શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 19 જાન્યુઆરી 2016 (17:10 IST)

અલંગનાં જહાજ રિસાયક્લિંગ ઉદ્યોગને ફરીથી જીવતો કરાશે

ગુજરાતમાં અલંગ ખાતેના દોઢ લાખથી અધિક લોકોને પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારી આપતા જહાજ રિસાયક્લિંગ ઉદ્યોગના સતત વિકાસ માટેની પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકારે નવી નીતિ-અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકારના પ્રવકતા પ્રધાન સૌરભ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, પર્યાવરણ માટે સાનુકૂળ તથા ઇકોફ્રેન્ડલી આ ઔદ્યોગિક પ્રવૃતિને યોગ્ય દિશા અને બળ આપવા રાજ્ય સરકાર અને ગુજરાત મેરીટાઇમ બોર્ડની પ્રતિબદ્ધતારૂપે આ નીતિ ઘડવામાં આવી છે.

તેમણે એવું પણ કહ્યું હતું કે વિશ્ર્વનો સૌથી મોટો ગણાતો જહાજો તોડવાનો ઉદ્યોગ અત્યારે મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ ઉદ્યોગને પુન:સજીવન કરવા માટે તથા તેના વિકાસ માટે નવી પહેલ કરી છે.

તેમણે નવી નીતિની વિશેષતાઓની છણાવટ કરતાં જણાવ્યું હતું કે, આ નીતિમાં પ્લોટના ઉપયોગની પરવાનગીનો સમયગાળો ૫ાંચ વર્ષથી વધારીને ૧૦ વર્ષ જેટલા લાંબા સમય માટે દરખાસ્ત કરાઈ છે. પ્લોટ ડેવલપમેન્ટ/ પ્રીમીયમ ચાર્જ ૨૭૦ રૂપિયા પર ચો. મીટર રહેશે, પ્લોટનું ભાડું રૂ. ૮૦ પ્રતિ ચો.મીટર રહેશે.

એલ.ડી.ટી. ચાર્જિસ રૂ. ૧૩પ પ્રતિ એલ.ડી.ટી. નક્કી કર્યા છે. એલ.ડી.ટી. ચાર્જિસની ગણતરી બજારના ચઢાવ-ઉતાર તેમ જ જહાજ ખરીદીના આંતરરાષ્ટ્રીય દરો તેમ જ સ્થાનિક સ્ટીલ ઇન્ડેક્ષને ધ્યાને લઇને નક્કી કરવામાં આવશે. મોટું જહાજ અંદર આવી શકે અને કાર્યક્ષમતામાં વધારો થઈ શકે તે હેતુથી પ્લોટની લંબાઈ અને પહોળાઈમાં વધારો કે ઘટાડો કરવો, નવું જોડાણ કરવું, સમાયોજન કરવું તથા પ્લોટનું રીએલાઈમેન્ટ કરવા જેવી બાબતોમાં છુટછાટ આપીને આ નવી નીતિમાં શિપ રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીને પૂરતું પ્રોત્સાહન આપી મંદીના વમળોમાંથી બહાર લાવવાનું દૂરોગામી આયોજન કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યું છે, તેવું પણ પટેલે જણાવ્યું હતું.