ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 29 જાન્યુઆરી 2015 (11:25 IST)

પાકિસ્તાનનાં ત્રાસથી ભારતમા ગેરકાયદેસર વસેલા હિન્દુઓને મળશે ભારતીય નાગરિકત્વ

પાકિસ્તાનમાંથી ત્રાસથી ભારતમા ગેરકાયદેસર આવીને વસેલા અનેક હિન્દુ માઇનોરિટી નાગરિકો હોવાનો કલેકટર ઓફિસનો અંદાજ છે. સામાન્ય રીતે સિંધ પ્રાંતમાંથી અનેક પાકિસ્તાની હિન્દુ નાગરિકો કચ્છની સીમા પાર કરીને ભારતમાં આવે છે અને અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વસવાટ કરવા માંડે છે. સાત વર્ષથી વધુ સમયથી આ રીતે ગેરકાયદેસર રહેતા લોકોની યાદી મળી રહે અને તેઓને શકય હોય તો ભારતીય નાગરિકત્વ આપી શકાય તે માટે અમદાવાદ કલેકટર ઓફિસે ૨૯ અને ૩૦મીએ કલેકટર ઓફિસ ખાતે કેમ્પનું આયોજન કર્યુ છે.

કલેકટર ઓફિસના સુત્રોના જણાવ્યાં અનુસાર છેલ્લા એક વર્ષમાં ૮૮ વિદેશી નાગરિકોની ભારતીય નાગરિકત્વ મેળવવા માટે અરજી મળી છે જેમાંથી ૮૪ નાગરિકો પાકિસ્તાની છે. આ તમામની અરજી પર જરૃરી રિમાર્કસ લખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મંજુરી માટે મોકલી આપી છે. જે લોકો ઓનલાઈન અરજી કરી શકતા નથી તેમના માટે કેમ્પનું આયોજન કર્યુ છે. આ કેમ્પમાં આવનારા નાગરિકોએ ભારતીય નાગરિકત્વ મેળવવા માટે નિયત ફોર્મમાં અરજી કરવાની રહેશે, પોતાનો ઓરિજનલ પાસપોર્ટ રજૂ કરવાનો રહેશે, જન્મ તારીખ અને જન્મસ્થળ માટેનું સોગંદનામું રજૂ કરવાનું રહેશે, અલગ અલગ ભારતીય નાગરિકો પાસેથી મેળવેલા બે કેરેકટર્સ સર્ટીફિકેટ રજૂ કરવાના રહેશે અને ત્રણ સ્પેસીમેન સિગ્નેચર બે નકલમાં રજૂ કરવાના રહેશે.
જે પાકિસ્તાની નાગરિક ભારતીય નાગરિક સાથે લગ્ન કરીને ભારતમાં વસવાટ કરતાં હોય તેમણે લગ્નના પુરાવા અને પાસપોર્ટ જોડવાના રહેશે. તમામ નાગરિકો અત્યારે અમદાવાદ જિલ્લામાં જયાં રહે છે તેના રહેઠાણનો ઓરિજનલ પુરાવો પણ રજૂ કરવાનો રહેશે.