શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 14 ડિસેમ્બર 2016 (14:42 IST)

પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા કચ્છનાં ધોરડો-સફેદ રણ ખાતે મુખ્યમંત્રીનાં હસ્તે રણોત્સવનો દબદબાભેર શુભારંભ

રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજરોજ  વિશ્વ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા કચ્છનાં ધોરડો-સફેદ રણ ખાતે રણોત્સવ-૨૦૧૬ નો દબદબાભેર શુભારંભ કરાવ્યો હતો. વિજયભાઇ રૂપાણીએ રણોત્સવનો પ્રારંભ કરાવ્યા બાદ બોર્ડર એરીયા ડેવલપમેન્ટ યોજના અંતર્ગત ધોરડો ખાતે રૂા. ૬૨ લાખનાં ખર્ચે નીમાર્ણ પામેલ અધતન ભુંગાનું લોકાર્પણ કર્યુ હતુ અને રૂા. ૧.૪૦ કરોડનાં ખર્ચે તૈયાર થનાર ૨૦ ભુંગાનું ખાત મુહુર્ત કર્યુ હતું આ ૨૦ પૈકી ૧૦ ભુંગા ઘોરડો ખાતે અને ૧૦ ભુંગા ગોરવલી ખાતે બનશે જેથી પ્રવાસીઓની સુવિધામાં વધારો થશે અને સ્થાનિકક્ષેત્રે પ્રવાસન અંતર્ગત રોજગારીમાં પણ વધારો થશે કચ્છને કુદરતે અફાટ સૌદર્ય આપ્યુ છે અને એટલે જ આજે દેશ વિદેશનાં  પ્રવાસીઓ આકર્ષિત થઇને તેને માણવા આવે છે અને તેમા ઉતરોતર વધારો થઇ રહયો ધોરડો-સફેદ રણ ખાતે  મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ પ્રવાસીઓ માટે આકર્ષણરુપ બનાવેલ  વિવિધ સુવિધાઓનું પણ નિદર્શન કર્યુ હતું. જેમાં વિવિધ પ્રકારનાં ભુંગા, થીમ પેવેલીયન, કલબ હાઉસ વગેરેનો સમાવેશ થાય  છે આ તકે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉંટ ગાડી અને ગોલ્ફ કાર્ટમાં બેસીને રણોત્સવનો આનંદ ઉઠાવ્યો હતો  તેમની સાથે તેમના પત્નિ શ્રીમતિ અંજલીબેન રૂપાણી અને અન્ય મહાનુભાવો પણ સહભાગી બન્યા હતાં કચ્છને ત્રિવિધ પ્રાકૃતિક સંપદા મળી છે, એટલું જ નહી, અહીંના રણની વિશેષતા એ છે કે અહીં દુનિયાનું એક માત્ર સફેદ રણ આવેલ છે. રાજય સરકારની પ્રવાસન પ્રોત્સાહક નીતિને કારણે આજે તો હવે આ સફેદ રણ વ્હાઇટ ડેઝર્ટસફારીનું વર્લ્ડ ફેમસ ડેસ્ટિનેશન બની ગયુ છે    
    



બનાસકાંઠાના સૂઇ ગામ પાસે સરહદ દર્શનની સુવિધા ઉભી કરાશે, અમરેલીના આંબરડી ખાતે લાયન સફારી પાર્ક ટૂંક સમયમાં આકાર લેશે . 

કચ્છની જગવિખ્યાત શ્વેત મરુભૂમિ, સફેદ રણમાં ૧૧૦ દિવસ સુધી ચાલનારા રણોત્સવનો મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શાનદાર પ્રારંભ કરાવ્યો હતો અને ગુજરાત પ્રવાસન વિભાગ, યુવક અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા યોજવામાં આવેલા વિવિધ કાર્યક્રમમાં તેઓ સહભાગી બન્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ કચ્છનું સફેદ રણ ગુજરાતની બ્રાંડ બની ગયો હોવાનું કહ્યું હતું. ગુજરાત રાજ્યમાં આવેલા વિવિધ પ્રવાસન સ્થળોના વિકાસની વિભાવના સ્પષ્ટ કરતા મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ ઉમેર્યું કે રાજ્ય સરકાર દ્વારા માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ ભૌગોલિક તથા નૈસર્ગિક વિશેષતા ધરાવતા સ્થળોનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે.


કચ્છનું સફેદ રણ કુદરતે ગુજરાતને આપેલી અણમોલ નૈસર્ગિક વિરાસત છે. આવા સ્થળોનો વિકાસ કરવા અને અહીં આવતા પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક કામો કરવામાં આવ્યા છે. પ્રવાસન સ્થળોના વિકાસના કારણે સ્થાનિક લોકો માટે રોજગારીની તકો વધી હોવાની વાતનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે કચ્છમાં સફેદ રણના વિકાસ ડેઝર્ટ ટુરિઝમ તરીકે વિકાસ થતાં તેને સંલગ્ન બાબતોનો પણ વિકાસ થયો છે. યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી થઇ છે.

કચ્છની સંસ્કૃતિ, બોલી, પહેરવેશ, ગૃહઉદ્યોગ અને હાથશાળને નવતર પહેચાન પ્રાપ્ત થઇ છે. આજે અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં વધુ પ્રવાસીઓ આવે છે. તેમાં કચ્છનો મોટો હિસ્સો છે.કચ્છના સફેદ રણમાં આવતા પ્રવાસી પ્રકૃતિ સાથે સીધુ તાદાત્મ્ય સાધી શકે છે. નીચે આરસ પહાણ જેવું સફેદ રણ અને ઉપરથી આવતી ચાંદનીના પરિણામે અનોખો નજારો જોવા મળે છે. જાણે કે ચાંદની ખુદ રણમાં પથરાઇ હોય એવી અનુભૂતિ થયા વિના રહેતી નથી, આવા અહેસાસ સાથે લોકો હરેફરે અને આનંદ માણે છે. રાજ્ય સરકાર સાગર તટોને રમણીય બનાવવા માટે પ્રતિબદ્ધ હોવાની તારસ્વરે જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે સફેદ રણ ઉપરાંત ગીરના સિંહોને નિહાળવા, તેના વિશે જાણવા માટે દેશવિદેશમાંથી લોકો આવે છે.

આ સિંહોને લોકો સરળતાથી જોઇ શકે એ માટે પાંચ જગા પર લાયન સફારી પાર્ક બનાવવાનું આયોજન છે. જેમાં અમરેલી જિલ્લાના આંબરડી ગામ પાસે લાયન સફારી પાર્ક ટૂંક સમયમાં કાર્યરત થઇ જશે. જેથી પ્રવાસીઓ માટે નવું આકર્ષણ ઉભું થશે. આ ઉપરાંત બનાસકાંઠાના સૂઇ ગામ નજીક નડાબેટ ખાતે સરહદ દર્શન કેન્દ્ર ખોલવામાં આવશે. વાઘા બોર્ડર જેવી જ સુવિધા અહીં ઉપલબ્ધ કરાવવામાં આવશે. રૂપાણીએ કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વચ્છતા અભિયાનને કેન્દ્રમાં રાખી રાજ્ય સરકાર ગુજરાતના છ પ્રવાસન સ્થળોને સંપૂર્ણ સ્વચ્છ બનાવશે. અહીં ચોવીસ કલાક સફાઇ કામગીરી થાય એવું આયોજન ઘડી કાઢ્યું છે.

આ પ્રવાસન સ્થળોમાં આવતા યાત્રિકોને સ્વચ્છતા બાબતે બહેતર અનુભવ થશે. ગણપતભાઇ વસાવાએ પ્રાસંગિક પ્રવચનમાં રણોત્સવની ભૂમિકા સ્પષ્ટ કરી હતી અને પ્રવાસન સ્થળોના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો આપી હતી. સીમા સુરક્ષા દળના જવાનો દ્વારા યોજવામાં આવેલો કેમલ શો નિહાળ્યો હતો અને તેનાથી અતિપ્રભાવિત થયા હતા. દેશની ખડે પગે સુરક્ષા કરતા જવાનોની બહાદૂરીની મુખ્યમંત્રીશ્રીએ સરાહના કરી હતી. સફેદ રણમાં મેગા સાંસ્કૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યના કલાકારોએ કચ્છની આગવી સંસ્કૃતિ, સાંપ્રત સ્થિતિનું બખુબી મંચન કર્યું હતું. આ પૂર્વે ટેન્ટ સિટીની મુલાકાત લઇ વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું અને કેમલ કાર્ટની સવારી પણ કરી હતી. સરહદ વિસ્તાર વિકાસ કાર્યક્રમ અંતર્ગત બનેલા ૧૦ ભુંગાનું લોકાર્પણ અને ૨૦ ભુંગાનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ભુંગાનું સંચાલન ગ્રામ્ય પ્રવાસન સમિતિ દ્વારા કરવામાં આવશે.