શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 27 ઑગસ્ટ 2014 (16:06 IST)

28 થી તરણેતરનાં ભાતીગળ લોકમેળાનો પ્રારંભ

સુરેન્‍દ્રનગર જિલ્લાના થાનગઢ પાસે આવેલ તરણેતર ગામે ત્રિનેત્રેશ્વર મહાદેવની નિશ્રામાં ભાદરવા સુદ ત્રીજ તા. ૨૮/૮/૨૦૧૪ થી ભાદરવા સુદ છઠ્ઠ તા. ૩૧/૮/૨૦૧૪ સુધી ૪ દિવસ માટે લોકમેળો યોજનાર છે. જેમાં તા. ૨૦ મી ઓગસ્‍ટના રોજ સવારના ૧૦ કલાકે મુખ્‍યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલ ઉપસ્‍થિત રહેશે.

   આ લોકમેળામાં ભાદરવા સુદ ત્રીજને તા. ૨૮ ઓગસ્‍ટના રોજ સવારે ૯ કલાકે પંચાયત અને ગ્રામ વિકાસ રાજય મંત્રીશ્રી જયંતિભાઇ કવાડીયા તથા ધારાસભ્‍યો સર્વશ્રી કિરીટસિંહ રાણા અને શામજીભાઇ ચૌહાણના હસ્‍તે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું પુજન તથા દિપ પ્રાગટય, ૧૧:૩૦ કલાકે સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના ઉપક્રમે યોજાનાર ગ્રામીણ રમતોત્‍સવ તથા વિવિધ સ્‍ટોલોનું ઉદ્દઘાટન તેમજ રાત્રિના ૯ કલાકે ભજન સંધ્‍યાનો કાર્યક્રમ યોજાશે. જેમાં રાવટીના સંતો, કલાકારો ભગવાનશ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્‍યમાં ભજન- અર્ધ્‍ય અર્પણ કરશે.

   ભાદરવા સુદ ચોથને તા. ૨૯ ઓગસ્‍ટના રોજ સવારે ૯:૩૦ કલાકથી સાંજના ૫:૩૦ કલાક સુધી મેદાનની વિવિધ રમતોની હરિફાઇ યોજાશે. જેમાં પ્રવાસન અને નાગરિક ઉડયન રાજય મંત્રીશ્રી જયેશ રાદડીયા ઉપસ્‍થિત રહેશે. આ ઉપરાંત સવારના ૧૦ કલાકે પાળિયાદની જગ્‍યાના મહંત પ. પૂ. શ્રી નિર્મળકુંવરબા  અને સંતો મહંતો દ્વારા ધ્‍વજારોહણ કાર્યક્રમ યોજાશે. જયારે રાત્રિના ૯:૩૦ કલાકે માહિતી વિભાગ દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે.

   ભાદરવા સુદ પાંચમને તા. ૩૦ ઓગસ્‍ટના રોજ સવારના ૫:૩૦ કલાકે ગંગા અવતરણ આરતી, સવારના ૯ કલાકે મંદિર સામેના પટાંગણમાં પરંપરાગત રાસ તથા હુડાનો કાર્યક્રમ તથા ૮ થી ૧૧ કલાકે મેળાના મેદાનમાં અશ્વ દોડ, રસ્‍સા ખેંચ હરિફાઇ યોજાશે.

   આ દિવસે સવારના ૧૦ કલાકે મુખ્‍યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલ ઉપસ્‍થિત રહેશે. મુખ્‍યમંત્રીશ્રીની સાથે સામાજિક ન્‍યાય અને અધિકારીતા મંત્રીશ્રી રમણલાલ વોરા, રમત- ગમત રાજય મંત્રીશ્રી નાનુભાઇ વાનાણી, પંચાયત રાજય મંત્રીશ્રી જયંતિભાઇ કવાડીયા તથા પ્રવાસન નિગમના ચેરમેનશ્રી કમલેશભાઇ પટેલ સહિત સાંસદ સભ્‍યશ્રી, ધારાસભ્‍યશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહેશે. જયારે બપોરના ૨ થી સાંજના  ૪:૩૦ સુધી રાસ હરિફાઇ, દોહા હરિફાઇ, છત્રી હરિફાઇ, વેશભૂષા હરિફાઇ તેમજ પાવાની હરિફાઇ યોજાશે. જેનો ઇનામ વિતરણ સમારોહ સાંજના ૬:૩૦ થી ૭:૩૦ કલાકે યોજાશે. આ દિવસે સાંજના ૭ કલાકે ગંગા આરતી તેમજ રાત્રીના ૯:૩૦ કલાકે તરણેતર ગ્રામ પંચાયત દ્વારા લોક ડાયરાનો કાર્યક્રમ યોજાશે.

   તરણેતરના આ લોકમેળામાં દેશ- વિદેશથી મહાલવા આવતા પર્યટકો માટે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા તરણેતરના લોકમેળાને અનુલક્ષીને સ્‍પેશીયલ ટુર પેકેજનું પણ આયોજન કરાયું છે. તદ્દઉપરાંત પ્રતિવર્ષની જેમ આ વર્ષ પણ આવાસ અને ભોજનની સુંદર વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત મેળાની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે સ્‍થાનિક કલાકારો દ્વારા વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.

   ભાદરવા સુદ છઠ્ઠને તા. ૩૧ ઓગસ્‍ટના રોજ સવારે ૭ કલાકે ગંગા વિદાય આરતી અને બપોરના ૧:૩૦ કલાકે મેળાની પૂર્ણાહૂતિ થશે.

   તરણેતરના લોકમેળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત- ગાંધીનગર દ્વારા ગ્રામિણ ઓલમ્‍પિકસનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ગત તા. ૨૮ થી તા. ૩૧ મી ઓગસ્‍ટ દરમિયાન ભાઇઓ તથા બહેનો માટે વિવિધ રમતો યોજાશે. જેમાં તા. ૩૦ મી ઓગસ્‍ટના રોજ ગ્રામીણ ઓલમ્‍પિકસમાં મુખ્‍યમંત્રીશ્રી આનંદીબેન પટેલ તથા સામાજિક ન્‍યાય અને અધિકારીતા મંત્રીશ્રી રમણલાલ વોરા, રમત- ગમત રાજય મંત્રીશ્રી નાનુભાઇ વાનાણી, પંચાયત રાજય મંત્રીશ્રી જયંતિભાઇ કવાડીયા તથા પ્રવાસન નિગમના ચેરમેનશ્રી કમલેશભાઇ પટેલ ખાસ ઉપસ્‍થિત રહી ખેલાડીઓને પ્રોત્‍સાહિત કરશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, સ્‍પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત- ગાંધીનગર આયોજીત આ ગ્રામીણ ઓલમ્‍પીકસ અંતર્ગત ઓપન વિભાગમાં ભાઇઓ માટે ૧૦૦ મીટર દોડ, ૨૦૦ મીટર દોડ, ૮૦૦ મીટર દોડ, ૪× ૧૦૦ મી રીલે, લાંબીકુદ, ગોળાફેંક, નાળિયેર ફેંક, કુસ્‍તી, વોલીબોલ, કબડ્ડી, રસ્‍સાખેંચ, લાકડી ફેરવવી, સ્‍ટ્રોંગેસ્‍ટમેન, લાડવા ખાવાની હરીફાઇ, તથા ઓપન વિભાગમાં બહેનો માટે ૧૦૦ મીટર દોડ, ૨૦૦ મીટર દોડ, ૮૦૦ મીટર દોડ, ૪× ૧૦૦ મી. રીલે, લાંબીકુદ, ગોળાફેંક, કબડ્ડી, ૫૦ મીટર માટલા દોડ અને વોલીબોલ જેવી પરંપરાગત સ્‍પર્ધાનું આયોજન કરાયું છે. જયારે ૧૫ વર્ષથી નાના શાળામાં અભ્‍યાસ કરતા ભાઇઓ અને બહેનો માટે ૧૦૦ મીટર દોડ, ૨૦૦ મીટર દોડ, ૮૦૦ મીટર દોડ અને લાંબી કુદ તેમજ ૧૨ વર્ષથી નાના ભાઇ- બહેનો માટે લંગડીની રમતનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. સ્‍પર્ધામાં વિજેતા ખેલાડીઓને આકર્ષક રોકડ પુરસ્‍કાર એનાયત કરવામાં આવશે.