શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 24 સપ્ટેમ્બર 2016 (12:19 IST)

છેલ્લા ૧૮ દિવસમાં રૂ. ૮ કરોડ ૮૬ લાખથી વધુનો દેશી- વિદેશી દારૂનો જંગી જથ્થો જપ્ત : ૧૪,૮૨૩ આરોપીઓની ધરપકડ :

રાજ્યના મુખ્ય મંત્રી  વિજયભાઇ રૂપાણીના સતત માર્ગદર્શન અને રાજ્ય ગૃહ મંત્રી  પ્રદિપસિંહ જાડેજાની સૂચના અનુસાર ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા ૧૮ દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં સઘન ચેકીંગ કરીને રૂ.૮ કરોડ ૫૬ લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ, તેમજ રૂ. ૩૦ લાખથી વધુ કિંમતનો દેશી દારૂ એમ કુલ રૂા. ૮કરોડ ૮૬ લાખથી વધુનો દેશી - વિદેશી દારૂનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તદ્દઉપરાંત રાજ્યના અલગ - અલગ સ્થળોએ દરોડા પાડીને જુગારીઓ પાસેથી રૂા. ૧ કરોડ ૭ લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, એમ કુલ રૂ. ૯ કરોડ ૯૪ લાખથી વધુ કિંમતનો દારૂ તથા જુગારનો મુદ્દામાલનો જંગી જથ્થો જપ્ત કર્યો છે. આ સાથે રાજ્યમાં દારૂના અડ્ડા ચલાવતા અને જુગાર જેવી અસામાજીક પ્રવૃતિ કરતા ૧૪,૮૨૩ જેટલા આરોપીઓની ઘરપકડ કરી સપાટો બોલાવીને તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરી છે, તેમ આજે ગાંધીનગર ખાતે રાજ્ય પોલીસ મહાનિર્દેશક  પી.પી. પાંડેએ જણાવ્યું હતું.   પી.પી. પાંડેએ વધુ માહિતી આપતાં કહ્યું હતું કે, ગુજરાત પોલીસ દ્વારા ગત તા.૦૩સપ્ટેમ્બર- ૨૦૧૬ થી  રાજ્યભરના વિવિધ વિસ્તારોમાં સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં અંદાજિત ૪ લાખ ૫૭ હજાર  લીટરના  દેશી દારૂના જથ્થાની સાથે ૧૦ હજાર ૮૦૦ થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ૫ લાખ ૬૭ હજાર જેટલી  વિદેશી દારૂની બોટલના જથ્થાની સાથે ૧,૬૨૮ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે.  આ ઉપરાંત રાજયના અલગ અલગ સ્થાનો ઉપર દરોડા પાડીને જુગારના આરોપીઓ પાસેથી અંદાજે રૂ.૧ કરોડ ૭૪ લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરીને ૨,૩૧૭ જેટલા જુગારીઓની  ધરપડક કરવામાં આવી છે. તેમ પણ  પી.પી. પાંડેએ ઉમેર્યું હતું.  રાજ્યના મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ પોલીસ તંત્રને વધુને વધુ સક્રીય કરીને ગુજરાતમાંથી દારૂ, જુગાર જેવી બદીઓ કાયમ માટે નાબૂદ કરવાના દ્રઢ સંકલ્પને વધુ મજબૂત કરીને આવા અસામાજિક તત્વો સામે કડક સંદેશો આપ્યો છે, તેમ   પી.પી. પાંડેએ જણાવ્યું હતું.