ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 23 નવેમ્બર 2015 (16:47 IST)

કોંગ્રેસની હાઇકોર્ટમાં પિટિશન કરવાની ચીમકી

ગઇકાલે યોજાયેલી છ મ.ન.પા.ની ચૂંટણીમાં અમદાવાદમાં લાખ સહિત રાજ્યના અનેક મતદારોના નામ મતદારયાદીમાંથી ડીલિટ થઇ જવાના મુદ્દે કોંગ્રેસ કાયદાકીય લડત આપી દેવાના મૂડમાં હોય તેવી માહિતી પ્રાપ્ત થઇ રહી છે. કોંગ્રેસના આંતરિક વર્તુળોથી મળતી માહિતી પ્રમાણે મતદાન પછી કોંગ્રેસે પક્ષના લીગલ સેલના એડવોકેટ્સ સાથે ચર્ચિવિચારણા કરી હતી. ત્યારબાદ પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલની આગેવાનીમાં કોંગ્રેસનું એક પ્રતિનિધિ મંડળ ફરીથી કલેક્ટર કચેરીએ પહોંચ્યું હતું. જેમાં ડીલિટ થયેલા મતદારોના રિ-ઇલેક્શનની માંગ કરાઇ હતી. આ રિ-ઇલેક્શન ન અપાયતો પરિણામો બાદ કોંગ્રેસ હાઇકોર્ટમાં ઇલેક્શન પિટિશન કરે તેમ જાણવા મળી રહ્યું છે.
 
કોંગ્રેસના આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સિદ્ધાર્થ પટેલની આગેવાનીમાં કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યું હતું. જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે,મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે દરેક મતદારને મતદાનનો અધિકાર આપવો જ પડે. તેથી જે મતદારોના નામ કમી યાદીમાં ના હોય અને ડીલિટ થયા હોય તે તમામનું રિ-ઇલેક્શન કરવામાં આવે. દરેક બુથમાં 200-300 મતદારોના નામ ડીલિટ થયા હોવાથી નવેસરથી તેમને મતદાન કરવા દેવું જોઇએ. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે, આ રજૂઆત પ્રમાણે રિ-ઇલેક્શન ન અપાય તો કોંગ્રેસ હાઇકોર્ટમાં ઇલેક્શન પિટિશન કરશે.
 
આ ઇલેક્શન પિટિશન કરવા માટે પણ કોંગ્રેસ દ્વારા તેના લીગલ સેલ સાથે પરામર્શ કરાયો હતો. જે પ્રમાણે કોંગ્રેસને જો ઇલેક્શન પિટિશન કરવાની જરૂર પડે તો તેઓ બીજી ડિસેમ્બરે પરિણામો જાહેર થયા પછી જ કરશે. કેમ કે પરિણામો પહેલાં પિટિશન કરે અને જો ભાજપ હારે તો તે કોંગ્રેસની પિટિશનનો લાભ લઇ શકે છે. તેથી કોઇ પણ પ્રકારની પિટિશન કરતાં પહેલાં કોંગ્રેસને પરિણામોની રાહ જોવા સલાહ અપાઇ છે.