શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2016 (12:33 IST)

રાજકોટમાં અશ્રુઓ ભરી આંખની ગમગીની, ગણેશ વિસર્જનમાં દુર્ઘટના, બે સગા ભાઈ સહિત 7 ડૂબ્યા, 5નાં મોત

ગણપતિ વિસર્જન વખતે એક સાથે પાંચ-પાંચ યુવકોની જળસમાધિથી વાતાવરણમાં ગમગીની છવાઇ  ગઇ હતી. દુર્ઘટનામાં ભોગ બનનાર સાગર અને વિશાલ તેના માતા-પિતાના બે સંતાનો જ હતા. કારખાનામાં કામ કરતો નીતિન બે બહેનનો એકનો એક ભાઇ હતો, નૈમિષ વાળા બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો જ્યારે ટ્રકચાલક રવિગીરી 3 ભાઇમાં મોટો હતો. મૃતકના પરિવારજનોએ કરેલા આક્રંદથી શોકનું મોજું ફરી વળ્યું હતું. વિશ્વનગર આવાસમાં રહેતા લોકોએ આઠ-આઠ દિવસ સુધી ગણપતિજીની  તમામ કષ્ટ દૂર કરવા અને સુખ આપવા ભગવાને પ્રાર્થના કરી હતી, પરંતુ કુદરતે જાણે કંઇક જુદો જ નિર્ધાર કર્યો હતો. મહોત્સવના નવમા દિવસે બુધવારે સાંજે હનુમાનધારાએ ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરતી વખતે એક સાથે પાંચ યુવકો ડૂબી ગયા હતા. વિસર્જન વખતે એક યુવાન ડૂબવા લાગતાં તેને બચાવવામાં પાંચ જિંદગી પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. ગણપતિના વિસર્જનમાં ભાવવિભોર બનેલા વિશ્વનગરના લોકો આ ઘટનાથી હચમચી ગયા હતા,  તમામ આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા અને અશ્રુનો દરિયો છલકાઇ ગયો હતો. બંને મિત્રો એક જ કારખાનામાં સાથે કામ કરતા હતા. કામ પરથી છૂટીને સાથે ઘરે આવતા અને બંને મિત્રો સાથે જ જોવા મળતા હતા. ગણપતિ વિસર્જન વખતે બંને મિત્રો સાથે ડૂબી જતાં મોતમાં પણ બંનેએ સાથ નિભાવ્યાનો ઉદગાર વિશ્વનગરના લોકોના મુખમાંથી નીકળ્યો હતો. પાણીમાં ડૂબી રહેલા પાંચેય યુવકોની મરણ ચીસો સાંભળી તેની સાથે આવેલા વિસ્તારના લોકો સ્તબ્ધ થઇ ગયા હતા અને યુવકોને બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ પાણીમાં ઝંપલાવી યુવકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કમનસીબી પુરવાર થઇ  હતી. તરવૈયાઓએ સાગર, વિશાલ, નીતિન અને નૈમિષને પાણીની બહાર કાઢ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં ચારેયનાં મોત નીપજ્યા હતા. ટ્રકચાલક યુનિવર્સિટી રોડ પરની રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતો રવિગીરી પાણીમાં ગરક થઇ ગયો હતો અને તે હાથ નહીં આવતા ફાયરબ્રિગેડની મદદ લેવાઇ હતી. ફાયર બ્રિગેડના મરજીવાઓએ પાણી ડખોળતા રવિગીરીની લાશ અંતે હાથ આવી હતી.