ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 5 સપ્ટેમ્બર 2016 (16:52 IST)

ગણેશ વિસર્જન માટે રિવરફ્રન્ટ સહિત વીસ કૃત્રિમ કુંડ બનાવાયા, અમદાવાદમાં બે લાખથી વધુ ઘરોમાં વિઘ્નહર્તાની પધરામણી

હિન્દુઓના પ્રથમ પૂજનીય દેવતા એવા રિદ્ધિ-સિદ્ધના સ્વામી, વિઘ્નહર્તા-સુખકર્તા દુંદાળાદેવના દશ દિવસીય ગણેશોત્સવનો આજથી પ્રારંભ થઇ ચૂક્યો છે. પ્રભુ ગણેશની પૂજાનું મહત્ત્વ અમદાવાદમાં પણ છેલ્લાં કેટલાંક વર્ષથી અનેકગણું વધી ગયું છે. શહેરમાં ઘરગણેશ અને સાર્વજ‌િનક ગણેશની સ્થાપના ઠેકઠેકાણે ઉત્સાહભેર થતી હોઇ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આ વખતે પણ શ્રીજીની મૂર્તિઓના વિસર્જન માટે રિવરફ્રન્ટ સહિતના સ્થળે રૂ.૬પ લાખના ખર્ચે વીસ કૃત્રિમ કુંડ તૈયાર કરાયા છે. જોકે રિવરફ્રન્ટ ખાતે વિવિધ પ્રોજેક્ટના ધમધમાટથી હવે કૃત્રિમ કુંડ બનાવવા માટે કોર્પોરેશનને પણ જગ્યાનાં ફાંફાં પડી રહ્યાં છે.

 કૃત્રિમ કુંડની સંખ્યા ઘટતી જાય છે! દક્ષિણ ઝોનમાં તો એક પણ કૃત્રિમ કુંડ જગ્યાના અભાવે બનાવી શકાયો નથી મ્યુનિ. સત્તાવાળાઓએ આશરે ૪ ફૂટ ઊંડા, ૩પ ફૂટ લાંબા અને રપ ફૂટ પહોળા એવા ર૦ કૃત્રિમ કુંડ રિવરફ્રન્ટ પર તૈયાર કર્યા છે. પ્રત્યેક કૃત્રિમ કુંડને બનાવવા આશરે રૂ.૩.રપ લાખ ખર્ચાયા છે. કોર્પોરેશન દ્વારા કોતરપુર અને પિરાણાથી આગળ બે મોટા ખાડા ખોદીને તેમાં ગણેશમૂર્તિઓનું વિસર્જન કરવાની વ્યવસ્થા પણ કરાઇ છે તેમજ મોટી મૂર્તિઓના નદીમાં સીધા વિસર્જન માટે વીસ ક્રેન વિવિધ રિવરબ્રિજ પર ગોઠવવામાં આવશે.
આજથી દસ દિવસ માટે ગણેશના ઉત્સવની શરૂઆત થઇ છે. શહેરભરના ગણેશ ભક્તો શ્રીજીમય બન્યા છે. ઠેરઠેર પંડાલ અને ઘરમાં શ્રીજીનું સ્થાપન થયું છે. આજથી ૧૦ દિવસ માટે શરૂ થયેલા ગણેશ ઉત્સવના પ્રારંભના પગલે શહેરમાં નાની-મોટી અંદાજે બે લાખથી વધુ શ્રીજીની પ્રતિમાનું પંડાલ અને ઘરમાં સ્થાપન થયું છે.
અમદાવાદ શહેરના ગણેશ મહોત્સવના આયોજકોએ ભવ્ય પંડાલ દસ દિવસના ઉત્સવ દરમ્યાન શ્રીજીને જાતજાતના શણગાર, પ્રસાદ, કાર્યક્રમો અને પંડાલ પાછળ રૂ.૩૦ થી પ૦ હજારનો ખર્ચ કરશે. એક અંદાજ મુજબ શહેરમાં ગણેશ ઉત્સવ પાછળ પ૦૦ કરોડથી વધુ ખર્ચ થશે. ખાસ કરીને આ વર્ષે માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિના સ્થાપન માટે શહેરીજનો જાગૃત થયા છે.
ભગવાન ગણેશના શણગાર માટેની જ્વેલરી, મંડપ ડેકોરેશન ૧૦ દિવસ વિવિધ કાર્યક્રમ પાછળ આટલો ખર્ચ થશે.શ્રીજીની પ્રતિમા બનાવતા કારીગરોને આ ઉત્સવથી આખા વર્ષની રોજગારી મળી રહે છે. આજે શહેરભરમાં વિવિધ મંડળ સહિત ઘરે સ્થાપન થયેલા શ્રીજીની મૂર્તિમાં ર૦ ટકા માટીની મૂર્તિઓ સ્થાપિત થઇ છે. પોલીસ ખાતાનાં સૂત્રોના જણાવ્યા મુજબ ૮ થી ૧૦ હજાર જેટલાં મંડળોએ શ્રીજી સ્થાપનનું ર‌જિસ્ટ્રેશન કરાવ્યું હશે.
શહેરભરમાં અંદાજે ૪૦ થી પ૦ લાખ માટીની મૂર્તિનું વેચાણ થયું છે. આ અંગે ગુજરાત માટીકામ એન્ડ રૂરલ ટેક્નોલોજીના ડેપ્યુટી મેનેજર જનક ભટ્ટે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં આ વર્ષે મોટા મંડળ દ્વારા ૮ થી ૧૦ હજાર ઘરમાં ૭૦ હજારથી વધુ માટીના ગણેશનું સ્થાપન થયું છે.
પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ દ્વારા કરાયેલા એક પરીક્ષણ દ્વારા પીઓપીના શ્રીજીના વિસર્જન સમયે સોડિયમ બાયકાર્બોનેટ, ખાવાનો સોડા નાખવાથી મૂર્તિ માત્ર ૩ કલાકમાં ઓગળી જાય છે. આ કોન્સેપ્ટને આગામી એક સપ્તાહમાં લોકો સુધી પહોંચાડવામાં આવશે, જેમાં પીઓપીની મૂર્તિને માટીનો ખાડો ખોદી વિસર્જન કરવા તેમજ તેમાં સોડા સાથે નાખવાથી મૂર્તિ ઓગળી જાય તે બાબતે જાગૃત કરાશે.
ઠેરઠેર અત્યારે ગણેશ ઉત્સવની સાથેસાથે સામાજિક કાર્યો, બ્લડ ડોનેશન, ગરીબ બાળકોને ભોજન વગેરે આયો‌િજત થઇ રહ્યાં છે. ગણેશ ચતુર્થી અને જૈન ધર્મના પવિત્ર તહેવાર સંવત્સરી નિમિત્તે જેલના કેદીઓને જુદા જુદા મંડળ અને જૈન સંઘ દ્વારા લાડુની પ્રભાવના અને પ્રસાદ આજે અપાશે.ગણેશ મહોત્સવ નિમિત્તે ઠેરઠેર ભવ્ય પંડાલમાં, ઘરમાં ૪ ઇંચથી ૮ ફૂટ સુધીની શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરાયું છે. ભવ્ય શોભાયાત્રા, ડાયરા, ગરબા, હાસ્ય નાટકો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને જાતજાતના લાડુના પ્રસાદની પુરજોશમાં તૈયારી થઇ ચૂકી છે.