શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 19 ફેબ્રુઆરી 2015 (18:02 IST)

બાળકો મોબાઇલને ચોંટેલા જ રહે છે, માતા-પિતાને સૌથી વધુ મુંઝવતો પ્રશ્ન

તાજેતરમાં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ પરથી જણાયું હતું કે બે વર્ષથી લઈને પાંચ વર્ષ સુધીના બાળકો દર અઠવાડિયે લગભગ ૧૮થી ૨૦ કલાક સુધી મોબાઈલનો ઉપયોગ કરતા હતા.

મધ્યમ અને ઉચ્ચ આવકજૂથના આશરે બે હજારથી વધુ માતાપિતા જેઓ ઈલેકટ્રોનિક ગેઝેટ્સનો ઉપયોગ કરે છે, તેમને આવરી લઈને એક સર્વે કરવામાં આવ્યો હતો. તેમના બાળકોને કયા ગેઝેટ્સનો ઉપયોગ કરવા દે છે અથવા તેમ કરતાં શીખવે છે એવા સવાલના જવાબમાં ૮૮ ટકાએ જણાવ્યું હતું કે તેઓ બાળકોને સ્માર્ટ ડિવાઈસનો ઉપયોગ કરવા દે છે. જ્યારે ૧૨ ટકાએ જણાવ્યું હતું કે તેમણે બાળકોને તેમને કામ લાગી શકે એવી ગેમ્સ અને સામાન્ય માહિતી ધરાવતાં અત્યાધુનિક ગેઝેટ્સ અપાવ્યાં છે. એમ કરવાનો હેતુ તેમને દૃશ્ય શ્રાવ્ય માહિતી આપવાનો છે. અભ્યાસના તારણમાં એવું જણાયું હતું કે આઠ વર્ષની ઉંમરનાં લગભગ ૯૭ ટકા બાળકો મોબાઈલ ફોન, ટેબ્લેટ્સ અથવા એવા પ્રકારના ડિવાઈસનો ઉપયોગ કરે છે.

સર્વે હાથ ધરનારી કંપનીના એમડીના મંતવ્ય પ્રમાણે નાની ઉંમરના બાળકોમાં ઍપ્સનો ઉપયોગ કરવાનું ચલણ વધ્યું છે. ૭૭ ટકા ગેમ્સ ઍપ્સનો ઉપયોગ કરે છે જ્યારે એજ્યુકેશન ઍપ્સનો માત્ર ૨૩ ટકા બાળકો માટે ઉપયોગ કરવામાં આવે છે. આજનાં બાળકોને અત્યાધુનિક ડિવાઈસનું વળગણ હોવાનું જણાય છે. તેઓ વાંચતા લખતા શીખે તે પહેલાં મોબાઈલ અને ટેબલેટ પર હાથ અજમાવવા મંડી પડે છે. માતાપિતા પણ તેમને પ્રવૃત્તિમાં પરોવી રાખવા ટેબલેટ્ આપીને તેમને રમવા દે છે. આ મુદ્દે હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જણાયું હતું કે માતાપિતા પોતાના બાળકોને સ્માર્ટફોનનો ઉપયોગ શીખવે છે. તેઓ એમ માને છે કે આમ કરવાથી બાળકના મગજનો વિકાસ થાય છે. આ મુદ્દે અમેરિકાની એક યુનિવર્સિટીના સંશોધકોએ કરેલા અન્ય અભ્યાસમાં જણાયું હતું કે બે વર્ષ કરતાં નાની ઉંમરના બાળકો હજુ બરાબર બોલતાં શીખ્યા ન હોય એટલે તેમને ટીવી અને વીડિયો દેખાડવાથી કોઈ ફાયદો નથી થતો. બાળક યોગ્ય ઉંમરે પહોંચે તે પહેલાં મોબાઈલનો ઉપયોગ કરવાનું શીખવવાથી તેના સામાજિક-ભાવનાત્મક વિકાસ માટે નુકસાનકારક નીવડે છે. અમેરિકન પીડિયાટ્રિક એકેડેમીની ભલામણ પ્રમાણે બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ટીવી સામે બેસાડવા જોઈએ નહીં. ‘બાળકના મગજનો એકથી પાંચ વર્ષ દરમિયાન ઝડપથી વિકાસ થતો હોય છે. એટલે માતાપિતા, દાદા-દાદી કે પોતાની ઉંમરના મિત્રો સાથે વાત કરીને તેઓ શીખે છે. ટીવી સ્ક્રિન્સ પર દર્શાવાતા દૃશ્યોથી નહીં.’ એટલે જ બાળક સાથે બને તેટલી વધુ વાતો કરવી જોઈએ. તેના બાળ મનમાં ઉઠતા સવાલોના તેને સમજાય તેવી ભાષામાં જવાબો આપવા જોઈએ.

તેમ છતાં સાઈકિયાટ્રિસ્ટના મત મુજબ ચીજવસ્તુઓ અને રંગોની પરખ સંબંધિત કેટલાક સ્માર્ટફોન ઍપ્સનો ઉપયોગ બાળકો માટે ઉપયોગી છે. પણ એના લાંબા સમય સુધીના વપરાશ માટે તેઓ એવી ચેતવણી આપે છે કે ‘આને કારણે બાળક આળસુ બની જતું હોય છે. એક જ જગ્યાએ બેસી રહેતું હોવાથી સ્થૂળ બની જવાનો સંભવ છે. તેને આઉટડોર ગેમ્સ રમવાનું મન નથી થતું. આ ઉપરાંત તેમનો સામાજિક સંપર્ક રહેતો નથી. સાત વર્ષની ઉંમરના બાળકને ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ્સનો ઉપયોગ કરવાની ઘેલછા લાગે તો એના અતિશય ઉપયોગને લીધે શરીરના અવયવો જેમ કે કાનની શ્રવણશક્તિ ઘટી જવી અથવા બહેરાશ આવવી તથા કાનમાં ચેપ લાગવાનો ખતરો રહેલો છે. આ ઉપરાંત તેના શૈક્ષણિક પર્ફોમન્સમાં ઘટાડો જણાય છે. અનિદ્રાનો ભોગ બને છે. તેનો મૂડ વારંવાર બદલાયા કરે છે.

સ્માર્ટ ડિવાઈસ અને કિરણોત્સર્ગ

સ્માર્ટ ફોનના વધુ પડતા ઉપયોગ સારો નથી. એક ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે સ્માર્ટ ફોન, ટેબલેટ્સ, ઈ-બુક વાચકો એ બાબતે ધ્યાન રાખે કે આવા ડિવાઈસમાંથા કિરણોત્સર્ગ થતું હોવાથી લાંબા સમયે ઉપયોગકર્તાના શરીર માટે હાનિકર્તા નીવડે છે. આ બાબતે હાથ ધરવામાં આવેલા સંશોધન પરથી જણાયું હતું કે રેડિયેશન અથવા કિરણોત્સર્ગની અસરની બાબતે તરત ખબર નથી પડતી, પણ લાંબા ગાળે બાળકોને નુકસાન થાય છે.

ઈલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ યુનિવર્સિટીના પ્રૉફેસરના કહેવા પ્રમાણે બાળકોનું મગજ સ્ટ્રોન્ગ ચુંબકીય તરંગોના ક્ષેત્રના વધુ પડતા સંસર્ગમાં આવે તો તેમના નાજુક મગજ પર તરંગોની અસર થાય છે. એસએઆર વેલ્યૂના કરવામાં આવેલા અખતરામાં પણ પુખ્ત ઉંમરના લોકોની સરખામણીમાં બાળકોના મગજ પર વધુ અસર થતી હોવાનું એક અભ્યાસમાં જણાયું હતું.

આ સમસ્યાનું નિરાકરણ લાવવા એક કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એસએઆર નિયમન માત્ર રેડિયેશનની થર્મલ અસર દૂર કરવા માટેના છે. વૈજ્ઞાનિકો દ્વારા એવું સિદ્ધ કરવામાં આવ્યું છે કે રેડિયેશનની નૉન થર્મલ અસર વધુ હાનિકર્તા નીવડે છે. શોચનીય બાબત એ છે કે આ બાબતે કોઈ વિશેષ નિયમન નથી.

આ સમસ્યાનો ઉકેલ શો?

મોટા ભાગની સમસ્યા આવા ડિવાઈસના વધુ પડતા ઉપયોગથી ઊભી થાય છે. કેટલાક આઈ ફોનમાં કલાક દીઠ માત્ર છ મિનિટ વાત કરવાની ભલામણ કરવાની સાથે એવું પણ સૂચવવામાં આવ્યું છે કે આવું ડિવાઈસ વાત કરતી વખતે શરીરથી ઓછામાં ઓછા ૧૫-૨૫ મિ.મી. દૂર હોવું જોઈએ. તેમ છતાં ઘણાં આ ચેતવણી કે સલાહની ‘ઐસી તૈસી’ કરતા હોય છે. ફોન સાથે આપેલા મેન્યુઅલ્સ પહેલાં વાંચી જવા જોઈએ. એ પ્રમાણે પહેલાં પોતે અને ત્યારબાદ બાળકને ફોનનો ઉપયોગ કરતાં શીખવવું જોઈએ. આખરે તો એ માતાપિતાની જવાબદારી છે.

સ્માર્ટ ફોનના વધુ પડતા ઉપયોગની અસર

બાળકોને એકવાર ગેજેટનું વળગણ થઈ ગયા પછી તે માર્કેટમાં આવતા નિતનવા ગેજેટ્સના ઉપયોગ કરવા લાગી જાય છે. આખો દિવસ તેનું મન એમાં રમમાણ રહ્યા કરે એટલે સ્કૂલ કે કૉલેજમાં ક્લાસમાં ઓછું ધ્યાન આપે છે. તેના ભણતર પર અસર પડે છે. અનિદ્રાનો ભોગ બનતાં નાની નાની વાતે ગુસ્સો કરવા લાગી જાય છે. વારંવાર મૂડ બદલાયા કરે છે.

કિરણોત્સર્ગનું જોખમ ક્યારે વધુ હોય છે?

આ મુદ્દે હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ પરથી જણાયું હતું કે બધાં ટ્રાન્સમિશન જેમ કે વાઈ-ફાઈ, બ્લૂ ટૂથ અને સેલ્યુલર ફોન એક સાથે ચાલુ રાખવામાં આવે ત્યારે દરેક ઉંમરના લોકોને કિરણોત્સર્ગનું જોખમ રહે છે, પરંતુ સગર્ભા, ભૂલકાં માટે વધુ જોખમ રહે છે.

ઈલેક્ટ્રો મેગ્નેટિક રેડિયેશન સાથે સંકળાયેલી આરોગ્ય સમસ્યા

વારંવાર માથું દુખવું, ચક્કર, ઊબકા, ઊલટી, યાદશક્તિ ઘટી જવી, લાંબા ગાળે બ્રેન ટ્યુમર, કૅન્સર જેવી આરોગ્યને લગતી સમસ્યા ઊભી થવાની દહેશત છે.

આથી જ સમયસર ચેતી જઈને માતાપિતા સ્માર્ટ ગેજેટ્સનો ખપ પૂરતો ઉપયોગ કરે તો બાળકો પણ તેમનું અનુકરણ કરશે. આમ થશે તો લાંબા ગાળે ઊભી થનારી આરોગ્યની સમસ્યા પણ નીવારી શકાશે. એ વાતમાં બેમત નથી.