ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ. , શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2014 (11:04 IST)

પેટા ચૂંટણીના પ્રચાર પડધમ શાંત, હવે ડોર ટુ ડોર પ્રચારે જોર પકડ્યુ

વડોદરા લોકસભાની બેઠક સહિત રાજ્યની નવ વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર પડધમ બંધ થઈ ચૂક્યા છે.  ચૂંટણી આચારસંહિતા મુજબ મતદાનના 48 કલાક પહેલા જાહેર પ્રચારનું કામકાજ બંધ કરી દેવામાં આવે છે. વડોદરા લોકસભા સહિત ડીસા, ટંકારા લીમખેડા માતર. આણંદ જામખંભાળીયા, મણીનગર, તળાજા અને માંગરોડ વિધાનસભાની પેટા ચૂંટણી માટે શનિવારે તા.13 સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે. 
 
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી અને વડોદરા બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા. મોદીએ વડોદરા બેઠક પરથી રાજીનામુ આપી દેતા આ બેઠક પર પેટા ચૂંટણી યોજાય રહી છે. 
 
પેટા ચૂંટ્ણીઓમા ભાજપના નેતાઓ કોંગ્રેસમુક્ત ગુજરાતના નારાને વધુ આગળ ધપાવવા કમર કસી રહ્યા છે. તો બીજી બાજુ કોંગ્રેસના નેતાઓ પેટા ચૂંટણીઓમાં વિજય મેળવી ફરી રાજ્યમાં કોંગ્રેસને બેઠી કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. ચૂંટણી પ્રચારમાં ભાજપ આગળ રહેવા પામ્યો છે. ભાજપ તેની વન બુથ ટેન યુથની નીતિ પ્રમાણે અને પેજ પ્રમુખો નિયુક્તિ કરી પ્રચાર કાર્યમાં ધમધમાટી બોલાવી દીધી છે. ભાજપના વિવિધ નેતાઓ ઠેર ઠેર ગ્રુપ મીટિંગો યોજી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોના ખાટલા બેઠકો યોજી પ્રચારમાં ગરમી લાવી દીધી હતી.  
 
ભારતીય જનતા પાર્ટી દ્વારા મતદાન મથકને શક્તિ કેન્દ્રોના નામે વિભાજીત કરવામાં આવ્યા છે. અને આ શક્તિ કેન્દ્રોની જવાબદારી પક્ષના અગ્રણી કાર્યકરોને ઈંચાર્જ બનાવી સોપી દેવામાં આવી છે. ભાજપ તરફથી ગુજરાતના પ્રભારી ઓન માથુર. રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરસોત્તમ રૂપાલા સહિતના આગેવાનો જાહેર સભાને સંબોધી રહ્યા છે. 
 
ગુજરાતમાં વરસાદના પગલે વડોદરા સહિત કેટલીક જગ્યાએ જાહેરસભાઓ રદ્દ કરવામાં આવી હતી. આ ઉપરાંત વડોદરાના ઘણા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હોવાથી પ્રચાર કાર્યમાં મુશ્કેલી આવી હતી. આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થઈ જતાની સાથે જ ઉમેદવારો અને પક્ષ દ્ગારા ડોર ટુ ડોર પ્રચારકાર્ય કરવામાં આવશે. 
 
કોંગ્રેસે 50 ટકા બેઠકો જીતવાનો દાવો કર્યો 
 
ગુજરાતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી 50 ટકા બેઠકો જીતવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ પેટા ચૂંટણીમાં ચારથી પાંચ બેઠકો જીતીને પક્ષમાં નવુ જોમ ફૂંકવાનો પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની યોજાયેલી ચૂંટણીમાં ભાજપના સૂપડાં સાફ થઈ ગયા હતા અને તમામ સીટ હારી ગઈ હતી  જેના પરિણામે કોંગ્રેસના કાર્યકરો અને અને આગેવાનોમાં ઉત્સાહનો સંચાર થયો હતો. 


વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.