ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: અમદાવાદ , શનિવાર, 25 એપ્રિલ 2015 (17:04 IST)

કમોસમી વરસાદને ૫૦ દિવસ જેટલો સમય વિતી ગયા છતાં સરકારે નથી શરૂ કર્યો સરવે

રાજયમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની કરોડરજ્જૂ તૂટી ગઈ છે. કમોસમી વરસાદને આજે ૫૦ દિવસ જેટલો સમય વિતી ગયો છે. છતાં રાજય સરકારે હજુ સર્વે પણ શરૂ કર્યો નથી. જો ૫૦ દિવસ સુધી સર્વે ના થાય તો પછી ખેડૂતોને માટે ગંભીર પ્રશ્ન છે તેમ આજે કોંગ્રેસના મહામંત્રી અને પ્રવકતા નીશીત વ્યાસે જણાવ્યું હતું.

પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને પ્રવકતા નીશીત વ્યાસએે વધુમાં જણાવ્યું હતું કે, કૃષિ, ખેતી, બાગાયતમાં ૫૦ ટકા કરતાં વધુ જગ્યાઓ ખાલી છે. રાજયમાં ૬ લાખ ખેડૂતો વર્ષોથી વીજ કનેકશન વિના રાહ જોઈ રહ્યા છે. યુરિયા-બિયારણના કાળાં બજારનો ભોગ રાજયના ખેડૂતો બને છે. ગુજરાત એક માત્ર એવું રાજય છે જયાં ખાતર પર ચાર ટકા વેટ વસુલાય છે.

કેન્દ્રમાં કોંગ્રેસની સરકારે રાજયમાં રાસાયણિક ખાતરની કુલ જરૂરિયાત કરતાં વધુ ખાતર ગુજરાતને ફાળવ્યું હતું. પરંતુ રાજય સરકારની રાજનીતિને કારણે ગુજરાતના ખેડૂતોના હક્કના ખાતરનો જથ્થો ઉપાડવામાં નિષ્ફળ રહી હતી. ગુજરાતમાં ખેડૂતો અને ખેતી લાયક જમીનમાં ઘટાડો થયો છે. રાજયમાં છેલ્લા ૧૩ વર્ષમાં નર્મદા માઈનોર કેનાલનું માત્ર ૨૪ ટકા કામ જ થયું છે. પરિણામે ગુજરાતના ભાગે આવતું સિંચાઈનું પાણી દરિયામાં ઠલવાઈ જાય છે. બીજી બાજું ગુજરાતના ખેડૂતો સિંચાઈના પાણી વિના હાલાકી ભોગવી રહ્યા છે. આ છે રાજય સરકારનું વોટર મેનેજમેન્ટ !

કૃષિ યુનિવર્સિટીમાં મોટા પાયે ખાલી જગ્યાઓને પરિણામે સંશોધન પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો છે. જેના લીધે આધુનિક ખેતીની વાતો માત્ર કાગળ પર છે તેવા આક્ષેપ કરતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા જમીન સંપાદનમાં નવા સંશોધનના કારણે ગુજરાતના ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે. ખેડૂતો સતત ભયમાં છે કે કયારે સરકાર અમારી જમીન પડાવી લેશે.

અમરેલીમાં લિલિયા તાલુકાના એક ગામમાં ખેડૂતો પર પોલીસ દ્વારા અમાનુષી અત્યાચારને કારણે એક ખેડૂતે જીવ ગુમાવ્યો છે. જામનગરમાં પણ આવી જ ઘટનામાં ખેડૂતને થતાં અન્યાયે આક્રોશનું સ્વરૂપ ધારણ કર્યું છે. આગામી દિવસોમાં સરકારની ખેડૂત વિરોધી નીતિના લીધે અનેક ખેડૂત પરિવારો વેરવિખેર થઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે.