ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 23 જાન્યુઆરી 2015 (15:28 IST)

26મી જાન્યુઆરી ખંભાળિયા ખાતેઃ બીજું કાંઇ નઇ અમારું ગામ ચોખ્ખું થઇ ગ્યું - નગરવાસીઓની ટીખળ

આગામી ૨૬ જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ નિમિત્રે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે યોજાવાનો હોવાથી વહીવટી તંત્ર કામે લાગ્યું છે. જાણે દિવાળીની જેમ તમામ સરકારી ઇમારતોને શણગારવામાં આવી છે. સાથે નગરને સ્વચ્છ કરવામાં આવ્યું છે સાથે સાથે માર્ગોનું સમારકામ કરવામાં આવ્યું હોવાથી નગરવાસીઓ એવી ટીખળ કરે છે કે આ પ્રકારના કાર્યક્રમો વારંવાર અહીંયા યોજાતા હોય તો કમસે કમ તેમનું નગર સાફસુથરું તો રહે.

પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા કેટલાક વર્ષો અગાઉથી ગણતંત્ર દિવસના રાજ્યકક્ષાના કાર્યક્રમની પાટનગર ગાંધીનગરથી દૂર અન્ય કોઇ જિલ્લા મથકે કરવામાં આવે છે. આ વખતે ખંભાળીયાનો વારો છે. અહીંના ભાણવડ રોડ પર આવેલ પોલીસ હેડ કવાર્ટર ખાતે આગામી ૨૬મી જાન્યુઆરીના ૬૬મા પ્રજાસત્તાક દિવસે ગુજરાત રાજ્યના રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે ત્રિરંગો લહેરાવવામાં આવશે. નવરચિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે પ્રજાસત્તાક દિનના દિવસે ધ્વજવંદન ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ, રાષ્ટ્રગાન સ્પર્ધા, ટેબલ પ્રદર્શન, યોગ પ્રદર્શન, અશ્ર્વદળ તથા મોટર સાઇકલ શો પણ યોજાશે. ખંભાળિયા પોલીસ હેડ કવાર્ટર ખાતે નૌસેના, વાયુદળ, પાયદળના જવાનો દ્વારા પરેડ કરવામાં આવનાર છે. જ્યારે છેલ્લા પંદર દિવસથી તમામ કાર્યક્રમોનું રિહર્સલ કરવામાં આવી રહ્યુ છે.

કાર્યક્રમોમાં રાજ્યપાલ ઉપરાંત મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ અને પ્રધાન મંડળના સભ્યો ઉપસ્થિત રહેવાના હોવાથી કોઇ કચાશ ના રહે તે માટે તંત્ર દ્વારા પૂર્ણ કક્ષાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર કચેરી, તાલુકા કચેરી, કોર્ટ સહિતની જાહેર ઇમારતો તથા ઐતિહાસિક સ્થળો પર રોશની કરવામાં આવી હોવાથી દિવાળીનો માહોલ સર્જાયો છે. દરરોજ સાફ સફાઇ પણ કરવામાં આવી રહી છે. આમ સમગ્ર નગરની કાયાપલટ કરવામાં આવતા નગરજનો ખુશખુશાલ બની ગયા છે.