મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 26 નવેમ્બર 2014 (17:43 IST)

ખાધું, પીધું ને મોજ કરી...હવે નહીં ચાલે, ગુજરાતીઓમાં મેદસ્વીતા વધતી જાય છે

ગુજરાતીઓ માટે કહેવામાં આવે છે કે તેમની પાસે નાણાને ડબલ કરવાની ફાવટ હોય છે. નાણા ઉપરાંત ગુજરાતીઓમાં અન્ય કોઇ બાબતને 'ડબલ' કરવાની ફાવટ હોય તો તે પેટની ચરબીનું થર છે. થોડા સમય અગાઉ કરવામાં આવેલા સર્વેક્ષણ અનુસાર ૪૦થી ૪૫ ટકા ગુજરાતીઓ મેદસ્વી છે. આ સર્વેક્ષણમાં વધુ ચિંતાની વાત એ આવી છે કે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં મેદસ્વિતાનું પ્રમાણ વધીને ૨૫ ટકાએ પહોંચી ગયું છે. આજે 'વર્લ્ડ એન્ટિ ઓબેસિટી ડે' છે ત્યારે સામે આવેલા આ આંકડા સ્વાસ્થ અંગે જાગૃતિ લાવવા ચોક્કસ એલાર્મ સમાન છે.  બાળકોમાં વધી રહેલા મેદસ્વીપણાના પ્રમાણ માટે તબીબોએ લાઇફસ્ટાઇલને જવાબદાર ઠેરવી છે. તબીબોના મતે આજે ખાસ કરીને શહેરના બાળકોમાં આઉટડોર ગેમ્સ રમવાનું પ્રમાણ ખૂબ જ ઘટી ગયું છે. મોટાભાગના બાળકોની જીવનશૈલી એવી જ બનાવી દેવામાં આવી છે કે તે શાળા-ટયૂશનથી ઘરે આવ્યા બાદ ટેલિવિઝન કે વીડિયોગેમ સામે બેસી જાય છે. આ ઉપરાંત બાળકો પૌષ્ટિક આહાર કરતા જીભના ચટકા માટે ફાસ્ટ ફૂડ ઉપર જ પસંદગી ઉતારે છે. આ પરિસ્થિતિમાં વાલિઓની જવાબદારી વધી જાય છે, તેમણે પોતાનું બાળક આઉટડોર ગેમ્સ પાછળ પૂરતો સમય ફાળવે અને યોગ્ય ખોરાક આરોગે તેની દરકાર રાખવી જોઇએ.

થોડા સમય અગાઉ સેન્ટ્રલ બ્યૂરો ઓફ હેલ્થ ઇન્ટેલિજન્સ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર શાળામાં અભ્યાસ કરતા અમદાવાદના ૧૩ ટકા બાળકો ડાયાબિટિસથી પરેશાન છે. સૌથી વધુ બાળકો ડાયાબિટિસનો સામનો કરી રહ્યા હોય તેવા શહેરમાં ચેન્નાઇ, બેંગલોર બાદ અમદાવાદ ત્રીજા સ્થાને છે. ડાયાબિટિસનું પ્રમાણ વધારવામાં મેદસ્વીપણું મુખ્ય પરિબળ છે. સરકારી શાળા કરતા ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં મેદસ્વીપણાનું પ્રમાણ વધારે હોવાનું સર્વેક્ષણમાં સામે આવ્યું છે. આ માટે એવું કારણ આવ્યું છે કે ખાનગીશાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માતા-પિતા છૂટા હાથે પોકેટ મની આપે છે. જેનો ઉપયોગ આ વિદ્યાર્થીઓ ફાસ્ટફૂડ ઝાપટવા માટે કરતા હોય છે.

ગયા વર્ષે એક જાણીતી સંસ્થા દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણ અનુસાર અમદાવાદની વસ્તીમાંથી ૧૬ ટકા મહિલા અને ૧૨ ટકા પુરુષ મેદસ્વી હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ દેશમાં સરેરાશ ૧૧ ટકા મહિલા અને ૮ ટકા પુરુષ મેદસ્વી છે. આ ઉપરાંત અમદાવાદમાંથી ૧૨ ટકા વ્યક્તિઓનું બોડી માસ ઇન્ડેક્સ ૫૦થી વધુ જોવા મળ્યું હતું. આ સર્વેક્ષણ દિલ્હી, લુધિયાણા, જયપુર, મુંબઇ, કોલકાતા, નાગપુર જેવા શહેરમાં હાથ ધરાયું હતું. આ સર્વેક્ષણ અનુસાર ૨૦થી ૫૦ વર્ષની ઉંમરમાં મેદસ્વીપણાનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)ના અહેવાલ અનુસાર વિશ્વભરમાંથી વર્ષે ૩૪ લાખ લોકોનું મેદસ્વીપણા-વધુ પડતા વજનને કારણે મૃત્યુ થાય છે. અમેરિકામાં પાંચમાંથી ૧ વ્યક્તિના મૃત્યુ પાછળ મેદસ્વીપણું જવાબદાર છે. વધુ ચોંકાવનારી વિગત એવી સામે આવી છે કે દરે વર્ષે મેદસ્વીપણું ઘટાડવા, ડાયાબિટિસ-હૃદયની બિમારી, અમુક પ્રકારના કેન્સરની સારવાર માટે વિશ્વભરમાંથી ૨ ટ્રિલિયન ડોલરનો ખર્ચ થતો હોય છે.