શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 25 જુલાઈ 2014 (10:28 IST)

તમારી પાસે દેશને ફાયદો કરાવે તેવા વિચારો છે?, તો મોકલો નરેન્દ્ર મોદીને

હવે દેશમાં પૈસા જમા કરાવવા માટે નહિ પરંતુ આઇડિયા (વિચાર) જમા કરાવતી બેંક ખુલવા જઇ રહી છે. તમારી પાસે જો દેશના અર્થતંત્રના વિકાસને લઇને સુચન હોય તો તમારૂ સ્‍વાગત છે. સરકાર આ આઇડિયાઝને બેંકમાં જમા કરાવશે, તેના ઉપર વિચાર થશે અને પસંદ આવ્‍યે તેનો અમલ પણ થશે. આ બેંકનું નામ હશે ડિટેઇલ પ્રોજેકટ રિપોર્ટ (ડીપીઆર) બેંક. તેની સ્‍થાપના ૯મી ઓગષ્‍ટે થવાની સંભાવના છે.

   વડાપ્રધાન મોદીનું માનવુ છે કે, નવા આઇડિયા સાથે દેશના અર્થતંત્રનો વધુ વિકાસ થઇ શકે તેમ છે. તેમણે પ્રધાનો અને ઓફિસરો પાસે નવા આઇડિયા માંગ્‍યા છે. તેમાં નવીનત્તા લાવવા માટે આમા લોકોની ભાગીદારી વધારી દેવામાં આવી છે. નાણા રાજય મંત્રી નિર્મલા સીતારામનનું કહેવુ છે કે, નવા અને ઇનોવેટીવ આઇડિયા સાથે જ દેશના વિકાસની ગતિમાં સ્‍થિરતા લાવી શકાશે.

   આ બેંક માત્ર હવામાં આઇડિયા નહી માંગે, તેમાં સરકાર તરફથી શરૂ કરવામાં આવેલા પ્રોજેકટ, પ્‍લાનીંગ અને પોલીસીની વિગતો અપાશે. દા.ત. સરકાર બેંકની સાઇટ ઉપર એ વાત જણાવશે કે દેશમાં આર્થિક વિકાસનો દર ૬ ટકા રહેવો જોઇએ, આ માટે તે એફડીઆઇ વધારશે અને પીપીપી મોડલને પ્રોત્‍સાહન આપશે. હવે લોકોને આ સંબંધમાં પુછાશે કે આ સિવાય વધુ શું શું થઇ શકે તેમ છે. જો સરકાર લોકો માટે હાઉસીંગ પ્રોજેકટ શરૂ કરવા ઇચ્‍છતી હોય તો આ પ્રોજેકટ અને તેના ફંડ અંગે વિગતો આપશે. પ્રોજેકટના અમલ પર લોકો પાસે વિચારો મંગાશે. સુત્રોના જણાવ્‍યા પ્રમાણે જયારે કોઇ પ્રોજેકટ પર અંતિમ ફેંસલો હશે તો તેમાં એ વાતનો ઉલ્લેખ હશે કે તેમાં લોકોના કેટલા નવા આઇડિયા સામેલ કરવામાં આવ્‍યા. સરકારના આ વિચારથી ફાયદો એ થશે કે લોકોને સરકાર સાથે જોડવાની તક મળશે. સરકારી કામોમાં પારદર્શિતા પણ આવશે. સુત્રો કહે છે કે ચીન, સિંગાપુર, હોંગકોંગ જેવા દેશોના આર્થિક વિકાસનું મુખ્‍ય કારણ એ છે કે સંવાદને વધુ મહત્‍વ આપવામાં આવ્‍યુ હતુ. સિંગાપુરમાં જો કોઇ શહેરમાં કોઇ પ્રોજેકટ બને તો એ પ્રોજેકટ અંગે એ શહેરના લોકોના સુચનો માંગવામાં આવે છે કે જેથી પ્રોજેકટને કોઇ ટેકનીકલ મુશ્‍કેલી ન આવે. ચીનમાં જો કોઇ ટાઉનશીપ વિકસે તો એક ક્ષેત્રની આસપાસના શહેરોના લોકોના સુચનો લેવામાં આવે છે. આવુ એટલા માટે થાય છે કે ટાઉનશીપ બન્‍યા બાદ વર્ષો સુધી લોકોને વાહન વ્‍યવહાર, વિજળી, પાણી કે અન્‍ય કોઇ પરેશાની ન આવે.