શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 ડિસેમ્બર 2016 (14:23 IST)

ગુજરાતમાં 17036ની વસતિ દીઠ એક ડૉક્ટર સેવા આપે છે

હેલ્થ પોલીસી જાહેર કરીને ભાજપ સરકારે છેવાડાના માનવીને તબીબી સુવિધા મળી રહે તેવી ગુલબાંગો પોકારી છે પણ વાસ્તવમાં આજેપણ ગુજરાતના ગામડાઓમાં સરકારી હોસ્પિટલોમાં ડૉક્ટરો જ નથી. એક રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં ૧૭,૦૩૬ની વસ્તી દીઠ એક ડૉક્ટર સેવા આપે છે. દિલ્હી,કેરાલા,તામિલનાડુ,પ.બંગાળ,કર્ણાટક જેવા રાજ્યો કરતાં ગુજરાત આરોગ્યની દ્રષ્ટિએ પાછળ રહ્યું છે.નેશનલ હેલ્થ મિશનના એક રિપોર્ટ મુજબ, ગુજરાતમાં પ્રા.આરોગ્ય કેન્દ્રો,સામૂહિક આરોગ્ય કેન્દ્ર,પેટા જીલ્લા હોસ્પિટલ અને જીલ્લા હોસ્પિટલોની ઘટ છે. આ ઉપરાંત સરકારી હોસ્પિટલોમાં ફિઝીશીયન,ગાયનેક, પિડીયાટ્રિક, સર્જન જ નથી. તબીબોની ખાલી જગ્યાઓને લીધે તબીબી સારવાર મેળવવા ગરીબ દર્દીઓને શહેરોમાં આવવુ પડે છે. ગામડાઓમાં દર્દીઓને નાછૂટકે ખાનગી દવાખાનામાં સારવાર લેવા મજબૂર થવુ પડે છે. જો સરકારી હોસ્પિટલોમાં ડૉક્ટરો હોય તો જ સારી તબીબી સેવા ઉપલબ્ધ થાય.રાજ્ય આરોગ્ય વિભાગ એક તરફ, છેવાડાના માનવીને શ્રેષ્ઠ તબીબી સારવાર પુરી પાડવાનો દાવો કરી રહી છે જયારે બીજી તરફ, માળખાકિય સુવિધા જ નથી. હવે ભાજપ સરકારે હેલ્થ પોલીસીના બહાને મળતિયાઓને કરોડોની સરકારી હોસ્પિટલો-મોંઘી જમીનો પધરાવી દેવા આયોજન ઘડયું છે.સરકારી હોસ્પિટલોમાં ભણીગણીને ડૉકટરો ગામડાઓમાં જવા માંગતા જ નથી. શહેરોમાં કોર્પોરેટ-ખાનગી હોસ્પિટલોમાં મોટા પગારો-દવાના કમિશન મેળવવા ઇચ્છુક ડૉક્ટરો ગામડા તબીબી સેવા આપવા તૈયાર જ નથી. પરિણામે ગુજરાતમાં સરકારી હોસ્પિટલોની આ દશા થઇ છે. હવે હારીથાકીને સરકાર પીપીપી ધોરણે સરકારી હોસ્પિટલ આપી દેવા માંગે છે.