શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 4 નવેમ્બર 2016 (14:51 IST)

અમદાવાદમાં ફૂલગુલાબી ઠંડીનો પ્રારંભ, ૧૬.૬ ડિગ્રી તાપમાન

અમદાવાદમાં વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. શહેરમાં ફુલગુલાબી ઠંડીનું આગમન થઈ ચૂક્યું છે. સવાર સાંજના આલ્હાદક માહોલથી શિયાળાનો અહેસાસ વર્તાઈ રહ્યો છે. ઠંડીનો પારો પણ ધીમે ધીમે નીચે ગગડી રહ્યો છે. આજે અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧૬.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું કે જે સામાન્ય તાપમાન કરતા એક ડિગ્રી ઓછું હતું.

આમ તો નવરાત્રોત્સવ દરમિયાન શિયાળાનો ધીમે પગલે પ્રારંભ થઈ જતો હોય છે પરંતુ આ નોરતામાં આકસ્મિકપણે મેઘરાજા અમદાવાદ સહિત રાજ્યભરમાં મહેરબાન થયા હતા. આસો મહિનામાં વરસાદનાં વિઘ્નથી નવરાત્રિના રંગમાં ભંગ પડ્યો હતો. જોકે દિવાળીના આ સપરમા દિવસોમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીએ જમાવટ કરવા લીધી છે.
અમદાવાદમાં બપોરના સમયગાળામાં ગરમી વર્તાઈ રહી છે પરંતુ ઉત્તર પૂર્વથી પૂર્વના પવનોથી વહેલી સવારે અને મોડી સાંજથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે. જોકે હજુ નાગરિકોને ગરમ વસ્ત્રોને કબાટ, પેટી કે માળિયામાંથી કાઢવાની ફરજ પડી નથી. પરંતુ સમગ્ર દિવસભર એક પ્રકારનું મિશ્ર હવામાન શહેરીજનો અનુભવી રહ્યા છે.

રાજ્યમાં અન્ય પ્રમુખ શહેરોની ઠંડી તપાસતાં અમરેલી ૧૪.૬ ડિગ્રી સેલ્સિયસ ઠંડી સાથે આજે રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેર બન્યું છે. નલિયામાં ૧૫.૮, ગાંધીનગરમાં ૧૫.૦, વડોદરામાં ૧૬.૬, સુરતમાં ૧૯.૦૦, ભૂજમાં ૨૧.૬, ડીસામાં ૧૭.૦ ડિગ્રી, દ્વારકામાં ૨૧.૦, વેરાવળમાં ૨૦.૪ અને વલસાડમાં ૧૯.૧ ડિગ્રી સેલ્સિયસ ઠંડી નોંધાઈ છે. દરમિયાન હવામાન ખાતાની આગાહી મુજબ આગામી દિવસોમાં અમદાવાદમાં ઠંડીનું જોર વધીને ૧૫.૦ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાશે. રાજ્યમાં પણ શિયાળાની પક્કડ મજબૂત થતી જશે.