શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 5 ડિસેમ્બર 2016 (16:28 IST)

સુરતમાં ધ બર્નિંગ ટ્રેઈન, એન્જિનમાં અચાનક આગ લાગતાં કલાકો સુધી ટ્રેન વ્યવહાર અટક્યો

કોસંબા નજીક એક ચાલતી ગુડ્ઝ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી જતાં અફરાતફરી મચી ગઈ હતી. જેથી સિયાલજ ખાડીના પૂલ પર જ ટ્રેન ઉભી રહી ગઈ હતી. અને જોત જોતામાં ટ્રેનનું આખું એન્જિન આગળની જવાળાઓમાં લપેટાઈ ગયું હતું. ફાયરબ્રિગેડની ટીમે કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. જો કે, હાઈટેન્શન લાઈન બંધ કરી દેવાતા કલાકો સુધી ટ્રેન વ્યવહાર અટકી પડ્યો હતો. કન્ટેનરોથી ભરેલી ગુડઝ ટ્રેન સવારે સવા આઠ વાગ્યાની આસપાસ સુરતથી અમદાવાદ ડાઉન લાઈન પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન કિમ નદીના બ્રિજ પર લાગેલી આગની જાણ થતાં સિયાલજ ખાડીના બ્રીજ પર ડ્રાઈવરે ટ્રેનને થોભાવી દીધી હતી. અને ટ્રેનમાં રહેલા સાધનો વડે આગ પર કાબુ મેળવવા પ્રયાસો કરવામાં આવ્યાં હતાં. પરંતુ આગ કાબુ બહાર જઈ ચુકી હતી. ગુડઝ ટ્રેનના એન્જિનમાં લાગેલી આગ પાછળનું કારણ જાણી શકાયું નહોતુ. સળગતી ટ્રેનનું એન્જિન નદીના બ્રીજના છેડે ઉભું રહી જતાં ફાયરબ્રિગેડને ત્યાં સુધી પહોંચવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ પાણીનો મારો ચલાવી રહેલા ફાયરના જવાનોને પણ આગ પર કાબુ મેળવતાં દમ આવી રહ્યો છે.વહેલી સવારે સર્જાયેલી આ દુર્ઘટનાને પગલે અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી તમામ ટ્રેનને જે તે સ્થળ પર સ્ટોપેજ આપી દેવાયું હતું. બે કલાક સુધી કર્ણાવતી ટ્રેનને કોસંબા થોભાવી દેવામાં આવી હતી. અને ટ્રેન વ્યવહારને પણ અસર પડી રહી છે. બીજી તરફ સળગતી ટ્રેનની આસપાસ લોકોની ભીડ વધતાં આરપીએફ અને કીમ રેલ્વે પોલીસ પણ મદદે દોડી ગઇ હતી