મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 17 જાન્યુઆરી 2017 (13:15 IST)

1000થી વધુ ગાડીના કાફલા સાથે હાર્દિક પટેલ રતનપુર બોર્ડર પહોંચ્યો

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ રાજસ્થાનથી ગુજરાત આવવા રવાના થઈ ગયો છે. આશરે 1000 જેટલી ગાડીઓના કાફલા સાથે હાર્દિક પટેલ રતનપુર બોર્ડ ઉપર પહોંચ્યો છે.  રાજ્યભરમાંથી પાટીદારો સ્વાગત માટે ઉમટી પડનાર હોય ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શામળાજી ખાતે 700થી વધુ પોલીસકર્મીઓનો કાફલો સવારથી જ ખડેપગે તૈનાત કરી દેવામાં આવ્યો છે.આજે હિંમતનગરમાં બપોરે 2-30 વાગે યોજાનારી પાટીદાર હુંકાર સભામાં હાર્દિક દ્વારા ત્રીજા તબક્કાના આંદોલનનું રણશિંગુ ફૂંકશે. રાજ્ય સરકાર અને આઇબી સહિતની એજન્સીઓ આ કાર્યક્રમ ઉપર ચાંપતી નજર રાખી રહી છે. સભામાં એક લાખથી વધુ પાટીદારો ઉમટી પડવાનો અંદાજ પાસ સમિતિએ લગાવ્યો છે. આજે સવારે હાર્દિકે કહ્યું હતું કે ગુજરાત જઇ રહ્યો છું, ગુજરાતની ધરાને નમન. આજે રતનપુર બોર્ડરથી હાર્દિક ગુજરાતમાં એન્ટ્રી કરશે ત્યારે વિવિધ સમાજો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. હાર્દિક રોડ શો કરી બપોરે 2-30 વાગે હિંમતનગર ખાતે સહકારી જીન પાસે મોડાસીયા કડવા પાટીદાર સમાજની વાડીમાં યોજાયેલી પાટીદાર હુંકાર સભામાં પહોંચી સંબોધન કરશે. ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે હાર્દિક પટેલે છ માસ સુધી રાજસ્થાનના ઉદેપુરમાં રોકાણ કર્યું હતું.દરમિયાન 17 જાન્યુઆરીએ હાર્દિક પટેલ ગુજરાતમાં પ્રવેશ કરનાર છે. આ સમયે અરવલ્લી ઉપરાંત આણંદ, નડિયાદ, ખેડા અને રેલ્વે પોલીસ રતનપુર બોર્ડર ખાતે ખડેપગે રહેશે. 700થી વધુ પોલીસનો કાફલો વહેલી સવારથી જ રતનપુર બોર્ડરથી અરવલ્લી જિલ્લાની હદ રાજેન્દ્રનગર ચોકડી સુધી સ્ટેન્ડટુ રહેશે. શામળાજી ખાતે પાંચ ડીવાયએસપી, છ પીઆઈ, 31 પીએસઆઈ સહિત એસઆરપી અને હોમગાર્ડ જવાનોને બંદોબસ્તમાં ગોઠવી દેવાયા છે.પાસ કોર કમિટીના સભ્ય દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, હિંમતનગરની સભામાં ઉપસ્થિત રહેનારા એક લાખથી વધુ પાટીદારોની સુવિધા અર્થે 8 હજારથી વધુ કાર્યકર્તા ખડેપગે હાજર રહેશે. આગિયોલ, કાંકણોલ સહિતની જગ્યાઓએ પાર્કિંગની વ્યવસ્થા કરાઇ છે. ફૂડ પેકેટના સ્ટોલ, પાણીના સ્ટોલ અને મેડીકલ હેલ્પની વ્યવસ્થા પણ કરાઇ છે. પાસ કમિટી વતી મનોજ પનારાએ સભાની મંજૂરી માંગી છે. સભામાં સમાજના 24 જેટલા અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. એક વિભાગમાં મુખ્ય કન્વીનરો, જિલ્લા કન્વીનરો, બીજા વિભાગમાં મુખ્ય આંદોલનકારીઓ, સાધુ-સંતો, સમાજના અગ્રણીઓ ઉપ સ્થિત રહેશે. સભામાં મહિલાઓ અને પુરુષો માટે અલગ અલગ વ્યવસ્થા કરાઇ છે.