શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 19 એપ્રિલ 2017 (14:00 IST)

આજે બાયસિકલ-ડે - 1950થી 70ના દાયકામાં લાઈટ વગરની સાઈકલ સવારી પર દંડ હતો

સાઈકલ જે એક સમયે લક્ઝરી હતી જ્યારે પછીના સમયમાં વાહન તરીકે જરૃરિયાત બની હતી અને આજે સ્વાસ્થ્ય પ્રાપ્તિ માટેના ઉત્તમ માધ્યમ તરીકે ખ્યાતિ ધરાવે છે. પ્રતિ વર્ષ ૧૯ એપ્રિલના રોજ બાયસિકલ ડે ઉજવાય છે. ઈ.સ. ૧૯૪૩ની ૧૯મી એપ્રિલે હોફમેન નામના વૈજ્ઞાાનિકે પ્રયોગશાળામાં પોતાની જાત પર વાયુનો પ્રયોગ કરતા તેઓ ઘાયલ થયા હતા અને સાઈકલ પર દવાખાને લઈ જવાયા હતા. યુદ્ધના એ કાળખંડમાં અન્ય વાહનો પર પ્રતિબંધ હતો. તેથી હોફમેનની આ સાયકલ સવારીનો દિવસ ત્યારથી બાયસિકલ-ડે તરીકે ઉજવાય છે.

ઈ.સ. ૧૯૫૦ પછીના જમાનામાં સાઈકલને વાહન ગણવામાં આવતું હતું. તેને માટે લાયસન્સ ફરજિયાત હતું. લાયસન્સમાં સાઈકલની જાત, ફ્રેમનંબર, બનાવટ વગેરે દર્શાવવામાં આવતું. સૂર્યાસ્ત પછી સાઈકલ પર લાઈટ રાખવી ફરજિયાત હતી. સાઈકલમાં લાઈટ, બેલ અને બ્રેક અંગેની પોલીસ દ્વારા કડક ચકાસણી કરવામાં આવતી. બેથી વધુ વ્યક્તિ તેના પર સવારી કરી શકતી નહીં. રોડની ડાબી બાજુએ સાઈકલ ચલાવવાનો કાયદો હતો.

પોતાની માલિકીની સાઈકલ હોવી એ સ્ટેટસ ગણાતું. એમાં પણ ભાવનગરે તો ભારતભરમાં સાઈકલની એક આગવી ઓળખ ઉભી કરી છે. ઈ.સ.૧૯૫૯માં વિરભદ્ર અખાડાના યુવા રમતવીરો અને નૌજવાન સંઘના કાર્યકરોએ માત્ર ૧૪ કલાકમાં ભાવનગરથી રાજકોટ સુધીની સાઈકલ રેલી યોજી ગુજરાતમાં રેકોર્ડ કાયમ કર્યો હતો.

અલબત્ત, પછી આ પાંચેય સાયકલીસ્ટને હાઈડ્રોસીલના ઓપરેશન આવ્યા હતા. ઈ.સ.૧૯૫૦-૭૦ના દાયકામાં સાઈકલ પર લાઈટના કાયદાનું કડક અમલીકરણ હતું. લાઈટ વગરની સાઈકલ હોય તો પોલીસ સવારનું નામ લખતી અને બીજા દિવસે કોર્ટમાં દંડ થતો. તેથી સાઈકલ પર ડાયનેમો કે કેરોસીનના ટમટમિયાં રાખવામાં આવતા. ઈ.સ. ૧૯૬૪માં સાઈકલ પર લાઈટના મુદ્દે સમગ્ર ભારતનું ધ્યાન ખેંચનારી કાનૂની ઘટના બની હતી.

શહેરના ચુસ્ત ગાંધીવાદી વ્યાપારી પોતાની સાઈકલ પર ફાનસ લટકાવી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને અટકાવી નામ લખ્યું હતું. જે સંદર્ભે બીજા દિવસે આ ગાંધીવાદી વ્યાપારીએ પોતે કોર્ટમાં દલીલ કરતા એવી રજૂઆત કરી હતી કે, નાના ટમટમિયા કરતા ફાનસની લાઈટ મોટી દેખાય છે. સાઈકલના હેન્ડલ પર રાત્રીના અંધારામાં ઝૂલતું ફાનસ જોઈ કોઈપણ જાણે કે સામેથી કોઈક આવી રહ્યું છે. એટલા માટે ફાનસ લટકાવ્યું હતું. તેમની આ દલીલને ગ્રાહ્ય રાખી કોર્ટે ફાનસને સાઈકલ પરની લાઈટનં સ્ટેટસ આપી કોઈપણ પ્રકારના દંડ વસુલ્યા વગર મુક્ત કર્યા હતા.

ત્યારબાદ ૯૦ વર્ષ સુધી તેઓ સાઈકલના હેન્ડલ પર આ રીતે ફાનસ લટકાવી ફરતા રહ્યા હતા. સમગ્ર ભારતમાં આ કેસની નોંધ લેવાઈ હતી. ભાવનગરમાં છેલ્લા કેટલાક વર્ષોથી બાઈસિકલ યુઝર્સ એસોસીએશન ચાલે છે. આ સંગઠન દ્વારા આ દિવસની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવનાર છે. આ સંગઠન દ્વારા સાઈકલનો કસરતના સાધન તરીકે પ્રચાર કરવામાં આવે છે. ભાવેણાના ૪૫ જેટલા યુવાનો દર રવિવારે સાઈકલ પર પ્રભાતફેરી કરે છે અને શરીર સ્વાસ્થ્ય માટે સાઈકલની ઉપયોગિતાનો પ્રચાર કરે છે.