપાસ કરી શકે છે. પણ પ્રેગ્નન્સી છે કે નહીં તેની ખાતરી કરવા માટે મહિલાઓએ ડૉક્ટર પાસે અચૂક જવું જોઇએ. સાથે ડૉક્ટર પાસે જવાનો ફાયદો એ પણ છે કે તેઓ તમારી તપાસ કરીને જણાવશે કે તમારું શરીર બાળકને જન્મ આપવા માટે તૈયાર છે કે નહીં.

પ્રેગ્નન્સી ડિટેક્શન કિટનો પ્રયોગ -

પ્રેગ્નન્સી ડિટેર્શન કિટનો ઉપયોગ કરતા પહેલા તેના પ્રયોગ વિષે પૂરતી માહિતી હોવી જરૂરી છે. સ્ટ્રીપના પેકેટ પર લખેલી જાણકારીને ધ્યાનથી વાંચી તેનો અમલ કરો. તમારી નાનકડી ભૂલ ખોટું પરિણામ દર્શાવી શકે છે. આ કિટની મદદથી તમને એકાદ મિનિટમાં પરિણામ ખબર પડી જશે.

કેટલાંક એવા કારણો જેના લીધે પરિણામ ખોટું આવી શકે છે...

- પીરિયડ્સ મિસ થયાના થોડા સમય બાદ જ ટેસ્ટ કરાવવાથી પરિણામ નેગેટિવ આવી શકે છે કારણ કે બની શકે કે શરીરમાં એચસીજી હોર્મોનનું નિર્માણ શરુ થયું જ ન હોય.
- ઇંફર્ટિલિટી માટે લેવામાં આવનારી દવાઓ દ્વારા આ ટેસ્ટ ખોટો આવી શકે છે.
- એચસીજીનું સ્તર ઓછું હોવાથી પણ પરિણામ ખોટું આવી શકે છે.

ક્યારે કરશો ગર્ભાવસ્થાની તપાસ -

પ્રેગ્નન્સી ડિટેક્શન કિટનો પ્રયોગ આખા દિવસમાં ગમે ત્યારે કરી શકાય છે. પણ સવારના સમયે આ ટેસ્ટ કરવો સારો રહેશે અને પરિણામો ખોટા હોવાની સંભાવના ઓછી રહેશે.
પ્રેગ્નન્સી ટેસ્ટ પહેલા કોઇપણ પીણું ન પીવું જોઇએ જેનાથી એચસીજીના સ્તર પર કોઇ અસર પડે.