બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 4 મે 2015 (18:17 IST)

કેસર કેરી વિના સિઝન પૂરી થઇ જશે?

કેસર કેરી. આ શબ્દ કાને પડતાંની સાથે જ તમામ ગુજરાતીના મુખમાં પાણી છૂટે જ એમ કહેવું જરા પણ અસ્થાને નથી. પરંતુ આ વખતે એટલે કે ચાલુ વર્ષે ગુજરાતીઓની હોટ ફેવરિટ એવી કેસર કેરી દુર્લભ બની રહે તેવા એંધાણ છે.

છેલ્લા બે માસમાં બેથી ત્રણ વખતના કમોસમી વરસાદ/ માવઠાના કારણે કેસર કેરીના મુખ્ય મથક ગણાતા જૂનાગઢ/ ગીર/ તાલાલા પંથકમાં કેરીના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. જૂનાગઢ અને ગીર- સોમનાથ જિલ્લામાં તાલાલા, ઉના, વિસાવદર, માળિયા, વંથલી અને ગિર ગઢડા તાલુકામાં રહેલા અસંખ્ય આંબાવાડિયામાં રહેલા કેરીના પાકને કમોસમી વરસાદના કારણે ૯૦ ટકા સુધી નુકસાન થયું હોવાના અહેવાલો છે.

સર્જાયેલા આ પ્રતિકૂળ માહોલના કારણે કેસર કેરીના મુખ્ય મથક એવા તાલાલા માર્કેટ યાર્ડમાં કેરીની સિઝન વીસેક દિવસ મોડી આવે એટલે કે તા. ૧૫મે આસપાસ શરુ થવાની શક્યતા છે. છેલ્લા બે માસમાં છાશવારે થયેલા માવઠાના કારણે આ પાકને ખાસ્સું એવું નુકસાન થયું હોવાના કારણે આ વર્ષે આવકનું પ્રમાણ નીચું રહેવાની ગણતરી મુકાઈ રહી છે.

સમગ્ર પરિસ્થિતિથી વાકેફ સૂત્રોના જણાવ્યા મુજબ ગત વર્ષે પણ કુદરતી આફતોના કારણે સિઝન ટૂંકાઈ ગઈ હોય તે સ્થિતિ ચાલુ વર્ષે પણ જોવા મળશે. એક અંદાજ મુજબ ચાલુ વર્ષે કેેસર કેરીની સિઝન ૨૦થી ૨૫ દિવસ, ટૂંકમાં વધુમાં વધુ એક માસની રહે તેવો અંદાજ મુકાયો છે. આ ટૂંકી સિઝન દરમિયાન આવકો ઘટીને ૫થી ૬ લાખ ટન આસપાસ રહેવાનો અંદાજ છે. આ સંજોગોમાં ચાલુ વર્ષે કેરીની આવક અને ગુણવત્તા ઉપર તેના ભાવનો આધાર રહેશે. ગત વર્ષની તુલનાએ કેસરના ભાવમાં વીસેક ટકાનો વધારો થાય તેવી શક્યતા આ વર્તુળોએ વ્યક્ત કરી હતી.

આ સ્થિતિ માત્ર ગુજરાતની જ હોય તેમ નથી. દેશભરમાં કમોસમી વરસાદને કારણે કેરીના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. કેરીના ટોચના પાંચ ઉત્પાદક રાજ્યોમાં ગુજરાતનો હિસ્સો ૬ ટકા છે. ચાલુ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન સરેરાશ ૫૦ ટકા જેટલું ઘટે તેવા સંકેતો છે. કેરીના ઉત્પાદનમાં ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ ૨૪- ૨૪ ટકા હિસ્સો સાથે દેશમાં મોખરે રહ્યા છે.

દેશમાં કેરીનું કુલ ઉત્પાદન ૧૫૦ (૧૮૦) લાખ ટન આસપાસ રહી જશે તેવા સંકેતો છે. આમ સરેરાશ ઉત્પાદનમાં ૨૦ ટકાનો ઘટાડો થાય તેવી શક્યતા છે. ઉત્તર પ્રદેશમાં ૩ લાખ હેક્ટરમાં ઉત્પાદન છે. જેમાં ૩૮- ૪૦ લાખ ટન ઉત્પાદન થાય છે. પરંતુ કમોસમી વરસાદના કારણે મેમાં ઘટાડો થશે તેમજ ભાવ પણ એવરેજ ૨૦થી ૨૫ ટકા ઊંચા રહેશે.