બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 3 ડિસેમ્બર 2016 (16:00 IST)

અમેરેલી નગર પાલિકાનો નવો ફતવો - ગાય છી કરે તો સજા માલિકે ભોગવવાની

અમરેલી શહેરમાં હવે જો કોઇ ગાય કે ભેંસ એક દિવસમાં ત્રણ કિલોથી વધુ વજનનો પોદળો કરશે તો તેના માલિકને અમરેલી પાલિકા દ્વારા ગધેડે બેસાડીને શહેરમાં ફેરવીને દંડ ફટકારવામાં આવશે. કોંગ્રેસ શાસિત અમરેલી પાલિકા દ્વારા શહેરના રસ્તાઓ પર ગાય-ભેંસના છાણ-પોદળાથી વધી રહેલી ગંદકી દૂર કરવા માટે આ નવતર ફતવો જારી કર્યો છે. ગાયના વાછરડા કે ભેંસની પાડી માટે પોદળાની વજન મર્યાદા ત્રણ કિલોને બદલે એક કિલોની રાખવામાં આવી છે. વડાપ્રધાન દ્વારા ૫૦૦-૧૦૦૦ની ચલણી નોટો માટે અવારનવાર બહાર પાડવામાં આવતા ફતવાઓની જાણે પરોક્ષ રીતે ઠેકડી ઊડાડવાના આશયથી અમરેલી નગરપાલિકાનાં પ્રમુખ અલકાબહેન ગોંડલિયાએ આ નવતર ફતવો બહાર પાડ્યો છે.જોવાની વાત એ છે કે છાણ-પોદળાના વજનને નક્કી કરવા માટે પાલિકા દ્વારા ત્રણ સભ્યોની ટાસ્કફોર્સ પણ રચવામાં આવી છે. પાલિકાપ્રમુખે જણાવ્યું છે કે પાલિકા દ્વારા આ ઉદાહરણીય અને નવતર પગલું રાષ્ટ્રના હિતમાં લેવાયું છે, જેનો હેતુ ક્લિન સિટી, ક્લિન ઇન્ડિયા અને હેલ્ધી ઇન્ડિયાના મિશનને મદદ કરવા માટે છે. પાલિકાપ્રમુખે એવું પણ જણાવ્યું છે કે ૧લીથી તેનો અમલ શરૂ કરાયો છે, આ સંદર્ભે અમે નગરજનોનો અભિપ્રાય પણ લઇ રહ્યા છીએ. તે પછી સજા કરવાનું શરૂ કરાશે. છાણવાસીદાં નાખવા માટે ચોક્કસ જગ્યાઓ નક્કી કરાઇ છે. તે સિવાય જો તે નંખાશે કે મળી આવશે તો ઉપરોક્ત પગલાં ભરાશે. અમરેલીમાં ઢોરોના છાણને કારણે વધતી ગંદકી દૂર કરવા અનેક પ્રયાસો કરાયા છે, પણ ઢોરમાલિકો દ્વારા કોઇ સહકાર અપાતો નથી અને છાણની ગંદકી વધતી જાય છે. એટલે છેવટે આ પગલું લેવું પડ્યું છે. અમરેલીના કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધનાણીએ કાળા નાણાં અને છાણની સરખામણી કરીને જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૫૦૦-૧૦૦૦ની નોટો ચલણમાંથી રદ કરી તેનાથી જો કાળું નાણું બહાર આવતું હોય તો અમરેલીના રસ્તાઓ પર છાણ-પોદળાથી થતી ગંદકીને કાબૂમાં લેવા માટે પોદળાની ત્રણ કિલોની મર્યાદા બાંધવાથી શહેરની સ્વચ્છતા કેમ ન જાળવી શકાય? તેમણે ઉમેર્યું છે કે અમરેલીના ૯૫ ટકા લોકો પાલિકાના આ પગલાને આવકારી રહ્યા છે.