શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 13 સપ્ટેમ્બર 2014 (16:12 IST)

સાબરકાંઠાના આદિવાસી વિસ્તાર સમા ખેડબ્રહ્મા રાજ્યનો સૌ પ્રથમ વાઇફાઇ તાલુકો બન્યો

અત્યાર સુધી ઇન્ટરનેટ શહેરો સુધી જ સિમિત રહ્યું હતું તે હવે ધીરે ધીરે ગામડાં તરફ પ્રયાણ કરી રહ્યું છે. સાબરકાંઠાના આદિવાસી વિસ્તાર સમા ખેડબ્રહ્મા રાજ્યનો સૌ પ્રથમ વાઇફાઇ તાલુકો બન્યો છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજ્યના ગામોને ક્રમશ વાઇફાઇ કનેકટીવીટીથી સાંકળવાની નેમ વ્યક્ત કરીને ડિજીટલ સેતુનો પ્રારંભ કરાવ્યો હતો. આદિવાસી વિસ્તારમાં હવે હેલ્થ વર્કરો પણ ટેબલેટના માધ્યમથી મહિલાઓને આરોગ્યલક્ષી માહિતી આપશે.

સાબરકાંઠાના ખેડબ્રહ્માના ૩૨ ગામોને વાઇફાઇ કનેકટીવીટી સાથે જોડાયાં છે તે વિશે કલેક્ટર બંછાનિધી પાનીએ જણાવ્યું કે, હવે જયારે ઓનલાઇન રેશનકાર્ડ ઉપલબ્ધ છે ત્યારે પંચાયત ઘરને વાઇફાઇ કનેકટીવીટી સાથે જોડતા ગ્રામજનો સરળતાથી ઓનલાઇન રેશનકાર્ડ મેળવી શકશે. ગામના શિક્ષિત ુયુવાનો યુપીએસસી, બેંક સહિતની પરિક્ષા આપવા માંગતા હશે તો તેના ફોર્મ પણ ઘરબેઠા મેળવી શકશે. આગામી દિવસો વધુ ગામોને વાઇફાઇથી સજજ કરાશે. કોઇપણ વ્યક્તિ પંચાયતઘરમાંથી લોગિન મેળવીને ઇન્ટરનેટનો પણ ઉપયોગ કરી શકશે.

ખેડબ્રહ્માના નવનિર્મિત તાલુકા સેવા સદનના લોકાપર્ણ પ્રસંગે મુખ્યમંત્રીએ આદિજાતિ બાળકો માટે દૂધ સંજીવની યોજનાનો પણ પ્રારંભ કરાવ્યો હતો. આ યોજના હેઠળ વિજયનગર,ખેડબ્રહ્મા તાલુકાના ૨૦ હજાર બાળકોને પોષણક્ષમ આહારરૃપે ફ્લેવર્ડ મિલ્ક આપવામાં આવશે. શિક્ષકો વિચારોનુ આદાનપ્રદાન કરી શકે તે માટે એન્ડ્રોઇડ મોબાઇલ એપ્લિકેશન ઇ-શિક્ષક પ્રોજેક્ટ શરૃ કરાયો છે જેમાં શિક્ષકો શાળામાં થતી કામગીરી થી જ નહીં પણ શિક્ષકોએ કરેલી કામગીરીથી પરિચિત થશે.
સાબરકાંઠા જિલ્લાના આરોગ્યની કામગીરીને વધુ વેગવંતી બનાવવાના ભાગરૃપે હેલ્થ વર્કરોને ટેબલેટની સુવિધા અપાઇ છે. ટેબલેટથી હેલ્થ વર્કરો મહિલાઓને ડાયરિયા થાય તો તેની પ્રાથમિક સારવાર માટે શુ કરવું , સ્તનપાન કરાવવું કેમ મહત્વપૂર્ણ છે , બાળકને કેમ પોષણક્ષમ આહાર આપવો જોઇએ તે સહિતની માહિતી આપશે. હાલમાં પ્રાથમિક તબક્કામાં કુલ ૯૦ ટેબલેટ હેલ્થ વર્કરોને આપવામાં આવ્યાં છે.