શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 14 એપ્રિલ 2015 (17:14 IST)

પુરુષ માટે પત્નીનું અવસાન જીરવી શકાતું નથી - અસહાય બની જાય છે

સ્ત્રી અને પુરુષ લગ્નના બંધનમાં બંધાય અને શરૂ થાય દાંપત્યજીવનની સફર. સ્વપ્નની દુનિયામાંથી બહાર નીકળીને વાસ્તવિક જીવનની શરૂઆત થાય ત્યારે કેટકેટલા સંઘર્ષમય તબક્કામાંથી પસાર થવું પડે. નોંકઝોંક થાય, પ્રેમ થાય, ઝઘડા પણ થાય અને છતાંયે એકમેક પ્રત્યેની ભીની લાગણીઓ સચવાઈ રહે અને જીવન ચાલ્યા કરે. મુસીબત ત્યારે થાય, જ્યારે વર્ષોના સહવાસ પછી પતિ-પત્ની બેમાંથી એક આ જગતમાંથી વિદાય લે. આ સંદર્ભે અમારાં દાદી કહેતાં કે ‘ભીંત કરો એક સાથે નથી પડતા.’ અર્થાત્ પતિ-પત્ની બંને એકસાથે મૃત્યુ પામતાં નથી. ઉંમર થતાં બેમાંથી એક હંમેશ માટે અલવિદા કરીને ચાલતું થઈ જાય છે અને પાછળ મૂકી જાય છે. વેદનાગ્રસ્ત જીવનસાથીને. પતિ-પત્ની બેમાંથી એકનું મૃત્યુ થાય ત્યારે અપાર વેદના થાય છે અને જીવનસાથી વિના જીવવું મુશ્કેલ બની જાય છે, પણ પતિના મૃત્યુનો આઘાત જીરવીને સ્ત્રી સંસારને આગળ ધપાવી શકે છે, જ્યારે પુરુષ માટે તેની પત્નીના અવસાનનો આઘાત જીરવીને જીવવું આસાન નથી હોતું.

વેદના અપાર

જીવનસાથીને ગુમાવવાની પીડા અપાર હોય છે. વર્ષોના સાંનિધ્ય પછી બંનેને પરસ્પરની આદત પડી જતી હોય છે. એકબીજા વગર થોડા દિવસ જરૂર ગમે, પણ વધારે સમય થાય તો મળવાની અદમ્ય ઈચ્છા થાય. પતિ-પત્ની દૂર હોય, બહારગામ ગયા હોય તો એમ થાય ક્યારે પાછાં આવી જાય. જ્યારે આ તો હવે એવી શક્યતા જ નથી રહી કે આપણું પ્રિયપાત્ર પાછું આવશે અને તેને મળી શકાશે. આવી આશા જ જ્યારે નિર્મૂળ થઈ જાય ત્યારે શું થતું હશે? કેવી વેદનાગ્રસ્ત લાગણીઓ થતી હશે? આ દુ:ખમાંથી બહાર આવવા વ્યક્તિએ કેટલો સંઘર્ષ કરવો પડતો હશે? મનને કેટલું મનાવવું પડતું હશે? દુનિયાના લોકો આવીને કહી જાય કે ભગવાનની મરજી આગળ આપણે લાચાર છીએ. જેનો જન્મ છે તેનું મૃત્યુ અફર છે. જીવનસાથીને ગુમાવનાર વ્યક્તિ પણ આ બધું જ જાણે છે. તેણે પોતે પણ બીજાને આવું બધું ક્યારેક ને ક્યારેક કહ્યું હોય છે. લોકો માટે બોલવું જેટલું સહેલું હોય છે એટલું વિધુર/વિધવા માટે સહન કરવું સહેલું હોતું નથી.

પુરુષ અસહાય

પતિ કે પત્ની બેમાંથી જો પતિનું મૃત્યુ થાય તો પત્ની ભાંગી પડે છે તેના દુ:ખનો પાર રહેતો નથી. એમાંયે આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો ઘર ચલાવવાની, બાળકોનો ઉછેર કરવાની, શિક્ષણની વગેરે ચિંતાઓ તે સ્ત્રીને કોરી ખાય છે, છતાં એ હકીકત છે કે અબળા ગણાતી સ્ત્રી પતિના મૃત્યુ બાદ પોતાની જવાબદારીઓ બખૂબી નિભાવી શકે છે. એથી જ તો આપણે ત્યાં કહેવાય છે કે ‘ઘોડે ચડનાર બાપ મરજો, પણ રેંટિયો કાંતનાર મા ન મરજો’ સ્ત્રી વિનાનું ઘર ઘર રહેતું નથી. માતા વિના બાળકો નિમાણાં થઈ જાય છે. જોકે પિતા વિના પણ બાળકોને મુશ્કેલી પડે છે. પિતા નહીં હોવાથી ફક્ત આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેને માટે કોઈ પણ મદદ કરી શકે છે. જ્યારે મા ન હોય તો સંતાનના ઉછેરમાં જ મુશ્કેલી ઉદ્ભવે છે. પતિના મૃત્યુ બાદ પત્ની ઘર અને બાળકોને સાચવીને પોતાના સંસારને આગળ ધપાવી શકે છે, જ્યારે પત્નીના મૃત્યુ બાદ ઘરનું આખું તંત્ર ખોરવાઈ જાય છે. આખા ઘરનો કારભાર સંભાળતી પત્નીના અવસાનથી ઘર અસ્તવ્યસ્ત થઈ જાય છે. પુરુષ બહાવરો બની જાય છે. તાજેતરમાં જ અમારાં સંબંધી સવિતાકાકીનુું અવસાન થયું. રમણકાકા અને સવિતાકાકી બેજ જણ મોટા વિશાળ ઘરમાં રહેતા હતા. કાકીના જવાથી કાકા એટલા સૂનમૂન થઈ ગયા કે તેમને કઈ રીતે સાચવીશું એવો તેમના પરિવારમાં પ્રશ્ર્ન ઉપસ્થિત થયો. ભર્યાભાદર્યા ઘરમાં કેટલીયે ચીજવસ્તુઓ અને ઘરવખરી તેમ જ કંઈકેટલુંયે વસાવવાના શોખીન સવિતાકાકીએ એટલું બધું વસાવ્યું છે કે કઈ વસ્તુ ક્યાં હશે તેની કોઈને ખબર નથી. રમણકાકાને તો જરાય નહીં. પરિવારજનોને કોઈ વસ્તુ જોઈતી હોય તો કાકીની સંભાળ રાખનાર નોકરને પૂછવું પડે.

કાકા હવે એટલા મૂંઝાઈ ગયા છે કે કોની સાથે રહેવું તે નક્કી કરી શકતાં નથી. પોતાના બે દીકરાના પરિવાર છે પણ વર્ષોથી અલગ રહેવાને કારણે સાથે ફાવશે કે નહીં તે ચિંતા સતાવે છે. પોતાના ઘરમાં એકલું રહેવું ફાવે તેમ નથી, તેઓ કહે છે, ‘અઠ્ઠાવન વર્ષના લગ્નજીવનનો સંગાથ તૂટતા હવે મને જીવવવામાં રસ જ રહ્યો નથી. બચ્યાંખૂંચ્યાં વર્ષો હવે બસ મારે જેમતેમ પૂરાં કરવાનાં છે.’ તેઓ ઘણી અસહાયતા ફીલ કરી રહ્યા છે. આ જ જગ્યાએ વિધવા થનાર સ્ત્રી થોડા સમયમાં સ્વસ્થ થઈને ઘર અને બાળકોને કુનેહથી સાચવી શકે છે. તેને કોઈના ઘરે જવાની જરૂર પડતી નથી. સ્ત્રી આઘાત જલદીથી પચાવી જાય છે, જ્યારે પુરુષને આઘાતમાંથી બહાર આવતા વધુ સમય લાગે છે.

કારણો અનેક છે

વિધુર પુરુષ અસહાય થઈ જાય છે તેનાં કારણો અનેક છે. સ્ત્રી વિધવા થાય ત્યારે તેને પુરુષ જેટલું આકરું નથી લાગતું કારણ કે સ્ત્રી પહેલેથી ઘર, રસોઈ, વ્યવહાર અને બાળકોને સંભાળતી આવી છે. જ્યારે પુરુષ વિધુર થાય છે ત્યારે તેને ઘણી તકલીફ થાય છે, કારણ કે તેણે ફક્ત અર્થોપાર્જન જ કયુર્ં છે. ક્યારેય ઘર, વ્યવહાર, રસોઈ, બાળકો પર ધ્યાન આપ્યું નથી. મોટી ઉંમરે વિધવા થનાર સ્ત્રી જો આર્થિક રીતે સધ્ધર હોય તો કોઈની ઓશિયાળી રહેતી નથી, કારણ કે પોતે પોતાના ઘરમાં પોતાનું રાંધી ખાઈને આરામથી જીવી શકે છે.

જ્યારે આર્થિક રીતે સધ્ધર હોવા છતાં પુરુષ ઓશિયાળો બની જાય છે. તેને પુત્રવધૂ જે રીતે રાખે એ રીતે રહેવું પડે છે. પુરુષ પોતાની લાગણીઓને યોગ્ય રીતે વ્યક્ત કરતાં અચકાતો હોય છે. ઘરકામની બાબતમાં હંમેશાં પુરુષ ડિપેન્ડન્ટ રહ્યો છે. મોટી ઉંમરે વિધુર થતા પુરુષની હાલત કફોડી થઈ જાય છે. વૈધવ્ય સ્ત્રી કરતાં પુરુષ માટે વધુ મશ્કેલ છે. પુરુષને ઘરે આવે ત્યારે ઘરમાં પત્ની હોય, તેની સાથે વાતો કરે તેવી બાબતો ગમતી હોય છે. પત્નીના જવાથી પુરુષના જીવનમાં ખાલીપો પ્રસરી જાય છે.