મંગળવાર, 19 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 2 જાન્યુઆરી 2017 (15:48 IST)

અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીની હાજરીમાં ગાંધીનગરમાં ફિક્સ પે મુદ્દે જનઆક્રોશ મહાસંમેલન

ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલી ફીક્સ પગાર પ્રથા તથા કોન્ટ્રાક્ટ પ્રથા સામે ગુજરાત જન અધિકાર મંચ દ્વારા છેલ્લા બે વર્ષથી સઘન લડાઇ ચલાવવામાં આવી રહી છે. રાજ્યમાં જિલ્લાવાર સભાઓ યોજ્યા બાદ આજે ગાંધીનગરમાં જન આક્રોશ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે.

હાલ સભામાં અલ્પેશ ઠાકોર, જીગ્નેશ મેવાણી અને મંચનાં પ્રદેશ પ્રમુખ પ્રવિણભાઇ રામ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે.  સ્થાનિક તંત્ર દ્વારા સંમેલનને મંજુરી હોવા છતા મંચ સાથે જોડાયેલા કર્મચારીઓ કાર્યક્રમ કરવા મક્કમ હતા. જેને પગલે પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત કરતા સત્યાગ્રહ છાવણી ખાતે યોજાનાર સંમલેન અક્ષરધામ પાસે યોજાયું છે. ગુજરાત જનઅધિકારી મંચ દ્વારા રાજ્યમાં ફિક્સ પગાર પ્રથા નાબુદી, કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદી, યુવા બેરોજગાર, માનદ વેતન પ્રથા, આંગણવાડી તથા સફાઇ કર્મચારીઓનાં શોષણ સહિતનાં મુદ્દાને લઇને સરકાર સામે લડત ચલાવવામાં આવી રહી છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે લડત વધુ મજબૂત બની રહી છે. મંચનાં પ્રદેશ પ્રમુખ પ્રવિણભાઇ રામે જણાવ્યું હતું કે નાના કર્મચારીઓ તથા લોકોની લડતમાં ક્ષત્રિય ઠાકોર સેના-ઓબીસી એકતા મંચ, એસપીજી, પાસ, દલીત આંદોલનનાં આગેવાનો તથા અન્ય સામાજીક સંગઠનો પણ અમારી સાથે છે અને લડતને ટેકો આપી રહ્યા છે. પરંતુ તંત્ર દ્વારા મંજૂરી ન અપાતા, રાજ્યભરમાંથી આવેલા 10 હજારથી પણ વધારે ફીક્સ પગારદારો, આશા વર્કરો, કોન્ટ્રાક્ટ વર્કરોએ અક્ષરધામ મંદીર સામેના મેદાનમાં મંજૂરી વિના સભા યોજી હતી. જેમાં પાટીદાર આંદોલનકારી આગેવાનો, ઓએસએસ એકતા મંચના સંયોજક તેમજ રાષ્ટ્રિય દલિત અધિકાર મચંના પ્રમુખએ હાજર રહીને ફીક્સ પગારદારોને સમર્થન આપ્યું હતું.તમામ આંદોલનકારીઓ વતી ઓએસએસ એકતા મંચના સંયોજક અલ્પેશ ઠાકોરે સરકારને ચીમકી આપી હતી કે, 8 જાન્યુઆરી સુધીમાં ફીક્સ પગાર વ્યવસ્થાને નાબૂદ કરીને આ પ્રશ્નનો નિવેડો નહી લવાય તો વાઈબ્રન્ટ ગુજરાતમાં બહારથી આવતા રોકાણકારો સમક્ષ ગુજરાતના વિકાસના દાવાની પોલ ખોલવામાં આવશે.