શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 28 જુલાઈ 2014 (12:11 IST)

આ ફતવા પુરુષો માટે કેમ નથી હોતા!

એક એક યુદ્ધની કેટલીયે અવળી અસર સ્ત્રીઓ ઉપર થતી હોય છે, જેની હંમેશાં નોંધ લેવાય એવું બનતું નથી. પેલેસ્તીન ઉપરના ઈઝરાઈલી હુમલાઓ અંગે એક વાત એવી ઉપસી છે કે નાગરિક વિસ્તારોમાં ઈઝરાઈલ મકાનો ઉપર બૉંબ ફેંકે છે ત્યારે સ્ત્રીઓ પુરુષોની જેમ ઝટ ભાગી શકતી નથી. એક તો દિવસના સમયમાં એ ઘરમાં એકલી હોય, બૉંબ સાથે વિમાનો આવતા હોય ત્યારે ચેતવણી માટે એલાર્મ તો મોટી અપાય છે પણ બંને દેશ સાવ બાજુબાજુમાં છે, મૂળ તો પેલેસ્તીન જ ઈઝરાઈલ તરીકે યહૂદીઓને ગોરા દેશોએ આપેલો છે અને એમાંથી એક કંગાળ ટુકડો પેલેસ્તીનીઓને પોતાના દેશ તરીકે અપાયો છે. આ ભૌગોલિક નજીકતાને લીધે વૉર્નિંગ આવે કે લગભગ તરાતરત બૉંબવર્ષા ચાલુ થઈ જાય. પેલેસ્તીની મહિલાઓ સૌ પહેલાં સંતાનોને ભેગા કરી તેમને માટે પાણી વગેરે જલદી લઈને ભાગે કે એમને એમ હાનિ નથી બચવા ભાગે? પશ્ર્ચિમ અને દક્ષિણ એશિયામાં ખૂનખાર અને હિંસક ધર્માંધતામાં ઈસ્લામ અંગે ફાવે તેવા અર્થઘટન કરનાર આતંક ફેલાયો છે તેમાં પેલેસ્તીનીઓની સમસ્યાને મળતી થોડી ઘણી સહાનુભૂતિ અને અગ્રીમતાને ધક્કો પહોંેચેલો છે.

કાગડા બધે જ કાળા ઈરાક - સિરિયામાં વકરેલી ધર્માંધતા રોજ નવા ફતવા કાઢે છે. આ આંતરવિગ્રહમાં નવેસરથી ખિલાફત બેસાડવા હિંસક આક્રમણકારો આ બે દેશની સત્તાઓને મહાત તો કરતા કરશે પણ જીતેલા પ્રદેશોની મહિલઓને કહી દેવાયું છે કે ખબરદાર જો પૂરા બુરખા વિના બહાર નીકળ્યા છો તો પછી જોવા જેવી થશે!! અર્થાત્ ન થવાની થશે, કેમ ભાઈ? શું આ હજારો કે તેથી વધુ સ્ત્રીઓને ધાર્મિક સમજ નથી? ધર્મપાલન કોઈપણ સમાજમાં કોણ વધારે કરે છે, સ્ત્રીઓ કે પુરુષો? હજી બીજા સમાચાર પાકેપાયે પુરવાર નથી થયા પણ બધી જ યુવાન અને આધેડ સ્ત્રીઓને ખતના કે યોનિમાં કાપકૂપ કરવાનો ફતવો પણ નીકળેલો છે. આપણે ત્યાંથી કલ્યાણથી ભાગી આ કહેવાતા ધર્મયુદ્ધ એટલે કે જેહાદમાં જોડાવા ચાલી ગયેલા એક કપૂતે પોતાના માબાપ અને બહેનોને ભાષણ ઠોકેલા છે તે પત્રમાં બહેનોને કરગરીને કહ્યું છે કે ટીવી જોઈ પાપમાં પડશો નહીં. અલ્યા, ઘર બહાર જવાનું નહીં. આ તે કે પેલું કરવાનું નહીં ને ઘરમાં બેસીને ટીવી જોવા ઉપર પણ બંધી? આટલા બધા બંધનો સ્ત્રીઓ ઉપર નાખવા તે માનવધર્મ મુજબ પાપલીલા જ છે. સ્ત્રીઓ સવાર - બપોરના શૉમાં સિનેમા જોવા જતી તે સામે મહારાષ્ટ્રનાં એક શહેરમાં મુલ્લાંએ ફતવો કાઢેલો તે સામે ત્રીસેક વર્ષ અગાઉ રઝિયા પટેલ નામના સામાજિક કાર્યકરે નાની વયની મુસ્લિમ બહેનોને ભેગી કરી સિનેમા જોવા લઈ જઈ વિરોધ કરેલો હવે તો ગરીબોને થિયેટરની ટિકિટ પોસાય તેવી રહી નથી. મધ્યમવર્ગીઓ પણ મોટે ભાગે ઘરે બેસીને ટીવી જુએ છે. હવે તે સામે પણ વિરોધ!! એ સાચું છે કે આ પ્રકારના ધર્મચુસ્ત પુરુષો પણ ટીવી કે સિનેમા જોતા નથી. ઘરમાંથી ટીવી કાઢે છે, એ ભાઈસાહેબો જોકે ઘરબહાર જઈ શકે છે. મસ્જિદમાં તો જાય છે જ અને દોસ્તો જોડે ટોળટપ્પાં કરતાં એમને કોઈ રોકતું નથી. ઘરની ચાર દીવાલો કે બુરખામાં એમનો જીવ ગૂંગળાતો નથી.

આ ના આ મુલ્લાંઓ પાસે શું છોકરીઓને એમના બાપ એકલી રહેલા દેશે? મૌલવીઓ, પાદરીઓ કે પૂજારી-મહારાજો સામે કેટલીયે ગુસપુસ સાંભળવા મળે છે. ઈશાન મુંબઈમાં એક મસ્જિદમાં કાર્યકર્તા કે મૌલવીએ રસ્તે જતા એમની જ કોમના છોકરાઓને ઉપર બોલાવીને ન કરવાનું કરેલું તે સમાચાર ધીરે ધીરે બેસી ગયેલા. અફઘાનિસ્તાનમાં એક મુલ્લાએ પંદર વર્ષની એક છોકરી ઉપર બળાત્કાર કર્યો. એને એક આશ્રયગૃહમાં રાખવામાં આવેલી અને એક મહિલાજૂથ એની સંભાળ લેતું હતું. હવે એ જ છોકરીના કુટુંબીઓ એને પોતાની જોડે લઈ ગયા છે. એ ક્યાં છે તેની જાણકારી મળતી નથી. પેલી મહિલાઓ તરફડે છે કે છોકરીને ક્યાંક ‘ઑનર કિલિંગ’ એટલે કે પોતાનો મોભો જાળવવા માટેની છોકરીની હત્યાનો કિસ્સો બની જાય તો?

સરકાર પોતે, સમાજ વિપ્લવીઓ સૌ સ્ત્રીઓ માટે આતંક ફેલાવે તેવું તો માત્ર હજી પણ અંધાર યુગમાં જીવતા મુસ્લિમ આત્યંતિકો અને કેટલીક આદિવાસી પ્રજાઓમાં જ જોવા મળે, એ સામે આધુનિકતાના અંચળા સાથે નવી ધાર્મિકતા ફેલાવતા પાદરીઓ, ગુરુજીઓ કે મુલ્લાંઓ પણ ઓછા નથી હોતા. મારા બેટા અવનવી રીતે અંગ્રેજી, સંસ્કૃત કે બીજી ભાષા બોલીને, મેનેજમેન્ટ ટેક્નિકો વાપરીને છાની રુઢિચુસ્તતા કે સમાજ વિમુખતા ફેલાવી ધનેચ્છા અને અહંભાવ સંતોષ પૂરી કરતા હોય છે. પેલા બદમાશ ધાર્મિક આતંકવાદીઓ કે આ વિવિધ ધર્મના ઈવેન્જેલિસ્ટ માઈક, કાર, એરોપ્લેન, ઈંટરનેટ, રેડિયો, ટીવી દરેકનો ઉપયોગ કરે છે. મુસ્લિમ આત્યંતિકો તો વળી બંદૂક, રોકેટ વગેરે વાપરે છે. પાટલૂન ખમીસ તો પહેરે જ પહેરે છે અને સ્ત્રીઓને માથે જ ફતવા! દયા ખાવા સિવાય આમાં કોઈ કાંઈ કરી શકે તેવું નથી. પોતાના જ ધર્મની સારી બાબતો અવગણે તો માનવ હક્કની વાતો ક્યાં માનવાના? કેથોલિક ચર્ચ પણ ઘણી આધુનિક પદ્ધતિઓ સ્વીકારે છે પણ મહિલા ક્ષેત્રે આડા ફાટે છે કે ઊંણા ઊતરે છે. દક્ષિણ અમેરિકાના ઘણા રાષ્ટ્રો ઉપર વિશ્ર્વનું ધ્યાન ઓછું દોરાય છે. બ્રાઝિલમાં આર્થિક પ્રગતિ અને મૂડી રોકાણ ઈત્યાદિની શક્યતાને કારણે અને ફૂટબોલ માટે કે કેરેબિયન વિસ્તાર ઉપર વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમને લીધે અહીં કાંઈક સમાચારમાં આવરાય છે. આ ભૂમિખંડના ઘણા દેશો સ્પેન અને બ્રાઝિલ પોર્ટુગલના તાબામાં હતા તે કારણે કેથોલિક ધર્મનું ત્યાં વર્ચસ્વ છે. અલ સાલ્વાડોરમાં અહીં સરકારી જેલમાં સત્તર સ્ત્રીઓ જેલમાં સબડી રહી છે, કારણ કે તેઓ ગર્ભપાત કરાવતા પકડાઈ છે. બધી અદાલતો એમને જેલમાં બેસાડી રાખવા માગે છે અને હવે માત્ર રાષ્ટ્રપ્રમુખની માફી માન્ય થાય તો જ એ બહેનો કાળી કોટડીમાંથી બચે. આની ક્યાં વાત કરવી? દુનિયામાં નૈતિકતાનો અને સુરાજ્યનો ઠેકો લઈને બેસનારા યુ.એસ.એ.માં પણ સ્ત્રીઓના ગર્ભપાત હક સામે બંને રાજકીય પક્ષોમાં કેટલાક સાંસદો આડા ફાટેલા છે. સ્વશરીર ઉપર સ્વાધિકારની વાત સ્ત્રીઓ માટે એમને માન્ય નથી.