ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 22 જૂન 2015 (14:36 IST)

ભારતીય ક્લાસીકલ સંગીત સાંભળવા માત્રથી અનેક રોગોમાં રાહત મળે છે

માત્ર એલોપેથી કે આયુર્વેદિક દવા જ નહીં, પણ સંગીતના સૂરો પણ વિવિધ રોગોમાં અસરકારક દવાનું કામ કરી શકે છે. જોકે, એ વાત અલગ છેકે, હજુયે ભારતમાં મ્યુઝિક થેરેપી પ્રચલિત થઇ શકી નથી. નિષ્ણાતોનું કહેવું છેકે, માત્ર મ્યુઝિક થેરેપી થી જ દર્દીની સારવાર થઇ શકતી નથી બલ્કે દવાની સાથે મ્યુઝિક દર્દીને જલ્દી દર્દમાંથી મુક્ત કરાવે છે. આ કારણોસર મ્યુઝિક થેરેપી ખૂબ જ અસરકારક સાબિત થઇ રહી છે. વિવિધ રાગોથી રોગથી મુક્તિ મળે એવુ નથી પણ ખળખળતાં ઝરણાં, ઘૂધવતો દરિયો,પંખીઓના કલરવ જેવા અવાજો પણ દર્દીઓને રોગોમાં રાહત આપી શકે છે.

કિડનીના દર્દીઓને વહેતાં ઝરણાં, પખીઓના કલરવ સહિતના અવાજો સંભળાવીને દર્દમુક્ત કરાવવાનો પ્રયાસ કરાયો હતો. મ્યુઝિક થેરેપી દવાનું યે કામ કરે છે. ઘણાં લોકોના મનમાં એવી સમજ પ્રવર્તે છેકે, સંગીતથી રોગની સારવાર થાય છે પણ એવું નથી. દવા અને મ્યુઝિકથેરેપીનો સંગમ હોવું જરૃરી છે. રોગના કારણ ઉપરાંત દર્દીની સંગીત પ્રત્યેની રૃચિ જાણ્યાં બાદ મ્યુઝિકથેરેપી અપાય છે. કુલ ૪૦ પ્રકારના રાગોથી દર્દીની સારવાર શક્ય છે. જેમકે,પાચનરોગોમાં રાગ દેશ,રાગ વૃંદાવની સારંગ, ડિપ્રેશનમાં રાગ ભૈરવી, રાજ યમન જયારે અનિંદ્રામાં રાગ પીલું અસરકારક છે. રાગમાંયે કયા વાંજીત્રનો ઉપયોગ થાય છે તે મહત્વનુ છે જેમ કે, રાગ યમન સિતારમાં સાંભળવામાં આવે અને આ જ રાગ વાંસળી દ્વારા સાંભળવામાં આવે તો રોગમાં વધુ અસર કરે છે. કિડનીના દર્દી રાગ બસંત સાંભળે તો દર્દીનું ધ્યાન ડાયવર્ટ થાય છે અને દર્દમાં રાહત થાય છે.

પેઇન મેનેજમેન્ટ અને પ્રસવપિડામાં પણ મ્યુઝિક થેરેપી ઉપયોગી છે.સંગીતમાં દુખાવામાં રાહત આપવાની પણ ક્ષમતા છે. ઓટીઝમ અને હાઇપર એકિટલ બાળકોને જો મ્યુઝિક થેરેપી આપવામાં સારા પરિણામો મળી શકે છે.માત્ર સંગીત સાંભળવાથી જ નહી પણ, દર્દી ખુદ સંગીત વગાડે તો પણ દર્દથી જલ્દી રાહત મળે છે જેમ કે, શ્વસન રોગના દર્દી જાતે ફ્લુટ વગાડે અથવા તો પેરાલિસિસના દર્દી જાતે જ ડ્રમ,તબલાં વગાડે તો જલ્દી સારાં થઇ શકે છે.  
વિવિધ અવાજો પણ દવાની ભૂમિકા ભજવે છે. ઘુઘવતો દરિયો, પંખીના કલરવ, ઘંટડીના નાદ,પવનના સિસકારા, વહેતા ઝરણાંનો અવાજ પણ દર્દીને રાહત પહોંચાડે છે. વિવિધ રોગમાં દર્દીની પ્રકૃતિ આધારે મેલોડી, મોઝા,ભારતીય શાસ્ત્રીય સંગીત અને વેસ્ટર્ન મ્યુઝિક નિર્ધારિત સમય માટે વગાડીને રોગથી મુક્તિ મેળવાય છે. આમ, એલોપેથી કે આર્યુવેદની દવાની સાથે સંગીતના સૂરોનું સમનવ્ય કરાય તો બિમારીથી મુક્તિ મેળવી શકાય છે.

મ્યુઝિક થેરેપીમાં કયા રાગની કયા રોગમાં અસરકારકતા છે તે વિશે સર્વેક્ષણ હાથ ધરાયું હતું. અમદાવાદ અને ગાંધીનગરના ૭૫ દર્દીઓને રાત્રે સુતા પહેલાં ૧૫ મિનિટ રાગ દેશ સાંભળવાની સલાહ બાદ સર્વેક્ષણમાં એવું તારણ બહાર આવ્યું કે,સંતુર પર વગાડાયેલા રાગ દેશને રોજ ૧૫ મિનિટ સાંભળવાથી કબજીયાત, ડિપ્રેશન અને અનિંદ્રામાં ઘણાં દર્દીઓએ રાહત મેળવી હતી.

કયો રાગ કયા રોગમાં અસરકારક
પાચન રોગો - રાગ દેશ, રાગ વૃંદાવની સારંગ
ડિપ્રેશન - રાગ ભૈરવી , રાગ યમન
અનિંદ્રા - રાગ પીલું
શરીરનો દુખાવો - રાગ બસંત