ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદઃ , ગુરુવાર, 28 મે 2015 (16:37 IST)

ધોરણ-12 સાયન્સનું 86.10 ટકા પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૧૫માં લેવાયેલી ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર ૪ની પરીક્ષાનું પરિણામ કુલ ૮૬.૧૦ ટકા જાહેર થયું છે. જે ગત વર્ષ કરતા 8.04 ટકા અોછું અાવ્યું છે. સાથે સાથે ગુજકેટનું પરિણામ પણ આજે જાહેર થયું છે. હંમેશની માફક આ વર્ષે પણ વિદ્યાર્થિનીઓ મેદાન મારી ગઈ છે. રાજ્યનાં કુલ ૧૨૯ કેન્દ્ર પરથી ૧,૨૫,૫૧૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૧,૦૮,૦૭૧ વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે.

વિદ્યાર્થીઓનાં પરિણામની સરખામણીએ વિદ્યાર્થિનીઓનું પરિણામ .૬૬ ટકા વધારે રહેતા વિદ્યાર્થિનીઓ આગળ રહી છે. રાજ્યમાં રાજકોટ જિલ્લો ૯૬.૧ ટકા સાથે સર્વપ્રથમ રહ્યો છે. ગ્રેડ એ ૧ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણમાં ઓછી એટલે કે ૪૨૭ જેટલી રહી છે. માધ્યમની સરખામણીએ અંગ્રેજી માધ્યમની તુલનાએ ગુજરાતી માધ્યમનું પરિણામ .૫૩ ટકા વધુ રહ્યું છે, જ્યારે હિન્દી, મરાઠી અને ઉર્દૂ માધ્યમે ૧૦૦ ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે. ૯૮.૦૯ ટકા પરિણામ સાથે અમદાવાદ શહેરના અસારવા કેન્દ્રએ મેદાન માર્યું છે. અમદાવાદ શહેરનું કુલ પરિણામ ૯૩.૫૩ ટકા, જ્યારે અમદાવાદ ગ્રામ્યએ ૯૫.૫૪ ટકા પરિણામ ગ્રેડવાઇઝ પ્રાપ્ત કર્યું છે. પરીક્ષામાં ગેરરીતિના મામલે અમદાવાદના પાંચ સહિત કુલ ૨૧૪ વિદ્યાર્થીનું ભાવિ પરિણામ અનામત રાખવામાં આવ્યું છે.

આજે ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયું છે તે મુજબ ગુજકેટની પરીક્ષામાં બી ગ્રૂપ અને એ-બી ગ્રૂપ મળીને કુલ ૫૯૮૧૧ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે રજિસ્ટર્ડ થયા હતા. જેમાંથી ૫૯૧૯૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. બી ગ્રૂપમાં ૫૯૯ વિદ્યાર્થીઓએ ૯૯થી વિદ્યાર્થીઓએ પર્સન્ટાઈલ મેળવ્યા છે. જ્યારે ૮૦થી ઓછા પર્સન્ટાઈલ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૧૧૮૮૦ રહી હતી.

અમદાવાદ શહેરનું અસારવા કેન્દ્ર ૯૮.૦૯ ટકા સાથે રાજ્યનું સૌથી ઊંચુ પરિણામ ધરાવતું પ્રથમ કેન્દ્ર રહ્યું છે. જ્યારે રાજ્યના છોટાઉદેપુર કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ ૨૧.૯૯ ટકા જાહેર થયું છે. રાજ્યનાં સૌથી વધુ પરિણામ ધરાવનારા કેન્દ્રમાં ગોંડલે મેદાન માર્યું છે. ગોંડલ કેન્દ્ર ૯૯.૭૩ ટકા પરિણામ સાથે પ્રથમ રહ્યું છે. ચાલુ વર્ષે સીસીટીવી અને ટેબ્લેટના કૂટેજ જોઈને જે સુપરવાઈઝર (શિક્ષક) તેમની કામગીરીમાં નિષ્ક્રિય કે ઉદાસીન રહ્યા હોવાનું જણાવ્યું છે તેમને નોટિસ આપીને નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થતાં પરીક્ષાર્થીઓની વર્ષ દરમિયાન વિવિધ સેમેસ્ટર અને પૂરક પરીક્ષાની કામગીરી સતત ચાલે છે. ઓછા કર્મચારી ગણના સહકારથી સમય મર્યાદામાં આ કામગીરી પૂર્ણ કરવી એ કઠિન કાર્ય છે. રાજ્યમાં ૧૦ ટકાથી ઓછું પરિણામ ધરાવતી નવ શાળાઓ નોંધાઈ છે.