શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 26 નવેમ્બર 2016 (10:39 IST)

ખેડૂતો અને ગરીબો માટે વ્યવસ્થા કરો નહીં તો 48 કલાકમાં ઉગ્ર આંદોલન : અલ્પેશ ઠાકોર

પીએમ મોદી દ્વારા 500 અને 1000ની ચલણી નોટો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેને પગલે લોકોને ભારે હાલાકીઓ વેઠવી પડી રહી છે. ત્યારે લોકોને પડતી મુશ્કેલી અંગે ઠાકોર સેનાના આગેવાન અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, કાળું નાણું વ્હાઈટમાં ફેરવાઈ ગયું છે. માત્ર ગરીબ લોકોને જ મુશ્કેલી વેઠવી પડે છે. જે બેંકોમાં લાઈન લાગે છે તેમાં એકપણ ઉદ્યોગપતિઓ કે અધિકારીઓ દેખાતા નથી. ખેડૂતો અને ગરીબો માટે તાકીદે વ્યવસ્થા નહિ થાય તો 48 કલાકમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ઓબીસી, એસસી, એસટી એકતા મંચના અલ્પેશ ઠાકોર રાજકોટની મુલાકાતે આવ્યા હતા અને પત્રકાર પરિષદ સંબોધી માહિતી આપતા જણાવ્યું હતું કે, પીએમ દ્વારા લેવાયેલો નિર્ણય આવકારદાયક છે. પરંતુ તેની સામે લોકોને પડતી મુશ્કેલીઓ અંગે પણ થોડું વિચારવું જોઈએ. કાળુંનાણું બહાર લાવવા જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમાં એકપણ ઉદ્યોગપતિ કે મોટા અધિકારીઓ બેન્કની લાઈનમાં જોવા મળ્યા નથી. માત્ર ગરીબ પ્રજા પોતાના પરસેવાની કમાણી જ બેંકમાં જમા કરાવી રહી છે. ગરીબોના પૈસા બેંકમાં જમા થઇ રહ્યા છે.જો કાળું નાણું બહાર લાવવું હોય તો મોટા ઉદ્યોગપતિઓ અને અધિકારીઓના ઘરે દરોડા પાડો અને 10 વર્ષ પહેલા તેઓની પાસે કેટલી મિલકત હતી અને અત્યારે કેટલી મિલકત છે તેવી તપાસ કરાવો તો જ કાળું નાણું બહાર આવી શકશે પરંતુ તે પહેલા નાના ધંધાર્થીઓ, ખેડૂતો અને ગરીબ પરિવારોને જે અવ્યસ્થાનો સામનો કરવો પડી રહ્યો છે તેમાં સુધારો કરવામાં આવે તેવી માંગ કરી હતી. તેમજ ગરીબોની ગરીબી દૂર કરવા માટે 15 લાખને બદલે અઢી લાખ રૂપિયા જમા કરાવવામાં આવે તેવી માંગ કરી હતી. નાના ધંધાર્થીઓ અને ગરીબ પરિવારોને પડતી મુશ્કેલી અંગે તાકીદે કોઈ વ્યવસ્થા નહિ કરવામાં આવે તો 48 કલાકમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી અલ્પેશ ઠાકોરે ઉચ્ચારી હતી. તેમજ ઠાકોર સેનાએ આરબીઆઇ અને ઈન્ક્મ ટેક્ષ સહિતની ઓફિસો બહાર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.