શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :અમદાવાદ, , શુક્રવાર, 9 ઑક્ટોબર 2015 (16:23 IST)

મા ભદ્રકાળીના આશીર્વાદથી નવા વર્ષની શરૂઆત કરશે વડા પ્રધાન નરેન્દ્ર મોદી

રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમનું નવું વર્ષ તેઓ મા ભદ્રકાળીના આશીર્વાદથી શરૂ કરશે. મોદી દિવાળીના બીજા દિવસે એટલે કે નવા વર્ષની શુભ શરૂઆતે સવારના ૭-૦૦ કલાકે અમદાવાદના આંગણે આવી રહ્યા છે. તેમના નિયત થયેલા કાર્યક્રમ અનુસાર સવારે ૭-૦૦ કલાકે તેઓ સીધા મા ભદ્રકાળીનાં દર્શને જશે.

ત્યાર બાદ તેમનાં માતુશ્રી હીરાબાના આશીર્વાદ લેવા તેમના નિવાસસ્થાને જશે. ત્યાં તેઓ નવા વર્ષની શુભકામનાઓ સાથે તેમનાં પરિવારજનોને મળશે અને ત્યાર બાદ છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા પાટીદાર આંદોલન અન્વયે મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલની સાથે ગુજરાતની સ્થિતિની ચર્ચા કરશે અને ત્યાર બાદ તેઓ પાટીદાર નેતાઓને પણ મળશે. બપોરે ૧ર-૦૦ વાગ્યે દિલ્હી જવા રવાના થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન મોદી તેમના જન્મદિન નિમિત્તે હંમેશાં મા હીરાબાને રૂબરૂ મળીને આશીર્વાદ લેતા રહ્યા છે તેમજ નવરાત્રિ દરમિયાન નિયમિત રીતે તેઓ મા ભદ્રકાળીના આશીર્વાદ મેળવે છે. આ વર્ષે આ બંને મહત્ત્વના દિવસોમાં તેઓ ગુજરાતની મુલાકાતે આવી શક્યા નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ શરૂ થતું નવું વર્ષ એટલે દિવાળી પછીના દિવસે બેસતા વર્ષ નિમિત્તે તેઓ અમદાવાદ-ગાંધીનગરની ટૂંકી મુલાકાતે આવી રહ્યા છે, જેના કારણે ભાજપના કાર્યકર્તાઓ સહિતના સંગઠન અને પ્રધાનમંડળ તેમજ આગેવાનોમાં નવો પ્રાણ ફુંકાયો છે. મોદીના આવવાના સમાચાર માત્રથી નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ જોરદાર રીતે શરૂ કરી દેવાઇ છે.