ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મુંબઈ , મંગળવાર, 30 સપ્ટેમ્બર 2014 (11:02 IST)

મુંબઈની 36 વિધાનસભા સીટ પૈકી ગુજરાતીઓને ફાળે માત્ર 11 સીટ આવી

. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મુંબઈ વિધાનસભામાં ગુજરાતીઓને ટિકિટ નહી આપીને અન્યાય કરવાની પરંપરા આ વખતની ચૂંટણીમાં પણ જળવાઈ રહેવા પામી છે. દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં વિધાનસભાની કુલ 36 સીટો આવેલી છે. આ 36 સીટો પૈકી લગભગ 15 થી 20 સીટો એવી છે કે જ્યા ગુજરાતીઓની સંખ્યા વધુ હોય તેઓ હાર જીત માટે કારણભૂત બની શકે છે.  
 
કેન્દ્રમાં સત્તાઘારી પક્ષ ભાજપે મુંબઈમાં સૌથી વધુ સાત  ગુજરાતીઓને ટિકિટ આપી છે. કોંગ્રેસે પણ ત્રણ ગુજરાતીઓને ટિકિટ ફાળવી છે. જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસે એક ગુજરાતીને ટિકિટ આપી છે. ભાજપ સાથે છેડો ફાડનાર શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ગુજરાતી ઉમેદવાર ઉભો રાખ્યો નથી. આમ કરીને આ બંને પક્ષોએ ગુજરાતીઓની અવગણના કરી છે. 
 
ભાજપે જે સાત ગુજરાતી ઉમેદવારો ઉભા રાખ્યા છે. તેમા મુંબાદેવીથી અતુલ શાહ, માગાઠાણેથી હેમેન્દ્ર મહેતા, ચારકોપથી યોગેશ સાગર ભાડુંપ વેસ્ટથી મનોજ કોટક ઘાટકોપર ઈસ્ટથી પ્રકાશ મહેતા મલાડ ઈસ્ટથી ડો. રામ બારોટ વડાલાથી મિહિર કોટેયાનો સમાવેશ થાય છે. કોંગ્રેસના ઉમેદવારોની વાત કરીએ તો મલબાર હિલથી સુસી શાહ ઘાટકોપર ઈસ્ટથી પ્રવીણ છેડા અને ચારકોપથી ભરત સમાવેશને ટિકિટ ફાળવી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ ધારાવીથી ગોવિંદ પરમારને ટિકિટ ફાળવી છે. 
 
વર્ષોથી મુંબઈમાં વસતા ગુજરાતીઓએ આમચી મુંબઈને ખૂબ આપ્યુ હોવા છતા જે રીતે ટિકિટ ફાળવણીમાં વેતરી નાખવામાં આવ્યા છે. તેનો રોષ ગુજરાતી વિસ્તારોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. કાંદિવલી બોરીવલીમાં એક પણ ગુજરાતીને ટિકિટ નહી આપવામાં આવતા ગુજરાતીઓમાં કચવાટ ફેલાયો છે.  
 
ઘાટકોપર ઈસ્ટ અને ચારકોપ પર બે ગુજરાતીઓનો જંગ 
 
મુંબઈ વિધાનસભા અંતર્ગત 36 સીટ પૈકી માત્ર બે સીટ જ એવી છે. જેમા ગુજરાતી વિરુદ્ધ ગુજરાતીની સીધી ટક્કર થશે. આમાં ઘાટકોપર ઈસ્ટ પરથી ભાજપના પ્રકાશ મહેતાની સામે કોંગ્રેસના પ્રવીણ છેડા તથા ચારકોપ વિધાનસભા સીટ પરથી ભાજપના યોગેશ સાગરની સામે કોંગ્રેસના ભરત પારેખનો મુકાબલો થશે.